વોશિંગ્ટન, તા. 11 : ચૂંટણી જીત્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પહેલીવાર વાત કરતાં યુક્રેન સાથે યુદ્ધ રોકવા કહ્યું હતું તેવો દાવો અમેરિકી મીડિયાએ કર્યો હતો. બીજી તરફ રશિયાએ આ દાવાને ફગાવી દેતાં કહ્યું હતું કે, બે નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ જ નથી.
આ દાવો પૂર્ણપણે કાલ્પનિક છે. ક્રેમલિને કહ્યું હતું કે, ટ્રમ્પ અને પુતિન વચ્ચે વાતચીતના અહેવાલ `અસત્ય’ છે. પુતિનની હાલતુરત ટ્રમ્પ સાથે વાત કરવાની કોઈ યોજના નથી. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં સૌથી પહેલાં જણાવાયું હતું કે, વાતચીત ગુરુવારે થઈ હતી. ટ્રમ્પે ફ્લોરીડામાં માર-એ-લાગો એસ્ટેટમાંથી રશિયાના રાષ્ટ્રપતિને કોલ કર્યો હતો.
ક્રેમલિનના પ્રવકતા દિમિત્રિ પેરકોવે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકી મીડિયાના અહેવાલો ખોટા છે. કોઈ વાત થઈ જ નથી. અમેરીકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર ટ્રમ્પે પુતિનને યુક્રેન સાથે યુદ્ધ રોકી દેવાની સલાહ આપી હતી. અહેવાલ અનુસાર પુતિને ટ્રમ્પને વિજયની વધામણી પણ આપી હતી, પરંતુ રશિયા આ દાવાને ખોટા કહે છે.

