Cancer Risk Medicines: WHOની એજન્સીએ 3 સામાન્ય દવાઓને Group-1 Carcinogenic ગણાવી, દર્દીઓએ શું ધ્યાન રાખવું?
Cancer Risk Medicines: વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની એજન્સીએ ત્રણ સામાન્ય દવાઓને માણસો માટે કેન્સરકારક Group-1 શ્રેણીમાં રાખી છે. તેનો અર્થ એ છે કે આ દવાઓના ઉપયોગથી કેન્સરનું જોખમ વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશર, ફંગલ ઇન્ફેક્શન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રિજેકશનની સારવારમાં ઉપયોગમાં લેવાતી આ દવાઓનો દુનિયામાં લાખો લોકો ઉપયોગ કરે છે. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ વર્ગીકરણ માત્ર જોખમની ઓળખ છે અને દર્દીઓએ ડૉક્ટરની સલાહ વિના સારવાર બંધ કરવી જોઈએ નહીં.
આ ત્રણ દવાઓને કેન્સરકારક ગણાવવામાં આવી
હાઇડ્રોક્લોરોથિયાજાઇડ- હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં ઉપયોગ થાય છે.
વોરિકોનાઝોલ- ફંગલ ઇન્ફેક્શન માટે ઉપયોગ થાય છે.
ટૅક્રોલિમસ- આ દવા અંગ પ્રત્યારોપણ બાદ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ રિજેકશન રોકવા માટે આપવામાં આવે છે.
હાઇડ્રોક્લોરોથિયાજાઇડ
વિશ્વ આરોગ્ય સંગઠનની કેન્સર રિસર્ચ એજન્સી, ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC)ની સ્ટડીમાં આ દવાઓથી જોખમની ઓળખ કરવામાં આવી છે. 22 સભ્યોની પેનલમાં ભારતીય વૈજ્ઞાનિક GB જેના પણ સામેલ હતા. IARCનું કહેવું છે કે આ વાતના પૂરતા પુરાવા છે કે હાઇડ્રોક્લોરોથિયાજાઇડથી સ્ક્વેમસ સેલ કાર્સિનોમા અને હોઠનું કેન્સર થઈ શકે છે. સ્ક્વેમસ સેલ કાર્સિનોમા ત્વચાના કેન્સરનો બીજો સૌથી સામાન્ય પ્રકાર છે.
અમેરિકા અને ડેનમાર્કમાં થયેલી સ્ટડીમાં જાણવા મળ્યું કે લાંબા સમય સુધી હાઇડ્રોક્લોરોથિયાજાઇડનો ઉપયોગ કરનારા દર્દીઓમાં સ્કિન કેન્સરનો દર વધારે જોવા મળ્યો. તેનું કારણ ફોટો-ટોક્સિસિટી છે. તેનો અર્થ એ છે કે આ દવા અલ્ટ્રાવાયોલેટ (UV) રેડિયેશન પ્રત્યે ત્વચાની સંવેદનશીલતા વધારી દે છે. તેનાથી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી DNAને નુકસાન થવાનું જોખમ વધી શકે છે.
વોરિકોનાઝોલ
લાંબા સમય સુધી સારવાર કરાવતા ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં વોરિકોનાઝોલનો સંબંધ પણ સ્ક્વેમસ સેલ સ્કિન કેન્સર સાથે જોવા મળ્યો. તેનું કારણ પણ ફોટો ટોક્સિક તંત્ર હતું. આ દવા ચોક્કસ પ્રકારના ત્વચાના કેન્સરને પ્રોત્સાહન આપે છે.
ટૅક્રોલિમસ
ટૅક્રોલિમસનો સંબંધ નોન-હોજકિન લિમ્ફોમા અને પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ લિમ્ફોપ્રોલિફેરેટિવ ડિસઓર્ડર સાથે જોડવામાં આવ્યો છે. લ્યુકેમિયા અને સ્કિન કાર્સિનોમાના કિસ્સામાં તેના પુરાવા મર્યાદિત હતા. તેનું જોખમ ઇમ્યુન સિસ્ટમને દબાવવા સાથે જોડાયેલું છે, જેના કારણે શરીરની અસામાન્ય સેલ્સને નષ્ટ કરવાની ક્ષમતા નબળી પડી જાય છે.
ભારતમાં આ દવાઓનો કેટલો ઉપયોગ?
હાઇડ્રોક્લોરોથિયાજાઇડ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓની સારવાર માટે ભારતમાં પ્રથમ પસંદગી છે. જ્યારે વોરિકોનાઝોલનો ઉપયોગ નબળી ઇમ્યુન સિસ્ટમ ધરાવતા દર્દીઓમાં સામાન્ય રીતે કરવામાં આવે છે. ટ્રૅક્રોલિમસ ટ્રાન્સપ્લાન્ટ બાદની સારવારમાં મુખ્ય રીતે આપવામાં આવે છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારતના સંદર્ભમાં આ દવાઓનું વર્ગીકરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ચેતવણીઓને અવગણી શકાય નહીં. ખાસ કરીને ભારત જેવા દેશમાં, જ્યાં વિચાર્યા વિના દવા લખવી, ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના દવા મળવી અને દવા લખવા તથા આપવાની પદ્ધતિઓનું પાલન ન કરવું મોટો પડકાર છે.

