Trump dinner party fight: ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટે અને નાણામંત્રી સ્કોટ બેસેન્ટ વચ્ચેના ઝઘડાને કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યોજવામાં આવેલી ડિનર પાર્ટીમાં મારામારી થતા થતા રહી ગઈ હતી. આ ઘટના વોશિંગ્ટન ડી.સી.માં એક ખાસ ક્લબ ‘એક્ઝિક્યુટિવ બ્રાન્ચ’ના ઉદ્ઘાટન અને એક પોડકાસ્ટ હોસ્ટ ચમથ પાલિહપિતિયાના જન્મદિવસની ઉજવણી દરમિયાન બની હતી. વાત એટલે સુધી વણસી હતી કે એક અધિકારીએ બીજાને ‘હું તારું મોઢું તોડી નાખીશ, બહાર ચાલ’ એમ કહી દીધું હતું.
ટ્રમ્પના અધિકારીઓ વચ્ચે તંગદિલી
મીડિયા રિપોર્ટ મુજબ, એક્ઝિક્યુટિવ ક્લબમાં ડિનર દરમિયાન સ્કોટ બેસેન્ટે પુલ્ટેને મોઢા પર મુક્કો મારવાની ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેસેન્ટને ખબર પડી હતી કે બિલ પુલ્ટે ટ્રમ્પ સામે ચુગલી કરી રહ્યા છે. આ વાતની ખબર પડતા જ સ્કોટ બેસેન્ટ ગુસ્સે થઈ ગયા અને તેમણે બિલ પુલ્ટેને મોઢા પર મુક્કો મારવાની ધમકી આપી.
પ્રેસિડેન્શિયલ ડિનર પાર્ટીમાં આ લોકોએ આપી હાજરી
આ ઘટના 4 સપ્ટેમ્બર, 2025ના રોજ વોશિંગ્ટન ડી.સી.માં એક ખાનગી ડિનર દરમિયાન બની હતી. આ ડિનરમાં ઘણા મોટા નામો હાજર હતા, જેમ કે ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફી, કોમર્સ સેક્રેટરી હાવર્ડ લ્યુટનિક, ઇન્ટિરિયર સેક્રેટરી ડગ બર્ગમ અને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબ્બાર્ડ.
ખાનગી વાતોનો ખુલાસો
લગભગ 30 મહેમાનો માટે ટેબલ સજાવવામાં આવ્યું હતું, જેના પર મોંઘા ક્રિસ્ટલ અને પોર્સેલિનના વાસણો ગોઠવેલા હતા. પણ કોકટેલ પાર્ટીના શોરબકોર વચ્ચે બેસેન્ટે પુલ્ટે પર ગાળો સાથે તીખી ટિપ્પણી કરી. એવી ચર્ચાઓ થઈ રહી છે કે સ્કોટ બેસેન્ટે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હતું કે ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર ટ્રમ્પ સામે તેમની બુરાઈ કરી રહ્યા હતા.
ટ્રમ્પના અધિકારીઓ વચ્ચે તણાવ
મોકો મળતા જ બેસેન્ટે પુલ્ટેને કહ્યું, ‘તમે ડોનાલ્ડ ટ્રમ્પને મારા વિશે કેમ વાત કરો છો? ભાડમાં જાઓ. હું તમારા મોઢા પર મુક્કો મારી દઈશ.’
બેસેન્ટની પ્રતિક્રિયા જોઈને પુલ્ટે સ્તબ્ધ લાગી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ તણાવપૂર્ણ ઘટના પછી ક્લબના સહ-માલિક અને ફાઇનાન્સર ઓમીદ મલિકને વચ્ચે પડવું પડ્યું. પણ બેસેન્ટને આ મંજૂર નહોતું. તે પુલ્ટેને પાર્ટીમાંથી બહાર કઢાવવા માંગતા હતા.
બેસેન્ટે ક્લબના માલિકને કહ્યું, ‘કાં તો તે અહીં રહેશે કાં તો હું. તમે મને કહો કે અહીંથી કોણ બહાર જશે.’ તેમણે આગળ કહ્યું, ‘આપણે બહાર જઈ શકીએ છીએ.’
આથી પુલ્ટેએ પૂછ્યું, ‘શું કરવા, વાત કરવા?’
તો બેસેન્ટે જવાબ આપ્યો, ‘ના, હું તને મારીશ.’
વાતાવરણ શાંત કરવા માટે મલિકે બંનેને અલગ કર્યા અને બેસેન્ટને શાંત કરવા માટે ક્લબના બીજા ભાગમાં લઈ ગયા. ડિનર દરમિયાન બેસેન્ટ અને પુલ્ટેને ટેબલના સામસામે છેડે બેસાડવામાં આવ્યા.
આ ઘટના પર બેસેન્ટ, પુલ્ટે, મલિક અને વ્હાઇટ હાઉસે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. ટ્રમ્પને આશા હતી કે ત્રણેય સાથે મળીને કામ કરશે.
પદ અને સત્તાની લડાઈ
ટ્રમ્પે મે મહિનામાં જાહેરાત કરી હતી કે બેસેન્ટ, વાણિજ્ય મંત્રી લ્યુટનિક અને પુલ્ટે સાથે મળીને કામ કરશે. પરંતુ ટ્રમ્પ પ્રશાસનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અધિકારીઓ વચ્ચે એક પ્રકારની આંતરિક લડાઈ ચાલી રહી છે. આ વિવાદથી પરિચિત કેટલાક લોકોનું કહેવું છે કે બેસેન્ટ માને છે કે પુલ્ટે તે બાબતોમાં દખલ કરી રહ્યા છે જેને નાણામંત્રી પોતાનો અધિકાર ક્ષેત્ર માને છે.
બેસેન્ટનો વિવાદાસ્પદ સ્વભાવ
આ પહેલીવાર નથી કે બેસેન્ટનો ટ્રમ્પના કોઈ સલાહકાર સાથે ઝઘડો થયો હોય. આ વર્ષની શરૂઆતમાં ઘણા સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે બેસેન્ટનો ઈલોન મસ્ક સાથે પણ જોરદાર ઝઘડો થયો હતો. રવિવારે બેસેન્ટ ટ્રમ્પ સાથે યુ.એસ. ઓપનમાં ગયા હતા, પરંતુ તેમને ટ્રમ્પથી થોડી સીટો દૂર બેસાડવામાં આવ્યા હતા.