Bangladesh Student Uprising: બાંગ્લાદેશમાં 2024માં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા આંદોલન અંગેના નવા એકેડેમિક રિસર્ચ પેપરમાં તપાસ કરવામાં આવી છે કે કેવી રીતે દેશભરની યુનિવર્સિટીઓએ એક મર્યાદિત માંગને દેશવ્યાપી બળવામાં ફેરવવામાં મદદ કરી હતી. આ આંદોલને શેખ હસીનાને સત્તા પરથી હટાવી દીધાં હતાં. સંશોધન અનુસાર, યુનિવર્સિટીઓએ યુવાનોને નેટવર્ક, ઓળખ અને સામૂહિક શક્તિ આપી, જેના કારણે તેઓ સરકારને પડકાર આપી શક્યા. આ રીતે યુનિવર્સિટીઓએ દેશવ્યાપી આંદોલન માટે ‘નર્સરી’ તરીકે કામ કર્યું.
અર્થશાસ્ત્રીઓ સુલતાન મહમૂદ અને અહમદ મુશફિક મુબારકનો આ અભ્યાસ ‘યુનિવર્સિટીઝ એઝ ઇન્ક્યુબેટર્સ ઑફ માસ અપરાઇઝિંગ’ સપ્ટેમ્બર 2026માં યેલ યુનિવર્સિટી, કનેક્ટિકટની રિસર્ચ સંસ્થા કાઉલ્સ ફાઉન્ડેશનના ડિસ્કશન પેપર તરીકે પ્રકાશિત થયો હતો. તેમાં બાંગ્લાદેશના 2024ના બળવા, જેને ‘માનસૂન ક્રાંતિ’ કહેવામાં આવ્યો હતો, તેના ભૌગોલિક વિસ્તારો સાથે જોડાયેલા વિરોધ પ્રદર્શનના વિસ્તૃત આંકડાઓની સાથે ફેસબુક પ્રવૃત્તિઓ, સામાજિક સંપર્કોના આંકડા, યુનિવર્સિટીઓમાં પ્રવેશ અને વસ્તી વિષયક માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ત્રણ મહત્ત્વની બાબતો
સંશોધકોએ ત્રણ મહત્ત્વની બાબતોની ઓળખ કરી છે. પ્રથમ, યુનિવર્સિટીનાં પરિસરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં અને ત્યારબાદ તે પરિસરની બહાર ફેલાયાં. બીજું, જે જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની વસ્તી વધુ હતી, ત્યાં પરિસરની અંદર અને બહાર બંને જગ્યાએ વધુ વિરોધ પ્રદર્શન થયાં. જોકે, આવો જ સંબંધ બિન-વિદ્યાર્થી યુવાનો, શિક્ષિત પુખ્ત વયના લોકો, શહેરી વસ્તી અથવા એવા વિસ્તારોમાં જોવા મળ્યો નહોતો, જ્યાં યુનિવર્સિટીઓને મંજૂરી તો મળી હતી, પરંતુ તે શરૂ થઈ નહોતી. ત્રીજું, જે જિલ્લાઓના લોકોના સામાજિક સંપર્કો એવા જિલ્લાઓ સાથે હતા, જ્યાં યુનિવર્સિટીનાં પરિસરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં હતાં, ત્યાં એક અઠવાડિયા પછી વિરોધ પ્રદર્શનો ફેલાવાની આશંકા વધુ હતી.
રિસર્ચ પેપરનો મુખ્ય તર્ક છે કે યુનિવર્સિટીઓ માત્ર એવી જગ્યાઓ નથી, જ્યાં રાજકીય અસંમતિ પેદા થાય છે. તે મોટા પાયે લોકોને એકત્ર કરવાની શરૂઆત પણ કરી શકે છે. તેઓ યુવાનોને એકસાથે લાવે છે, તેમની ફરિયાદોને સામે લાવે છે અને એવા સામાજિક નેટવર્ક ઉપલબ્ધ કરાવે છે, જેની મદદથી વ્યક્તિગત નારાજગી સામૂહિક કાર્યવાહીમાં ફેરવાઈ શકે છે.
રિસર્ચ પેપરમાં કહેવામાં આવ્યું છે, “યુનિવર્સિટીઓ રાજકીય અસંમતિમાં આટલી વિશેષ ભૂમિકા શા માટે ભજવે છે અને આ કારણે સરકારી દમનનું નિશાન શા માટે બને છે? પરિસરો શિક્ષિત યુવાનોને એક જ જગ્યાએ લાવે છે, તેમની વચ્ચે વારંવાર વાતચીત અને હળવા-મળવાની તક આપે છે તથા સામાજિક અને સંગઠનાત્મક નેટવર્કને મજબૂત બનાવે છે. તેનાથી લોકોની ફરિયાદોને સમજવી અને સામૂહિક કાર્યવાહીની યોજના બનાવવી સરળ બની શકે છે.”
