Anthony Albanese Sydney Mosque Protest: ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝને તે સમયે અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો જ્યારે સિડનીની એક મસ્જિદમાં પહોંચતા તેમનો વિરોધ થયો અને તેમની સામે હૂટિંગ કરવામાં આવ્યું. અલ્બનીઝ શુક્રવારે ઈદની નમાજમાં સામેલ થવાના આમંત્રણ પર સિડની સ્થિત દેશની સૌથી મોટી મસ્જિદોમાંની એક લકેમ્બા મસ્જિદ પહોંચ્યા હતા. આ મુલાકાતનો હેતુ ઓસ્ટ્રેલિયન મુસ્લિમો સાથે જોડાણ દર્શાવવાનો હતો, પરંતુ જ્યારે મસ્જિદના એક નેતા ભાષણ આપી રહ્યા હતા, તે જ સમયે ત્યાં હાજર લોકોએ વિરોધ શરૂ કર્યો હતો.
અલ્બનીઝ વિરુદ્ધ મસ્જિદમાં નારાબાજી
પીએમ અલ્બનીઝની સાથે દેશના ગૃહમંત્રી ટોની બર્ક પણ ત્યાં હાજર હતા. મસ્જિદમાં હાજર લોકો અલ્બનીઝ અને તેમના ડેપ્યુટી પર ‘નરસંહારના સમર્થક’ હોવાનો આરોપ લગાવવા લાગ્યા હતા. આ દરમિયાન લોકોએ તેમને હૂટ કરતા ‘ગેટ આઉટ ઓફ હિયર’ (અહીંથી ચાલ્યા જાઓ) ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવી રહ્યા હતા.
રિપોર્ટ અનુસાર, કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિએ બૂમ પાડીને કહ્યું, “તેઓ અહીં કેમ છે? તેમને અહીંથી બહાર કાઢો. આ શરમજનક બાબત છે.” લોકોના હૂટિંગ વચ્ચે અલ્બનીઝ ભીડથી બચતા ઝડપથી ત્યાંથી નીકળી ગયા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અલ્બનીઝ પર બૂમો પાડનાર એક વ્યક્તિને પોલીસે ત્યાંથી હટાવ્યો હતો, જોકે બાદમાં તેને કોઈ પણ આરોપ વગર છોડી દેવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના મુસ્લિમોમાં રોષ
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓસ્ટ્રેલિયાના મુસ્લિમ સમુદાયના કેટલાક વર્ગોમાં ગાઝા યુદ્ધ ને લઈને સરકારના વલણ સામે ભારે રોષ છે. બીજી તરફ, મસ્જિદનું સંચાલન કરનાર લેબનીઝ મુસ્લિમ એસોસિએશને પ્રધાનમંત્રીની યજમાની કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો છે. એસોસિએશને તે ટીકાને પણ ફગાવી દીધી છે કે આ આમંત્રણ સરકારી નીતિઓના સમર્થનનો સંકેત છે. પીએમ અલ્બનીઝે બાદમાં આ ઘટના છતાં મુલાકાતને સકારાત્મક ગણાવી હતી.

