Neal Katyal Trump Tariff Ruling: અમેરિકી સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દુનિયાભરના દેશો પર લાદવામાં આવેલા ટેરિફને નાબૂદ કરવાનો આદેશ આપ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોંગ્રેસની મંજૂરી લીધા વિના ટેરિફ લગાવીને પોતાના કાયદાકીય અધિકારનું ઉલ્લંઘન કર્યું છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ એક્ટિંગ સોલિસિટર જનરલ નીલ કત્યાલનો હાથ છે, જેઓ ભારતીય મૂળના છે. તેમની દલીલોએ સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના ટેરિફની હવા કાઢી નાખી.
તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના ૧૯૭૭ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) ના ઉપયોગ વિરુદ્ધ તર્ક રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે ટ્રમ્પે લગભગ દરેક ટ્રેડિંગ પાર્ટનરના સામાન પર “ખોટો, બિન-બંધારણીય ટેક્સ” લાદ્યો છે. નીલ કત્યાલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કહ્યું કે “આજે, યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટ કાયદાના શાસન અને દરેક જગ્યાએ અમેરિકનો માટે ઊભી રહી. કોર્ટનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો કે રાષ્ટ્રપતિ શક્તિશાળી હોય છે, પરંતુ આપણું બંધારણ તેનાથી પણ વધુ શક્તિશાળી છે. અમેરિકામાં ફક્ત કોંગ્રેસ જ અમેરિકન લોકો પર ટેક્સ લગાવી શકે છે.”
નીલ કત્યાલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શું કહ્યું?
બીજી તરફ, સુપ્રીમ કોર્ટના નિર્ણયને બંધારણીય સીમાચિહ્ન ગણાવતા તેમણે કહ્યું કે “US સુપ્રીમ કોર્ટે અમને તે બધું જ આપ્યું જે અમે અમારા કાયદાકીય કેસમાં માંગ્યું હતું. બધું જ”. તેમણે કહ્યું કે “સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય હંમેશા રાષ્ટ્રપતિના અધિકારો વિશે હતો નહિ કે રાષ્ટ્રપતિ વિશે. આ હંમેશા સત્તાની વહેંચણી વિશે રહ્યો છે નહિ કે તે સમયની રાજનીતિ વિશે. મને એ જોઈને આનંદ થાય છે કે આપણી સુપ્રીમ કોર્ટ, જે ૨૫૦ વર્ષથી આપણી સરકારનો પાયો રહી છે, તે આપણા સૌથી મૂળભૂત મૂલ્યોની રક્ષા કરી રહી છે.”
ભારતીય મૂળના નીલ કત્યાલ કોણ છે?
એક રિપોર્ટ મુજબ નીલ કત્યાલ ભારતીય મૂળના છે અને તેમના માતા-પિતા ભારતથી અમેરિકા ગયા હતા. તેમની માતા ડોક્ટર છે અને પિતા એન્જિનિયર. તેમનો જન્મ શિકાગોમાં થયો હતો. કત્યાલે ડાર્ટમાઉથ કોલેજ અને યેલ લો સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને US સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સ્ટીફન બ્રેયર માટે ક્લર્કનું કામ કર્યું. વર્ષ ૨૦૧૦ માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમને પોતાના એક્ટિંગ સોલિસિટર જનરલ બનાવ્યા હતા. તેમણે અત્યાર સુધી અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ૫૦ થી વધુ મોટા કેસ લડ્યા છે, જે કોઈ પણ લઘુમતી વકીલ (minority attorney) માટે એક રેકોર્ડ છે.
કત્યાલના પાછલા કેસોમાં ૧૯૬૫ના વોટિંગ રાઈટ્સ એક્ટનો બંધારણીય રીતે બચાવ કરવો અને ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦૧૭ના ટ્રાવેલ બેનને પડકારવો સામેલ છે. કત્યાલ, “ઈમ્પીચ: ધ કેસ અગેન્સ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ” નામે એક પુસ્તક પણ લખી ચૂક્યા છે. એટલા માટે જ તેમને અવારનવાર ‘ડોનાલ્ડ ટ્રમ્પનું કાયદાકીય માથાનું દર્દ’ પણ કહેવામાં આવે છે. તેમને US જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું સૌથી મોટું નાગરિક સન્માન – એડમન્ડ રેન્ડોલ્ફ એવોર્ડ – મળેલું છે, અને ૨૦૧૭ તથા ૨૦૨૩માં ‘ધ અમેરિકન લોયર’ એ તેમને ‘લિટિગેટર ઓફ ધ યર’ પસંદ કર્યા હતા.
નીલ કત્યાલે ટેરિફ વિરુદ્ધ કોર્ટમાં શું તર્ક આપ્યા હતા?
કત્યાલે સુપ્રીમ કોર્ટમાં તર્ક આપ્યો હતો કે ટ્રમ્પે ૧૯૭૭ ના International Emergency Economic Powers Act (IEEPA) નો ઉપયોગ કરીને આ ટેરિફ લગાવ્યા છે. તેમણે દલીલ કરી કે આ કાયદામાં ક્યાંય પણ ‘ટેરિફ’ કે ‘ટેક્સ’ શબ્દનો ઉલ્લેખ નથી.
કત્યાલે આગલી દલીલ કરી હતી કે અમેરિકી બંધારણ હેઠળ ટેક્સ લગાવવાની અને વેપારને નિયંત્રિત કરવાની સત્તા ‘કોંગ્રેસ’ (સંસદ) પાસે છે, રાષ્ટ્રપતિ પાસે નહીં. રાષ્ટ્રપતિ પોતાની મરજીથી મનસ્વી ટેક્સ લાદી શકતા નથી.
રસપ્રદ વાત એ છે કે આ મોટા મામલામાં દલીલ કરવા માટે વકીલો વચ્ચે સિક્કો ઉછાળવામાં આવ્યો હતો. જેને નીલ કત્યાલે જીત્યો હતો, ત્યારબાદ તેઓ આ કેસમાં મુખ્ય વકીલ બન્યા.
સુપ્રીમ કોર્ટે કત્યાલના તર્કને સાચા માન્યા અને ટ્રમ્પના ટેરિફને અબંધારણીય જાહેર કર્યા. કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિ એકતરફી રીતે ટેક્સ બદલી શકતા નથી.
અમેરિકી સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એજન્ડા માટે એક બહુ મોટો ઝટકો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કોર્ટના નિર્ણયની ટીકા કરતા તેને “મૂર્ખામીભર્યો” ગણાવ્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે “સુપ્રીમ કોર્ટના જે સભ્યોએ અમારા ટેરિફની ખૂબ જ યોગ્ય અને સ્વીકાર્ય રીત વિરુદ્ધ વોટ આપ્યો, તેમને પોતાની જાત પર શરમ આવવી જોઈએ. તેમનો નિર્ણય અજીબ હતો, પરંતુ હવે એડજસ્ટમેન્ટ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને અમે પહેલા કરતા પણ વધુ પૈસા લેવાની પૂરી કોશિશ કરીશું!”

