ચીનમાં ઘટતી વસ્તી અને આર્થિક મંદીથી વધશે યુદ્ધનું જોખમ, ભારતે સરહદો પર સતર્ક રહેવું પડશે
China Population Decline India Threat: છેલ્લાં અનેક દાયકાઓથી અમેરિકા સહિતના પશ્ચિમી દેશો અને ભૂરાજકીય નિષ્ણાતો ચીનની સતત મજબૂત બની રહેલી શક્તિ અને તેની વસ્તીને વિશ્વની સ્થિરતા માટે મોટો ખતરો માનતા આવ્યા છે. પરંતુ વોશિંગ્ટન સ્થિત ‘મિડલ ઈસ્ટ ફોરમ’ના નીતિ વિશ્લેષણ નિયામક માઇકલ રૂબિનનું માનવું છે કે ચીનની ઘટતી વસ્તી ખરેખર એક મોટો ખતરો છે. ખાસ કરીને ભારત માટે. તેમણે આશંકા વ્યક્ત કરતાં દલીલ કરી છે કે ઘટતી વસ્તીથી પરેશાન ચીન પહેલાં તાઇવાન નહીં, પરંતુ અરુણાચલ પ્રદેશને નિશાન બનાવી શકે છે.
- ચીનમાં ઘટતી વસ્તી અને આર્થિક મંદીથી વધશે યુદ્ધનું જોખમ, ભારતે સરહદો પર સતર્ક રહેવું પડશે
- ઇતિહાસની ચેતવણી- જ્યારે પણ વસ્તી ઘટી ત્યારે યુદ્ધ વધ્યાં
- ચીને ક્રૂરતાપૂર્વક લાગુ કરી હતી ‘વન ચાઇલ્ડ પોલિસી’
- શી જિનપિંગનું ધ્યાન ભટકાવવાનું પગલું, તાઇવાન કે ભારત?
- તાઇવાન નહીં, ભારત પર મંડરાઈ રહ્યો છે ખરો ખતરો
- શું ભારત તૈયાર છે?
વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ (UNPF)ના આંકડા અનુસાર, 2023માં ભારતની વસ્તી ચીનથી આગળ નીકળી ગઈ હતી. અનુમાન છે કે વર્ષ 2100 સુધીમાં જ્યાં ભારતની વસ્તી 1.5 અબજથી વધુ હશે, ત્યાં ચીનની વસ્તી ઘટીને માત્ર 633 મિલિયન એટલે કે લગભગ 63.3 કરોડ રહી જશે. એટલે કે વર્તમાન વસ્તીની સરખામણીએ તેમાં 55%નો ઘટાડો થશે.
ઇતિહાસની ચેતવણી- જ્યારે પણ વસ્તી ઘટી ત્યારે યુદ્ધ વધ્યાં
રશિયાનું ઉદાહરણ- 1990ના દાયકાની શરૂઆતમાં રશિયાની વસ્તી લગભગ 14.8 કરોડની ટોચે હતી, પરંતુ ત્યાર પછીનાં બે દાયકામાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો. તેનાં મુખ્ય કારણોમાં જન્મદર ઓછો હોવો, પુરુષોમાં મૃત્યુદર ઊંચો હોવો અને લોકોનું દેશ છોડીને જવું સામેલ હતાં. આજે રશિયાની વસ્તી 14.3 કરોડ છે.
રશિયાએ વર્ષ 2008માં જ્યોર્જિયા પર હુમલો કર્યો હતો અને 2014માં યુક્રેન પર હુમલો કરીને ક્રિમિયા પર કબજો કર્યો હતો. તે સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અનેક વખત વસ્તી વિષયક પરિવર્તનને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણાવ્યું હતું.
ઈરાનનું સંકટ- ઈરાનની કુલ વસ્તીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો હિસ્સો 1986માં 18% હતો, જે એક દાયકા બાદ ઘટીને 10% રહી ગયો હતો. 2013માં તત્કાલીન સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું હતું કે, ‘બાળકો પેદા કરવામાં રસ ન હોવો એ એક બીમારી છે.’ 2020માં ખામેનેઈના સહયોગી હોજ્જતોલઇસ્લામ હુસૈન મિર્ઝાઈએ કહ્યું હતું કે એક મોટી આપત્તિ ટાળવા માટે ઈરાન પાસે માત્ર પાંચ વર્ષનો સમય છે.
તેમણે સંસદમાં કહ્યું હતું કે, ‘જો આ સુવર્ણ સમય હાથમાંથી નીકળી જશે, તો આપણે ચોક્કસપણે સંકટનો સામનો કરીશું.’ બાળકોની સંખ્યા વધારવા માટે સરકારના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. તેના બદલે ખામેનેઈએ ઇસ્લામિક ગણરાજ્યને સંઘર્ષ તરફ ધકેલી દીધું હતું.
ચીને ક્રૂરતાપૂર્વક લાગુ કરી હતી ‘વન ચાઇલ્ડ પોલિસી’
ચીને 1980થી 2016 સુધી ‘વન ચાઇલ્ડ પોલિસી’ કડક રીતે લાગુ કરી હતી, જેના કારણે આજે ત્યાં યુવાનોની ભારે અછત અને વૃદ્ધોની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. ચીને ‘એક બાળક પેદા કરવાની નીતિ’ને કારણે લાખો પરિવારો સંપૂર્ણપણે ખતમ થઈ ગયા હતા. તેમનું અસ્તિત્વ જ મટી ગયું હતું. હવે ચીન ઝડપથી બાળકોના જન્મદરને વધારવા માગે છે, પરંતુ તેમાં સફળતા મળી રહી નથી.
