China Restaurant Fire Broke: ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ લાગતાં 22 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ ઘાયલ છે. આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી. ચીનના લિયાઓયાંગ શહેરના લિઓનિંગ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટમાં બપોરે 12.25 વાગ્યે અચાનક આગ લાગી હતી.
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે આગમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કરી સ્થાનિક સત્તાધીશોને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરવા નિર્દેશ આપ્યા છે. મોતનો આંકડો વધવાની શક્યતા છે. ઓથોરિટીએ આ દુર્ઘટનાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આગએ વિકરાળ સ્વરૂપ લીધું
ચીનની રેસ્ટોરન્ટમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી હતી. જેથી લોકોને ભાગવાનો સમય મળ્યો ન હતો. આગએ થોડી જ ક્ષણોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગતવર્ષે પણ પણ ચીનમાં ગેસ લીકના કારણે બે વિકરાળ આગ લાગી હતી. જેમાં માર્ચમાં હેબેઈમાં આવેલી રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં બે લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે 26 લોકો ઘાયલ થયા હતા. બીજી એક આગ સપ્ટેમ્બરમાં શેનઝેનમાં આવેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં લાગી હતી. જેમાં એકનું મોત થયુ હતું.