જેરુસલેમ, તા. 13 : છેલ્લા નવ મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલને મોટી સફળતા હાથ લાગી છે. ઈઝરાયલી સેનાએ દાવો કર્યો છે કે શનિવારે તેણે હમાસ સેનાની શાખા ઈજ્જાદીન અલ-કસમ બ્રિગેડના વડા મોહમ્મદ દઈફને નિશાન બનાવ્યો હતો. જેમાં તે કથિત રીતે માર્યો ગયો છે. દક્ષિણ ગાઝાના ખાન યુનિસ વિસ્તારમાં કરવામાં આવેલા એક હવાઈ હુમલાનો મોહમ્મદ દઈફ ભોગ બન્યો છે. આ હુમલામાં 70 લોકોના મોત થયા હતા. ઈઝરાયેલી મીડિયાએ કહ્યું કે હમાસના ખાન યુનિસ બ્રિગેડનો કમાન્ડર રાફા સાલામા પણ આ હુમલાનો ભોગ બન્યો હતો.

બાદમાં સાઉદી સમાચાર આઉટલેટ અલ હદથે રાફા સલામાના મોતની પુષ્ટિ કરી હતી. જો કે દઈફ હુમલાનો ભોગ બન્યો છે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ તે કઈ સ્થિતિમાં છે તેની પણ કોઈ માહિતી નથી. છતાં આઈડીએફે આર્મી રેડિયોને જણાવ્યું કે આ હુમલાને લઈને ઘણી તૈયારીઓ કરવામાં આવી હતી. લગભગ થોડા કલાકો પહેલાં જ ગુપ્ત માહિતી મળી હતી. આર્મી રેડિયોના સંવાદદાતા ડોરોન કાદેશે જણાવ્યું કે હુમલાની જગ્યા પર કોઈ બંધક નહોતા. આર્મી રેડિયોએ જણાવ્યું કે દઈફ અને સલામા તે વિસ્તારના નિરાશ્રિત લોકોના તંબુ પાસે એક ઈમારતમાં છૂપાયેલા હતા. સુરક્ષ અધિકારીઓને ટાંકીને આર્મી રેડિયોએ કહ્યું કે આઈડીએફને અંદાજો હતો કે આ હુમલાથી ઘણા લોકો માર્યા જશે તે છતાં પણ તેમણે એરસ્ટ્રાઈક કરી હતી. જો કે બાદમાં જણાવવામાં આવ્યું કે હુમલામાં માર્યા ગયેલા લોકો હમાસના સક્રીય આંતકીઓ હતા જે દઈફ અને સલામાની સુરક્ષા માટે કામ કરતા હતા. ઈઝરાયલના આ હુમલાને હમાસે નકારી કાઢ્યો છે.

