Europe Protests 2026: ફ્રાન્સ, ઇટાલી સહિત યુરોપના 9 દેશોમાં વિરોધ પ્રદર્શનની આગ, શું ‘અરબ સ્પ્રિંગ’ની જેમ સરકારો ઉથલાવી દેવાશે?

Arati Parmar
7 Min Read

Europe Protests 2026: યુરોપના ઓછામાં ઓછા 9 દેશો હિંસક વિરોધ પ્રદર્શનની આગમાં સળગી રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ ફ્રાન્સ, ઇટાલી અને અલ્બેનિયાની છે. અલ્બેનિયામાં પરિસ્થિતિ લગભગ સત્તા પરિવર્તન સુધી પહોંચી ગઈ છે અને સરકાર ગાયબ હોય એવું લાગી રહ્યું છે. જ્યારે ફ્રાન્સમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર સંઘર્ષ કરી રહી છે. આ પ્રદર્શનોની સરખામણી ‘અરબ સ્પ્રિંગ’ સાથે કરવામાં આવી રહી છે. આ બળવાની લહેર 2010ના અંતમાં ટ્યુનિશિયાથી શરૂ થઈને સમગ્ર મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકામાં ફેલાઈ ગઈ હતી અને તેણે લાંબા સમયથી સત્તા પર કબજો જમાવીને બેઠેલા અનેક શાસકોને ઉથલાવી દીધા હતા.

યુરોપના કયા દેશોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે?

  • ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ, સ્પેન, પોર્ટુગલ, અલ્બેનિયા, જર્મની, ઑસ્ટ્રિયા અને ગ્રીસમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યાં છે.
  • મોંઘવારી, મકાનનું ભારે ભાડું, શિક્ષણના બજેટમાં કાપ, લશ્કરી સેવા અને સરકારી ભ્રષ્ટાચારને કારણે લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.
  • ફ્રાન્સ, ઇટાલી અને અલ્બેનિયામાં પ્રદર્શનકારીઓ પોલીસ સાથે હિંસક અથડામણ કરી રહ્યા છે. ફ્રાન્સમાં 5.5 લાખથી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને એક ડઝન જેટલાં શહેરોમાં ભયાનક આગચંપી થઈ રહી છે.
  • સ્પેન, પોર્ટુગલ અને ગ્રીસમાં પ્રદર્શનકારીઓએ રહેઠાણની વધતી કિંમતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. જર્મનીમાં વિદ્યાર્થીઓ લશ્કરી સેવા યોજનાઓનો વિરોધ કરી રહ્યા છે. અલ્બેનિયામાં પ્રદર્શનકારીઓ ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

શું યુરોપ પોતાના ‘અરબ સ્પ્રિંગ’ના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે?

  • પેરિસ અને મિલાનથી લઈને મેડ્રિડ અને તિરાના સુધી આ સમયે યુરોપના રસ્તાઓ સળગી રહ્યા છે. જીવનનિર્વાહના વધતા ખર્ચ, બેફામ વધતાં મકાનનાં ભાડાં, શિક્ષણના બજેટમાં કાપ અને રાજકીય ભ્રષ્ટાચાર સામે લાખો યુવાનો અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે.
  • ફ્રાન્સ, ઇટાલી, બેલ્જિયમ અને અલ્બેનિયામાં પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યારે જર્મની, ગ્રીસ, ઑસ્ટ્રિયા, સ્પેન અને પોર્ટુગલમાં હડતાળ, શાળાઓ પર કબજો અને મોટા પાયે રેલીઓ જોવા મળી રહી છે. ઓછામાં ઓછા 9 યુરોપિયન દેશોમાં ફેલાયેલા આ વ્યાપક જનઆક્રોશની સરખામણી 2010-2011ના ‘અરબ સ્પ્રિંગ’ સાથે થવા લાગી છે.
  • જોકે, રાજકીય વિશ્લેષકો અને નીતિ નિષ્ણાતોનું કહેવું છે કે બંને પરિસ્થિતિઓમાં મૂળભૂત તફાવત છે. 2011નો અરબ સ્પ્રિંગ સરમુખત્યારશાહી શાસનોને ઉથલાવી પાડવા માટે હતો, જ્યારે યુરોપનાં પ્રદર્શનો સ્થાપિત લોકશાહી વ્યવસ્થાઓની અંદર આર્થિક અને સામાજિક સુધારાઓની માગણી માટે થઈ રહ્યાં છે.