યુનિવર્સિટીનાં પરિસરો શા માટે મહત્ત્વપૂર્ણ છે?
રિસર્ચ પેપર અનુસાર, આ રીતે યુનિવર્સિટીઓ કોઈપણ વિરોધ આંદોલન સામે ઊભા થતા એક મોટા પડકારને ઉકેલવામાં મદદ કરી શકે છે. આ પડકાર છે સરકારથી નારાજ લોકોને એ વિશ્વાસ અપાવવાનો કે તેઓ એકલા નથી.
લેખકોનું કહેવું છે કે યુનિવર્સિટીઓ એકસાથે એવી અનેક સુવિધાઓ અને પરિસ્થિતિઓ પૂરી પાડે છે, જે અન્ય સ્થળોએ ઊભી કરવી મુશ્કેલ છે. તેઓ મોટી સંખ્યામાં યુવાનોને નિયમિત રીતે એકબીજાના સંપર્કમાં લાવે છે. વિદ્યાર્થીઓ વારંવાર મળે છે, માહિતીની આપ-લે કરે છે અને એકબીજા સાથે સામાજિક સંબંધો બનાવે છે. પરિસરોમાં વિદ્યાર્થી સંગઠનો, રાજકીય જૂથો અને હોસ્ટેલ જેવી વ્યવસ્થાઓ પણ હોય છે, જેના માધ્યમથી સામૂહિક કાર્યવાહીની યોજના બનાવી શકાય છે.
એટલું જ મહત્ત્વનું એ છે કે યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શનમાં ભાગીદારી સૌને દેખાય છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાના સાથીઓને વિરોધ પ્રદર્શન કરતા જુએ છે, ત્યારે વિરોધમાં જોડાવાના જોખમ અંગે તેમની વિચારસરણી બદલાઈ શકે છે. અન્ય લોકોની ભાગીદારીથી તેમને આંદોલનની શક્તિ અને સત્તાને પડકારવા માટે લોકોની તૈયારીનો અંદાજ મળે છે.
આ દાવાની તપાસ કરવા માટે સંશોધકોએ 18 માર્ચથી 9 સપ્ટેમ્બર 2024 વચ્ચે 26 અઠવાડિયા સુધી બાંગ્લાદેશના 64 જિલ્લાઓમાં થયેલા વિરોધ પ્રદર્શનના આંકડાઓનો ઉપયોગ કર્યો હતો. તેમના વિશ્લેષણમાં આર્મ્ડ કોન્ફ્લિક્ટ લોકેશન એન્ડ ઇવેન્ટ ડેટા પ્રોજેક્ટ (ACLED)ના આંકડાઓને બાંગ્લાદેશ બ્યૂરો ઑફ એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન એન્ડ સ્ટેટિસ્ટિક્સના શિક્ષણ સંબંધિત આંકડાઓ સાથે જોડવામાં આવ્યા હતા.
આ બ્યૂરો કોઈ જિલ્લાના લોકોની સંખ્યાની સરખામણીમાં ત્યાંની યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે વિદ્યાર્થી વસ્તીનું પ્રમાણ નક્કી કરે છે. બાંગ્લાદેશમાં કૉલેજ શબ્દમાં એવી સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે, જ્યાં ઉચ્ચતર માધ્યમિક સ્તરે એટલે કે 11મા અને 12મા ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે.
સરેરાશ દર 100 લોકોમાંથી 3.54 વિદ્યાર્થીઓ છે. સંશોધકોએ અલગ-અલગ વિદ્યાર્થી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનોની સંખ્યામાં આવેલા ફેરફારની સરખામણી કરી હતી. આ દરમિયાન તેમણે 2008માં અવામી લીગને મળેલા રાજકીય સમર્થન, વસ્તીની ગીચતા, લઘુમતીઓનો હિસ્સો અને સ્થાનિક અર્થતંત્રની રચના જેવા પરિબળોને પણ ધ્યાનમાં રાખ્યા હતા.
તેમણે એ પણ તપાસ્યું હતું કે શું આ સંબંધને 15થી 24 વર્ષના યુવાનોની વસ્તી, પુખ્ત વયના લોકોની સાક્ષરતા, શહેરીકરણ અથવા વકીલોની હાજરીથી સમજી શકાય છે. વકીલો પણ પ્રમાણમાં શિક્ષિત અને સંગઠિત વ્યવસાયિક જૂથ હોય છે.
