કુસ્તીમાં કાંસ્ય જીતી અમન સહરાવતે ઈતિહાસ રચ્યો

Reena Brahmbhatt
1 Min Read

પેરિસ, તા. 9 : હરિયાણાનું હીર ઝળકાવતાં ઓલિમ્પિક રમતોત્સવમાં પહેલીવાર રિંગમાં ઊતરેલા પહેલવાન અમન સહરાવતે શનિવારે પ્યૂર્ટોરિકોના ડારિયાન ટોઈક્રુઝને 13-5થી પરાજિત કરીને કાંસ્યચંદ્રક જીતી લીધો હતો. આમ, ભારતના ખાતામાં હવે એક રજત અને પાંચ કાંસ્ય સહિત છ ચંદ્રક થઈ ચૂક્યા છે.

aman swrawat kusti olympic

- Advertisement -

અમન વ્યક્તિગત સ્પર્ધામાં ચંદ્ર જીતનાર સૌથી યુવા ભારતીય પણ બની ગયો છે. કુસ્તીમાં પ્રથમ ચંદ્રક જીતી લાવવા બદલ અમનને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ નોંધ્યું હતું કે, સ્પર્ધામાં અમનની લગન અને દૃઢતા સ્પષ્ટ દેખાઈ છે. આખો દેશ આ ઉલ્લેખનીય ઉપલબ્ધિની ઉજવણી કરી રહ્યો છે. કારકિર્દીના પ્રારંભે જ પ્રભાવશાળી પ્રદર્શન કરતાં માત્ર 21 વર્ષીય અમને કારકિર્દીની વિજયી શરૂઆત સાથે ઈતિહાસ રચ્યો હતો. પુરુષોની 57 કિલોગ્રામ કેટેગરીની સ્પર્ધા શરૂઆતમાં થોડી રસાકસીભરી રહ્યા બાદ મુકાબલો એકતરફી બનાવી દેતાં અમને ક્રૂઝને રમતમાં વાપસી કરવાની કોઈ જ તક આપી નહોતી. ખાસ જાણવા જેવી વાત તો એ છે કે અમન જેને પોતાના ગુરુ માને છે તેવા રવિ દહિયાને નેશનલ ટ્રાયલ્સમાં હરાવી, ક્વોલિફાયર્સમાં સ્થાન અને પછી ઓલિમ્પિકની ટિકિટ અમને મેળવી હતી. વીનેશ ફોગાટ થોડાંક વધુ વજનના કારણે ગેરલાયક ઠરતાં હતાશ ભારતીય રમતરસિકોની અમન સહરાવત પર મીટ મંડાયેલી હતી.

Share This Article