અરબ સ્પ્રિંગથી યુરોપનું આંદોલન કેટલું અલગ છે?

HEC પેરિસમાં યુરોપિયન યુનિયનના કાયદા અને નીતિના પ્રોફેસર આલ્બર્ટો એલેમાનોએ અલ જઝીરાને જણાવ્યું, ‘ફ્રાન્સ આ આંદોલનનું કેન્દ્ર છે અને હવે એવા સંકેતો મળી રહ્યા છે કે તે ફ્રાન્સની બહાર પણ ફેલાઈ રહ્યું છે.’ તેમણે ચેતવણી આપી કે આ અલગ-અલગ આંદોલનો છે, પરંતુ તેમની કેટલીક ફરિયાદો સમાન છે, જેમ કે શિક્ષણ માટે અપૂરતું ભંડોળ, જીવનનિર્વાહનો વધતો ખર્ચ અને રોજગાર અંગેની અનિશ્ચિતતા.

- Advertisement -

પરંતુ અમેરિકન-કુવૈતી પત્રકાર અહમદ એલ્ડિન અનુસાર, યુરોપમાં ચાલી રહેલી આ અશાંતિ ‘અરબ સ્પ્રિંગ’ સાથે ઘણી મળતી આવે છે. તેમણે કહ્યું કે યુવા પેઢી આર્થિક મુશ્કેલીઓ, અસમાનતા અને પોતાને છેતરાયેલી હોવાની લાગણીને કારણે રાજકીય ઉચ્ચ વર્ગ (સત્તાધારી વર્ગ)ને પડકારી રહી છે.

અમેરિકન કૉંગ્રેસના સભ્ય રો ખન્નાએ પણ આવું જ કંઈક કહ્યું, જે અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સની દલીલોથી વિપરીત હતું. વેન્સે આ રમખાણો અને હિંસા માટે ‘ત્રીજા વિશ્વને ફ્રાન્સમાં આયાત કરવા’ને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે ખન્નાએ ફ્રાન્સ, સ્પેન અને અલ્બેનિયામાં થઈ રહેલાં વિરોધ પ્રદર્શનોને યુવાનોની આર્થિક અસુરક્ષા સાથે જોડ્યાં હતાં.

- Advertisement -

યુરોપિયનોના આક્રોશનું કેન્દ્ર બન્યું ફ્રાન્સ

યુરોપમાં ચાલી રહેલી આ તાજેતરની અશાંતિની શરૂઆત ફ્રાન્સથી થઈ હતી. 21 સપ્ટેમ્બરે ક્રેટેના લ્યુસી સેન્ટ-એક્ઝ્યુપેરી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષકોની અછત, જર્જરિત ઇમારતો અને વર્ગખંડોમાં વધુ પડતી ભીડના વિરોધમાં મોરચો ખોલ્યો હતો. જોતજોતામાં આ આંદોલન ટ્રેડ યુનિયનો અને સામાન્ય જનતા સુધી ફેલાઈ ગયું.

17 ઑક્ટોબરે ફ્રાન્સના ગૃહમંત્રી લૉરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર, દેશભરમાં 110 વિરોધ પ્રદર્શનોમાં આશરે 5.5 લાખ લોકો સામેલ થયા હતા. પેરિસ, માર્સેલ અને લિમોજમાં પ્રદર્શનો હિંસક બન્યાં હતાં, જ્યાં દુકાનોમાં લૂંટફાટ, ઇમારતો પર હુમલા અને અવરોધોમાં આગચંપી કરવામાં આવી હતી. માત્ર 17 ઑક્ટોબરે આશરે 400 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ હિંસાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સનાં દક્ષિણપંથી નેતા મરીન લે પેને આ અશાંતિ માટે સ્થળાંતરને જવાબદાર ઠેરવ્યું હતું, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ઇટાલી, બેલ્જિયમ અને સ્પેનમાં સંકટ ઘેરાયું