પરિણામો દર્શાવે છે કે વિદ્યાર્થી વસ્તીનું પ્રમાણ પોતાનામાં એક અલગ પરિબળ છે. જે જિલ્લાઓમાં વિદ્યાર્થીઓની વસ્તી વધુ હતી, ત્યાં અનામત સંબંધિત નિર્ણય બાદ કુલ વિરોધ પ્રદર્શનોમાં વધુ વધારો થયો હતો. પરિસરની અંદર અને બહાર થયેલા વિરોધ પ્રદર્શનોના કિસ્સામાં આ સંબંધ આંકડાકીય રીતે મહત્ત્વપૂર્ણ હતો.
તેનાથી વિપરીત, મુખ્ય વિશ્લેષણ દરમિયાન યુવાનોની વસ્તીનું પ્રમાણ, સાક્ષરતા દર અને શહેરી વસ્તીમાં આવો કોઈ સમાન નમૂનો જોવા મળ્યો નહોતો.
જોકે, વકીલોની હાજરીનો પણ વિરોધ પ્રદર્શનો સાથે હકારાત્મક સંબંધ જોવા મળ્યો હતો. આ પરિણામ એ વ્યાપક તર્કને થોડો જટિલ બનાવે છે કે બળવા પાછળ મુખ્ય સંગઠિત જૂથો માત્ર યુનિવર્સિટીઓ જ હતી.
અભ્યાસના નકશાઓ દર્શાવે છે કે શરૂઆતમાં વિરોધ પ્રદર્શનો ઢાકા જેવા શહેરોમાં કેન્દ્રિત હતાં, જ્યાં મોટી સરકારી યુનિવર્સિટીઓ આવેલી છે. ત્યારબાદ આ વિરોધ પ્રદર્શનો અન્ય શહેરી કેન્દ્રો સુધી ફેલાયાં હતાં. લગભગ આઠ અઠવાડિયાની અંદર વિરોધ પ્રદર્શનો સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યાં હતાં.
પરિસરમાંથી રસ્તાઓ સુધી ફેલાયું આંદોલન
અભ્યાસનાં સૌથી મહત્ત્વનાં તારણોમાંથી એક એ છે કે વિરોધ પ્રદર્શનો કયા ક્રમમાં ફેલાયાં હતાં. સંશોધકોએ શોધી કાઢ્યું કે પહેલાં યુનિવર્સિટીનાં પરિસરોમાં વિરોધ પ્રદર્શનો વધ્યાં હતાં. જુલાઈમાં પરિસરની અંદર થતાં વિરોધ પ્રદર્શનોની સંખ્યા વધીને દર અઠવાડિયે લગભગ 48 થઈ ગઈ હતી. ત્યારબાદ ઑગસ્ટની શરૂઆતમાં પરિસરની બહાર થતાં વિરોધ પ્રદર્શનોની સંખ્યા વધીને દર અઠવાડિયે લગભગ 67 થઈ ગઈ હતી.
ફેસબુક પરની પ્રવૃત્તિઓમાં પણ આવો જ વધારો જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી પોસ્ટ પરિસરમાં આંદોલન વધવાની સાથે ઝડપથી વધી હતી. ત્યારબાદ સામાન્ય રીતે વિરોધ પ્રદર્શનો સાથે જોડાયેલી પોસ્ટની સંખ્યામાં પણ વધારો થયો હતો.
આ ક્રમ દર્શાવે છે કે યુનિવર્સિટીઓમાંથી શરૂ થયેલું આંદોલન વ્યાપક સ્તરે ફેલાય તે પહેલાં જ સક્રિય થઈ ચૂક્યું હતું. સંશોધકોએ આગળ એ પણ તપાસ્યું કે શું અલગ-અલગ જિલ્લાઓ વચ્ચેના સામાજિક સંપર્કોએ વિરોધ પ્રદર્શનોને તેમના શરૂઆતના કેન્દ્રોથી બહાર ફેલાવવામાં મદદ કરી હતી.
ફેસબુકના સોશિયલ કનેક્ટેડનેસ ઇન્ડેક્સનો ઉપયોગ કરીને સંશોધકોએ જાણ્યું કે અલગ-અલગ ભૌગોલિક વિસ્તારો વચ્ચે સામાજિક સંબંધો કેટલા મજબૂત છે. તેમણે શોધી કાઢ્યું કે જે જિલ્લાઓના લોકોના સામાજિક સંબંધો એવા સ્થળો સાથે વધુ મજબૂત હતા, જ્યાં પાછલા અઠવાડિયે યુનિવર્સિટીનાં પરિસરોમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં, ત્યાં પાછળથી પરિસરની બહાર વધુ વિરોધ પ્રદર્શનો નોંધાયાં હતાં.
