ઇઝરાએલના યુદ્ધમાં હમાસના પાંચ કમાન્ડર ઠાર મરાયા
Saturday, 28 October 2023
ઇઝરાએલના યુદ્ધમાં હમાસના પાંચ કમાન્ડર ઠાર મરાયા
તેલ અવીવ, તા. 27 : `માણસજાત માટે યમદૂત’ સમાન લોહિયાળ યુદ્ધનો શુક્રવારે 21મો દિવસ થયો છે, ત્યારે ઇઝરાયલી સેનાએ 24 કલાકમાં ગાઝાના 250થી વધુ સ્થળો પર હુમલો કર્યો છે, તો ઇઝરાયલ પર હુમલો કરનાર હમાસની રાજકીય પાંખના નેતા યાહ્યાસિનવારના નીકટના સહયોગી શાહી બારૂદ સહિત હમાસના પાંચ કમાન્ડરને ઠાર માર્યો છે. બીજી તરફ હમાસ દ્વારા દાવો કરાયો છે કે, ઇઝરાયલના હુમલામાં 50 બંધકોના મોત થઇ ગયાં છે. સાથોસાથ વધુ એકવાર કહ્યું હતું કે, જ્યાં સુધી યુદ્ધવિરામ નહીં થાય ત્યાં સુધી બંધકોને છોડાશે નહીં. દરમ્યાન, ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધી 3038 બાળકો સહિત કમસે કમ 7326 પેલેસ્ટાઇની નાગરિકોના મોત થઇ ચૂક્યાં છે. સંયુકત રાષ્ટ્રએ કહ્યું હતું કે, ગાઝાના ગળે ટૂંપો દેવાઇ?રહ્યો છે. અત્યાર સુધી માત્ર 84 ટ્રક રાહત સામગ્રી લઇને પહોંચી છે, જે આ ક્ષેત્રમાં વસતા 23 લાખ લોકો માટે ઘણી ઓછી છે. એક અહેવાલ અનુસાર ઇઝરાયલે યુદ્ધવિરામ માટે મધ્યસ્થતા કરનાર કતરને કહ્યું હતું કે, અમે મોટી સંખ્યામાં બંધક બનાવી રખાયેલા અમારા નાગરિકોને છોડાવવા માટે સમજૂતી કરવા તૈયાર છીએ. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ જણાવ્યું હતું કે, ગાઝાની હોસ્પિટલોમાં ઇંધણની અછત છે. કુલ્લ 12 મોટી હોસ્પિટલોમાં દરરોજ 94 હજાર લિટર ઇંધણની જરૂર છે. ઇંધણ નહીં હોવાથી દર્દીઓની સારવાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અત્યારે સમય કરતાં વહેલાં જન્મેલાં 130 બાળકોને તાકીદે સારવારની જરૂર છે. દર્દીઓના જીવ બચાવવા ભારે પડકારભર્યું કામ થઇ પડયું છે.