ઇટાલી: ‘નો મેલોની ડે’ હેઠળ ઇટાલીમાં વિદ્યાર્થીઓએ વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની એ નીતિનો વિરોધ કર્યો, જેમાં વર્ગખંડોમાં બિન-ઇટાલિયન વિદ્યાર્થીઓની સંખ્યા 30% સુધી મર્યાદિત કરવાની જોગવાઈ છે. મિલાનમાં નકાબધારી પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

સ્પેન અને પોર્ટુગલ: સ્પેનમાં 87 વર્ષનાં મારિકાર્મેન અબાસ્કલને ભારે ભાડું ચૂકવી ન શકવાને કારણે ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી લોકોમાં ગુસ્સો ભભૂકી ઊઠ્યો હતો. પોર્ટુગલના પોર્ટો અને લિસ્બનમાં પણ મોંઘાં મકાનો અને ઓછા વેતન સામે મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યાં છે. યુરોસ્ટેટના આંકડા અનુસાર, યુરોપમાં 15થી 29 વર્ષની વયના 26.9% યુવાનોને વધુ પડતી ભીડવાળાં ઘરોમાં રહેવાની ફરજ પડે છે.

અલ્બેનિયા: અલ્બેનિયામાં આ લડાઈ સંપૂર્ણપણે રાજકીય બની ગઈ છે. વડાપ્રધાન એદી રામા પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને હજારો વિદ્યાર્થીઓ તેમના રાજીનામાની માગ પર અડગ છે. દેશના દરિયાકાંઠાના વિસ્તારમાં કાયદાઓને બાજુ પર રાખીને ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારને રિસોર્ટ અને હોટલ બનાવવા માટે જમીન ફાળવવામાં આવી હોવાના અહેવાલો બાદ પ્રદર્શનો શરૂ થયાં હતાં. ત્યારબાદ ત્યાંના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા.

શું આ ખરેખર યુરોપનો ‘અરબ સ્પ્રિંગ’ છે?

આ પ્રશ્ન પર નિષ્ણાતોના અલગ-અલગ મત છે. HEC પેરિસમાં યુરોપિયન યુનિયનના કાયદાના પ્રોફેસર આલ્બર્ટો એલેમાનોનું કહેવું છે, ‘ફ્રાન્સ આ આંદોલનનું કેન્દ્ર તો છે અને તે અન્ય દેશોમાં ફેલાઈ રહ્યું છે, પરંતુ તેને સંગઠિત અથવા સંકલિત બળવા તરીકે જોવું ખોટું ગણાશે. સમાન આર્થિક ચિંતાઓને કારણે એક જ સમયે અલગ-અલગ આંદોલનો થઈ રહ્યાં છે.’

પરંતુ ‘ધ પીટર મેકકોર્મેક શો’ના હોસ્ટ અને બ્રિટિશ પોડકાસ્ટર પીટર મેકકોર્મેકે આ ઘટનાઓની સરખામણી 2011ના ‘અરબ બળવા’ સાથે કરતાં કહ્યું કે, ‘યુરોપ પોતાના અરબ સ્પ્રિંગના ઉંબરે ઊભું છે.’ તેમણે વધતા અસંતોષ માટે દાયકાઓથી ચાલી આવતી મોંઘવારી, સંપત્તિનું સ્થળાંતર અને અમલદારશાહીના શાસનને જવાબદાર ઠેરવ્યું.

નિષ્ણાતોનું માનવું છે કે આ વિરોધ પ્રદર્શનો પાછળ એવી પેઢીની ચિંતા છે, જે પોતાના ભવિષ્યને લઈને અત્યંત અનિશ્ચિતતા અનુભવી રહી છે. નેધરલેન્ડ્સ સ્થિત TUI ફાઉન્ડેશન દ્વારા જૂન 2026માં કરવામાં આવેલા એક અભ્યાસમાં સાત યુરોપિયન દેશોના 8,024 યુવાનોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું કે 52% યુવાનોને ડર છે કે તેમની પેઢીની સ્થિતિ તેમના માતા-પિતાની પેઢી કરતાં પણ ખરાબ હશે, જ્યારે માત્ર 25% યુવાનોને જ વધુ સારા ભવિષ્યની આશા છે.

Share This Article