જોકે, જ્યારે સંશોધકોએ બે અઠવાડિયાના અંતરાલ પછીના આંકડાઓની તપાસ કરી, ત્યારે આ સંબંધ મહત્ત્વપૂર્ણ જણાયો નહોતો. આ તારણો દર્શાવે છે કે વિરોધ આંદોલનો માત્ર એક વિસ્તારથી બીજા વિસ્તારમાં ફેલાવાને બદલે અગાઉથી અસ્તિત્વમાં રહેલા સામાજિક નેટવર્ક દ્વારા પણ આગળ વધી શકે છે. આ રીતે મોટી યુનિવર્સિટીઓ ધરાવતાં શહેરો ભૌગોલિક રીતે દૂર આવેલા અન્ય કેન્દ્રોમાં પણ આંદોલનની શરૂઆત કરી શકે છે.
બાંગ્લાદેશની બહાર પણ જોવા મળ્યો આવો જ નમૂનો
યુનિવર્સિટીઓ અને વિરોધ પ્રદર્શનો વચ્ચેનો સંબંધ બાંગ્લાદેશની બહાર પણ જોવા મળે છે કે નહીં તેની તપાસ કરવા માટે લેખકોએ અન્ય બે સ્થળોનો અભ્યાસ કર્યો હતો.
પ્રથમ ઉદાહરણ વિયેતનામ યુદ્ધ દરમિયાનના અમેરિકાનું છે.
1963થી 1969 સુધીના કાઉન્ટી સ્તરના આંકડાઓનો ઉપયોગ કરીને સંશોધકોએ શોધી કાઢ્યું કે 1960માં જે વિસ્તારોમાં કૉલેજોમાં પ્રવેશનો દર વધુ હતો, ત્યાંના વિસ્તારોમાં આગામી દાયકામાં યુદ્ધ વિરોધી વિરોધ પ્રદર્શનો પણ વધુ થયાં હતાં. જોકે, 1950માં કોઈ કાઉન્ટીમાં યુવાનોની વસ્તીનું પ્રમાણ આ પ્રકારનો સંબંધ દર્શાવતું નહોતું.
બીજા વિશ્લેષણમાં 1997થી 2025 વચ્ચેના 226 દેશોના આંકડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં સંશોધકોને ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ અને વિરોધ પ્રદર્શનો વચ્ચે હકારાત્મક સંબંધ જોવા મળ્યો હતો. તેમના અંદાજ અનુસાર, ઉચ્ચ શિક્ષણમાં કુલ પ્રવેશના દરમાં 10 ટકા પોઇન્ટનો વધારો વિરોધ પ્રદર્શનોમાં લગભગ 12.7 ટકાના વધારા સાથે જોડાયેલો હતો.
લેખકોએ અલગ-અલગ દેશોમાંથી મળેલાં આ તારણોને નક્કર પુરાવા નહીં, પરંતુ પ્રારંભિક સંકેતો ગણાવ્યાં છે. એકંદરે, ત્રણેય ઉદાહરણો તેમના વ્યાપક તર્કને સમર્થન આપે છે કે યુનિવર્સિટીઓ એવી સંગઠનાત્મક અને સામાજિક પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે, જેનાથી સામૂહિક રાજકીય કાર્યવાહીની શક્યતા વધી જાય છે.
આ તર્ક એ વાતનું એક સંભવિત કારણ પણ જણાવે છે કે સરમુખત્યારશાહી વલણ ધરાવતી સરકારો ઘણીવાર યુનિવર્સિટીઓને પોતાના નિયંત્રણમાં રાખવા, વિદ્યાર્થી સંગઠનો પર પ્રતિબંધ મૂકવા અથવા પરિસરોમાં થતી રાજકીય પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાનો પ્રયાસ શા માટે કરે છે.
રિસર્ચ પેપરમાં તુર્કી, હંગેરી, ઈરાન, ભારત, રશિયા અને ઇઝરાયેલ સહિત અનેક દેશોમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને નિશાન બનાવવાની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટીનું ભંડોળ રોકવાનો મામલો પણ સામેલ છે.
સંશોધકો અનુસાર, તેની મૂળ ચિંતા એ નથી કે યુનિવર્સિટીઓ પોતાનામાં જ અસંમતિ પેદા કરે છે. પરંતુ તેઓ અસંમતિને સંગઠિત કરવા અને ફેલાવવા માટે જરૂરી માળખું પૂરું પાડી શકે છે.
રિસર્ચ પેપરના અંતમાં કહેવામાં આવ્યું છે, “આ દૃષ્ટિકોણ એ સમજવામાં મદદ કરે છે કે સરકારો યુનિવર્સિટીનાં પરિસરો પર દમન કરવા માટે આટલાં મોટાં સંસાધનો શા માટે ખર્ચે છે, જ્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વસ્તીનો એક નાનો હિસ્સો છે. રાજકીય સંકટના સમયે યુનિવર્સિટીઓ એવું સંસ્થાકીય વાતાવરણ પૂરું પાડી શકે છે, જેના દ્વારા લોકોની ફરિયાદો વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કરી શકે છે. આ જ બાબત તેમને જોખમી બનાવે છે.”