ચીનના કમ્યુનિસ્ટ અધિકારીઓએ પોતાની વન-ચાઇલ્ડ પોલિસી લાગુ કરવામાં ભારે ક્રૂરતા દાખવી હતી. તેમણે મહિલાઓની બળજબરીથી નસબંધી કરાવી હતી અને કેટલાક કિસ્સાઓમાં જન્મેલા વધારાના બાળકોની હત્યા પણ કરી હતી. પુત્રની ઇચ્છા રાખવાની સાંસ્કૃતિક માનસિકતાએ વસ્તી વિષયક અસરોને વધુ ગંભીર બનાવી દીધી હતી, કારણ કે ઘણા ચીની લોકોએ પુત્ર મેળવવા માટે સ્ત્રીભ્રૂણ હત્યા અથવા બાળકીની હત્યા કરવાનું શરૂ કર્યું હતું. કેટલીક પેઢીઓ બાદ તેનું પરિણામ એ આવ્યું કે બાળકોને જન્મ આપતી મહિલાઓની સંખ્યા વધુ ઘટી ગઈ. – માઇકલ રૂબિન, વોશિંગ્ટન સ્થિત ‘મિડલ ઈસ્ટ ફોરમ’ના નીતિ વિશ્લેષણ નિયામક.
શી જિનપિંગનું ધ્યાન ભટકાવવાનું પગલું, તાઇવાન કે ભારત?
માઇકલ રૂબિને દલીલ કરી છે કે જ્યારે કોઈ દેશની વસ્તી ઘટે છે, ત્યારે તેની અર્થવ્યવસ્થા પણ ધીમી પડવા લાગે છે. ચીનમાં કાર્યબળ ઘટવા અને આર્થિક મંદીને કારણે સામાજિક અસંતોષ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) પોતાની સત્તા બચાવવા અને રાષ્ટ્રવાદને ઉશ્કેરવા માટે બહારના દેશ સામે ‘ડાઇવર્ટિંગ વૉર’ એટલે કે ધ્યાન ભટકાવનારું યુદ્ધ શોધી શકે છે. અરુણાચલ પ્રદેશને લઈને તે વારંવાર નિવેદનો આપતી રહે છે.
અમેરિકાના વ્યૂહાત્મક નિષ્ણાતો ઘણીવાર માને છે કે ચીનનું પહેલું નિશાન તાઇવાન હશે. પરંતુ તાઇવાન પર હુમલો કરવો બેઇજિંગ માટે અત્યંત જોખમી છે. તાઇવાન પર હુમલો થાય તો અમેરિકાની નૌકાદળ અને હવાઈ દળ સીધાં મેદાનમાં ઊતરી શકે છે. જોકે, તાઇવાનનો ભૂપ્રદેશ અત્યંત દુર્ગમ હોવાથી તેના પર કબજો મેળવવાનો માર્ગ સરળ નથી.
તાઇવાન નહીં, ભારત પર મંડરાઈ રહ્યો છે ખરો ખતરો
બેઇજિંગના વ્યૂહરચનાકારો ગણતરી કરી શકે છે કે તાઇવાનની સરખામણીએ ભારત સામે સરહદ પર આક્રમકતા દર્શાવવી તેમના માટે ઓછું જોખમી રહેશે. માઇકલ રૂબિને લખ્યું છે કે ચીનને લાગે છે કે.
અમેરિકાની મૌન સંમતિ- અમેરિકા ‘રિયલપોલિટિક’નો હવાલો આપીને તટસ્થ રહી શકે છે, જેમ 1962માં હેનરી કિસિંજરના સમયગાળા દરમિયાન જોવા મળ્યું હતું.
વ્યૂહાત્મક સ્થળો- અરુણાચલ પ્રદેશ, લદ્દાખ (અક્સાઈ ચીન) અને ભારતનો વ્યૂહાત્મક ‘ચિકન નેક’ એટલે કે સિલિગુડી કોરિડોર ચીન માટે સરળ નિશાન બની શકે છે.
આંતરરાષ્ટ્રીય નિયમો- ચીનને વિશ્વાસ છે કે ભારત એક જવાબદાર પરમાણુ શક્તિ અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરતો દેશ હોવાથી તરત જ કોઈ કડક પરમાણુ હુમલાની પહેલ નહીં કરે.
શું ભારત તૈયાર છે?
ભારતના ભૂતપૂર્વ સૈન્ય અધિકારી જે.એસ. સોઢીએ વારંવાર કહ્યું છે કે ચીન 2030 પછી ભારત પર હુમલો કરી શકે છે અને ભારત પાસે પોતાની સૈન્ય તૈયારીઓ કરવા માટે વધુ સમય બચ્યો નથી. તેમણે કહ્યું છે કે ભારતે યુદ્ધના ધોરણે પોતાની સૈન્ય ક્ષમતાઓ વધારવી જોઈએ અને જ્યાં નબળાઈ હોય ત્યાં સમયસર સુધારો કરવો જોઈએ.
માઇકલ રૂબિનનું કહેવું છે કે ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયું તેના બરાબર પહેલાં સુધી મોટા રાજદ્વારીઓ માનતા હતા કે રશિયા હુમલો નહીં કરે. પરંતુ જ્યારે સરમુખત્યારશાહી શાસનો પોતાના અસ્તિત્વના સંકટનો સામનો કરે છે, ત્યારે તેઓ કોઈ પણ સાહસિક પગલું ભરી શકે છે.
માઇકલ રૂબિન અનુસાર, જો ચીન પોતાની વસ્તી વિષયક સમસ્યાઓ અને આર્થિક મંદી પરથી ધ્યાન હટાવવાનો માર્ગ પસંદ કરે, તો ભારતે પોતાની ઉત્તર અને પૂર્વ સરહદો પર સૌથી ખરાબ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

