Bangladesh BRICS: BRICS Summit પહેલાં ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ, તારિક રહમાનના દિલ્હી પ્રવાસ પર સવાલ

Arati Parmar
4 Min Read

Bangladesh BRICS: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહમાનને 12-13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS Summit માં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી શમા ઉબૈદે ગુરુવારે ભારત તરફથી Summit માટે આમંત્રણ મળ્યાની પુષ્ટિ કરી છે. જોકે બાંગ્લાદેશ તરફથી એવા સંકેતો આપવામાં આવ્યા છે, જેના કારણે તારિક રહમાનનું ભારત આવવું મુશ્કેલ લાગી રહ્યું છે. તેના પાછળનું મુખ્ય કારણ શેખ હસીનાને ભારતમાં આશ્રય મળવો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ભારતમાં બાંગ્લાદેશના રાજદૂત હમીદુલ્લાહ રિયાઝે સીધા BRICS Summit અંગે વાત કરી નથી, પરંતુ તેમણે કહ્યું છે કે શેખ હસીના ભારત ખાતે રહે છે ત્યાં સુધી તારિક રહમાનનું અહીં આવવું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું કે શેખ હસીના માત્ર ભારતમાં જ નથી, પરંતુ અહીં રહીને એવા નિવેદનો પણ આપી રહ્યા છે, જે બાંગ્લાદેશ વિરોધી છે. આવી સ્થિતિમાં અમારા પ્રધાનમંત્રી દિલ્હી કેવી રીતે આવી શકે?

વિદેશ મંત્રાલયને ભારતીય પક્ષ તરફથી પ્રધાનમંત્રીના નવી દિલ્હી પ્રવાસ માટે આમંત્રણ મળ્યું છે. આમંત્રણ પત્ર પહેલેથી જ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલી આપવામાં આવ્યો છે. હવે પ્રવાસ અંગેનો અંતિમ નિર્ણય તેમણે જ લેવાનો છે. – શમા ઉબૈદ ઇસ્લામ

‘ચીનની યાત્રાનું આર્થિક મહત્ત્વ’

નયનિમા બસુ સાથેના એક ઇન્ટરવ્યૂમાં હમીદુલ્લાહ રિયાઝે ભારત-બાંગ્લાદેશ સંબંધો અંગે વાત કરી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે ચીનની મુલાકાત બાદ શું પ્રધાનમંત્રી તારિક રહમાન આ વર્ષે ભારતની મુલાકાત પણ લેશે? તેના જવાબમાં રિયાઝે કહ્યું કે ઢાકાએ એક દેશને બીજા દેશ કરતાં પ્રાથમિકતા આપી છે, એવું કહેવું યોગ્ય નહીં હોય.

બાંગ્લાદેશના રાષ્ટ્રપ્રમુખોએ અગાઉ પણ ચીનની મુલાકાતો કરી છે. પ્રધાનમંત્રી રહમાનના મામલે અનેક આર્થિક જરૂરિયાતોને કારણે ચીન તેમની પ્રથમ વિદેશ યાત્રા બન્યું છે. હા, પ્રધાનમંત્રી તરીકે તારિક રહમાનની પ્રથમ મુલાકાત ભારતની હોઈ શકતી હતી, પરંતુ એ સમજવું પડશે કે હાલના સમયમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કેટલાક સંવેદનશીલ મુદ્દાઓ છે.

પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સમસ્યા છે?

રિયાઝને પૂછવામાં આવ્યું કે શું શેખ હસીના ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં અવરોધ છે? તેના જવાબમાં તેમણે કહ્યું, “જ્યાં સુધી શેખ હસીના અહીં (ભારતમાં) છે, ત્યાં સુધી તેઓ એવા નિવેદનો આપતા રહે છે, જેને દરેક રીતે બાંગ્લાદેશ વિરોધી કહી શકાય. પછી અમારા પ્રધાનમંત્રી અહીં કેવી રીતે આવી શકે અથવા અમે આને સ્વાભાવિક સંબંધ કેવી રીતે કહી શકીએ?”

રિયાઝે આગળ જણાવ્યું કે છેલ્લા પાંચથી છ મહિનાથી શેખ હસીના તરફથી બાંગ્લાદેશ વિરુદ્ધ સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. આ બાબત બાંગ્લાદેશના લોકોના મનમાં ઘર કરી ગઈ છે. હું જ્યારેેથી ભારત આવ્યો છું, ત્યારથી સતત કહી રહ્યો છું કે જ્યારે આવા નિવેદનો કરવામાં આવે છે અથવા ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ટિપ્પણીઓ કરવામાં આવે છે, ત્યારે તે બાંગ્લાદેશના સામાન્ય લોકોને દુઃખ પહોંચાડે છે.

રિયાઝે એમ પણ જણાવ્યું કે ભારતમાં શેખ હસીનાની હાજરી, તેમની પ્રવૃત્તિઓ અને બાંગ્લાદેશ વિરુદ્ધ તેમના નિવેદનોએ ત્યાં અશાંતિનું વાતાવરણ ઊભું કર્યું છે. ભારતે એ જોવાની જરૂર છે કે બાંગ્લાદેશ તરફ શું સંદેશ મોકલવામાં આવી રહ્યો છે. એવું લાગે છે કે ભારતના મનમાં બાંગ્લાદેશ માટે પૂરતું સન્માન અથવા આદર નથી. માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ આજે બાંગ્લાદેશનો સામાન્ય નાગરિક પણ ભારતમાંથી આવતી બાબતોથી આશ્ચર્યચકિત છે.

Share This Article