Iran Israel Relations: ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ મુસ્લિમ બહુમતીવાળા દેશો સહિત તમામ દેશોને અપીલ કરી છે કે, ઇઝરાયલ સાથેના તેમના રાજકીય અને વ્યાપારી સંબંધોનો અંત લાવે. જેથી તેના ‘વિનાશકારી અપરાધો’નો સામનો કરી શકાય. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ‘ઝાયોની શાસન’ (ઇઝરાયલ) સાથે કોઈ પણ પ્રકારનો સહયોગ સ્વીકાર્ય નથી.
એકજૂથતા બતાવવા તમામ મુસ્લિમ દેશોને અપીલ કરી
ખામેનેઈએ આ નિવેદન રવિવારે રાષ્ટ્રપતિ અને કેબિનેટના સભ્યો સાથેની મુલાકાત બાદ આપ્યું હતું, જે બાદમાં તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું. તેમણે કહ્યું કે, ‘મુસ્લિમ દેશોએ એકજૂથ અને મજબૂત વલણ અપનાવવું જોઈએ અને રાજદ્વારી અને આર્થિક સાધનો દ્વારા ઇઝરાયલ પર દબાણ લાવવું જોઈએ. તેમજ વ્યાપાર અને રાજકીય સંબંધો સમાપ્ત કરવા, પેલેસ્ટાઈનના મુદ્દાને સમર્થન આપવા અને પીડિતો સાથે એકજૂથતા બતાવવા માટેની એક જરૂરી પહેલ છે.’
તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘મૌન અથવા નિષ્ક્રિયતાને સહભાગીતા ગણવામાં આવશે. આ દરમિયાન તેમણે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનની તાજેતરની ચીન યાત્રાની પણ પ્રશંસા કરી અને કહ્યું કે આ મુલાકાતે આર્થિક અને રાજકીય, બંને સ્તરે મોટા ફેરફારોનો પાયો નાખ્યો છે.
અમેરિકાની મદદથી થઈ રહ્યો છે વિનાશ
ખામેનેઈના મતે, ‘ઝાયોની શાસન’અનેક અપરાધો અને વિનાશને શરમ વિના અંજામ આપી રહ્યું છે. ભલે આ કૃત્યો અમેરિકા જેવા શક્તિશાળી દેશના સમર્થનથી થઈ રહ્યા હોય, પરંતુ તેનો સામનો કરવા માટેના માર્ગો હજુ ખુલ્લા છે.
તેમણે ઇઝરાયલને વિશ્વનું ‘સૌથી એકલું અને નફરતપાત્ર’ શાસન ગણાવ્યું. ખામેનેઈના કહેવા મુજબ, ઈરાનની કૂટનીતિનો મુખ્ય ઉદ્દેશ અન્ય દેશોને આ ગુનેગાર શાસન સાથેના રાજકીય અને વેપારી સંબંધો તોડવા માટે પ્રેરિત કરવાનો હોવો જોઈએ.