Canada Election: કેનેડામાં 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરૂઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે. નોંધનીય છે કે, ચૂંટણી દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કેનેડાના લોકોને ચૂંટણીમાં એક મજબૂત નેતા પસંદ કરવાનું કહ્યું હતું.
ચૂંટણી પરિણામો બાદ લિબરલ પાર્ટીને કેનેડાની સંસદની 343 બેઠકોમાંથી સૌથી વધારે બેઠકો મળી છે. પરંતુ, હજુ એ સ્પષ્ટ નથી થયું કે, તે સ્પષ્ટ બહુમત હાંસલ કરી શકશે કે, તેમને સરકાર બનાવવા માટે અન્ય નાની પાર્ટીનો સહારો લેવો પડશે.
સત્તાધારી લિબરલ્સને ફરી મોકો મળશે: સરવે
માર્ક કાર્ની સત્તાધારી લિબરલ પાર્ટીના ઉમેદવાર છે જ્યારે પિયરે કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર છે. તાજા સરવે અનુસાર લિબરલ્સને 42.6 ટકા જ્યારે કન્ઝર્વેટિવ્સને 39.9 ટકા લોકોનું સમર્થન મળ્યું હતું. નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ધમકી આપી હતી. જે બાદ કેનેડામાં દેશભક્તિની ભાવના મજબૂત થઈ. જેનો ફાયદો લિબરલ પાર્ટીને થયો હોય તેવું અનુમાન છે. માર્ક કાર્ની કેનેડા અને બ્રિટનની સેન્ટ્રલ બૅન્કોમાં ગર્વનર રહી ચૂક્યા છે. જસ્ટિન ટ્રુડો બાદ તેમણે કેનેડાના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી.
ટ્રમ્પે કેનેડા પર કર્યો કટાક્ષ- અમેરિકાનો હિસ્સો બની જાઓ, તમારો ફાયદો જ છે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ટાણે જ ફરીથી કેનેડાને 51મું રાજ્ય બનાવવાની આડકતરી ધમકી આપી હતી. તેમણે કેનેડાના લોકોને શુભકામનાઓ પાઠવતા ઓફર આપી હતી કે તે અમેરિકાનો હિસ્સો બની જાય. ટ્રમ્પે કેનેડાના લોકોને કટાક્ષમાં કહ્યું છે, કે ‘કેનેડાના વ્હાલા લોકોને શુભકામનાઓ. એવા નેતાને વોટ આપો જે તમારા ટેક્સ અડધા કરી નાંખે. તમારી સેનાને દુનિયાની સૌથી શક્તિશાળી સેના બનાવે, એ પણ ‘મફત’માં. સાથે જ તમારી કાર, સ્ટીલ, એલ્યુમિનિયમ, લાકડા, ઉર્જા પર કોઈ ટેક્સ કે ટેરિફ ન લાગે અને બિઝનેસ ચાર ગણો થઈ જાય. આ બધુ ત્યારે જ શક્ય છે જ્યારે કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જાય. પછી સરહદની જરૂર નહીં પડે, વિચાર તો કરો કેટલી સુંદર જમીનો હશે, કોઈ સરહદ વિના. બધાને ફાયદો જ થશે, કોઈને નુકસાન નહીં થાય. અમેરિકા હવે દર વર્ષે કેનેડા પાછળ સેંકડો અબજ ડોલરનો ખર્ચ ના કરી શકે, અથવા તો પછી રાજ્ય બની જાઓ.’