Balochistan Unrest 2026: બલૂચિસ્તાનમાં ફરી ભભૂકી હિંસા! BLA અને BLF ના ઉપરાઉપરી હુમલાથી સૈન્ય છાવણીઓ ધણધણી ઉઠી, અધિકારીઓની બેઠક પર જ ફેંકાયા ગ્રેનેડ

Arati Parmar
2 Min Read

Balochistan Unrest 2026: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) ના લડાયકોએ પાકિસ્તાની સેનાના ૧૨ જવાનોને ઠાર કર્યા છે. આ અથડામણમાં છ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા છે. BLA ના પ્રવક્તાએ જણાવ્યું કે તેમના લડાયકોએ પંજગુર જિલ્લામાં કલાકો સુધી ચાલેલી અથડામણમાં પાકિસ્તાની જવાનોને નિશાન બનાવ્યા હતા. BLA પ્રવક્તા જીયાંદ બલૂચે કહ્યું કે જૂથે પાકિસ્તાની સૈનિકોના ‘ડેથ સ્ક્વોડ’ પર ત્યારે હુમલો કર્યો જ્યારે તેઓ સોરાપ વિસ્તારમાં મોટી સંખ્યામાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જીયાંદ બલૂચે ઉમેર્યું કે આ અથડામણ શનિવારે બપોરે લગભગ ૧ વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે ૮ વાગ્યા સુધી ચાલી હતી.

BLA પ્રવક્તાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાના વધારાના સૈનિકોએ બખ્તરબંધ ગાડીઓ અને અન્ય ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જૂથની અન્ય એક યુનિટે તેમને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે એક લશ્કરી ગાડી નષ્ટ થઈ ગઈ છે અને કથિત ડેથ સ્ક્વોડના સભ્યોને પણ ભારે નુકસાન થયું છે.

- Advertisement -

પાકિસ્તાની સેના પર થશે વધુ હુમલા

જીયાંદ બલૂચે આ હુમલાને બલૂચ રાષ્ટ્રની આઝાદી માટે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષનો હિસ્સો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જૂથ પાકિસ્તાની સેનાને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. તેમણે ચેતવણી આપી હતી કે BLA હજુ વધુ ઘાતક હુમલા કરશે અને પાકિસ્તાની સેનાને દરેક મોરચે નિષ્ફળતા અને હારનો સામનો કરવો પડશે.

BLF એ પણ કર્યો હુમલો

આ દરમિયાન બલૂચિસ્તાનના અન્ય એક બળવાખોર જૂથ ‘બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ’ (BLF) એ પણ પાકિસ્તાની સેનાની છાવણી પર હુમલો કરવાનો દાવો કર્યો છે. BLF ના પ્રવક્તા મેજર ગ્વાહરમ બલૂચે જણાવ્યું હતું કે લડાયકોએ શનિવારે ટુમ્પના બાલિચાહ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય શિબિર પર ગ્રેનેડ-લોન્ચર છોડ્યા હતા. આ હુમલો ખૂબ જ સચોટ હતો. તેમણે માહિતી આપી હતી કે આ હુમલો ત્યારે થયો જ્યારે શિબિરની અંદર સૈન્ય અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠક ચાલી રહી હતી. ગ્વાહરમે ધમકી આપી હતી કે જે કોઈ પણ પાકિસ્તાની સેનાની મદદ કરશે, તે પોતાના જાન-માલના નુકસાન માટે પોતે જવાબદાર રહેશે.

- Advertisement -
Share This Article