નવી દિલ્હી, તા. 19 : કેનેડાની સંસદમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાને એક વર્ષ પૂરું થતાં એક મિનિટ મૌન પળાયું હતું. `ખાલિસ્તાન પ્રેમ’ બતાવતી કેનેડાની આવી હરકતનો જવાબ આપતાં ભારતે 23 જૂનના એરઇન્ડિયા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિની સભા યોજવાનું એલાન કર્યું હતું.
વૈનકુવર સ્થિત ભારતના વાણિજ્ય દૂતાવાસે `એક્સ’ પર પોસ્ટમાં લખ્યું હતું કે, ભારત આતંકવાદના ગાંડપણનો વિરોધ કરે છે. ભારતના દૂતાવાસની પોસ્ટમાં કહેવાયું છે કે, 23 જૂન 2024ના રોજ કાયર આતંકવાદીઓ દ્વારા એરઇન્ડિયાનાં કનિષ્ક વિમાનને ઉડાવી દેવામાં આવ્યું તેની 39મી વરસી છે. આ ઘટના ઈતિહાસની સૌથી જઘન્ય આતંકી હિંસા પૈકી એક હતી અને તેમાં 86 બાળક સહિત કુલ 329 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાણિજ્ય દૂતાવાસ 23 જૂનની સાંજે 6.30 કલાકે સ્ટેનલી પાર્કના કેપરલી પ્લેગ્રાઉન્ડમાં એર ઇન્ડિયા મેમોરિયલ ઉપર એક સ્મૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરશે. જેમાં સામેલ થઈને ભારતીય સમુદાયને આતંક વિરુદ્ધ એકતા બતાવવાની અપીલ છે.

એકબાજુ સંસદમાં આ હરકતને અંજામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે વેન્કુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ બહાર ખાલિસ્તાન અલગતાવાદીઓ સમર્થકો દ્વારા એક છદ્મ અદાલત પણ ભરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી અને પૂતળાદહન પણ કરવામાં આવેલું. કેનેડિયન સંસદના હાઉસ ઓફ કોમન્સમાં પ્રથમ સ્પીકર ગ્રેગ ફર્ગસે શોક સંદેશ વાંચ્યો અને ત્યારબાદ તમામ સાંસદોને નિજ્જર માટે મૌન પાળવા માટે કહેવામાં આવ્યું હતું. ગયાં વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા હતા, જેને ભારતે ફગાવી દીધા હતા. આ મામલે કાર્યવાહી કરતા કેનેડાની ટ્રુડો સરકારે ભારતના એક સિનિયર ડિપ્લોમેટને દેશમાંથી હાંકી કાઢયા હતા. આ પછી બંને દેશ વચ્ચે વિવાદ વધતો ગયો. અમેરિકન ન્યૂઝ ચેનલ સીબીસી સાથે વાતચીત દરમ્યાન ટ્રુડોએ કહ્યું કે, મને જી-7 સમિટમાં ઘણા દેશો સાથે વાત કરવાનો મોકો મળ્યો.
ભારત પણ તેમાંથી એક હતું. ભારત સાથે અમારા ગાઢ અને મહત્ત્વપૂર્ણ આર્થિક સંબંધો છે. તેમણે કહ્યું કે, મોદી ભારતમાં ત્રીજી વખત ચૂંટણી જીત્યા છે, તેથી મને લાગે છે કે, અમારા માટે વાતચીતના દરવાજા ખુલ્લા છે. અમે બંને દેશ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા, કેનેડિયન નાગરિકોની સુરક્ષા અને કાયદાના શાસન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. આ પહેલાં જી-7 સમિટ દરમ્યાન પીએમ મોદી કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને મળ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ શરૂ થયા બાદ આ પ્રથમ વખત હતું, જ્યારે બંને નેતા મળ્યા હતા.

