Iran America War: ઈરાની આર્મીએ અમેરિકન સૈનિકોને મારવા અને પકડવા બદલ ઈનામની જાહેરાત કરી છે. ઈરાન આર્મીના ચીફ અમીર હાતમી દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન સૈનિકને મારવાનું ઈનામ 30,000 ડોલર (લગભગ 28 લાખ ભારતીય રૂપિયા) હશે. જ્યારે કોઈ મહિલા અમેરિકન સૈનિકોને મારશે તો ઈનામની રકમ બમણી એટલે કે 60,000 ડોલર કરવામાં આવશે. રવિવારે તહેરાને આ જાહેરાત કરી હતી. આ જાહેરાતથી એ બાબતે ધ્યાન ખેંચાયું છે કે શું અમેરિકાનો ઈરાનમાં જમીની હુમલાનો કોઈ ગુપ્ત આયોજન છે, જેના માટે હાતમીએ દેશને આ સંદેશ આપ્યો છે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી IRNAના એક અહેવાલ અનુસાર, દેશના આર્મી ચીફ અમીર હાતમીએ કહ્યું કે અમેરિકન સૈનિકો પર ઈનામ જાહેર કરવાની આ યોજના નાણાકીય સહાયમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં આવેલી વિનંતીઓ બાદ તૈયાર કરવામાં આવી હતી. હાતમીએ આ અંગે કોઈ માહિતી આપી નથી કે અમેરિકન સૈનિકોને મારવાનું અથવા પકડવાનું કામ ક્યાં કે ક્યારે થવાની સંભાવના છે.
જે કોઈ હુમલાખોર અમેરિકન સૈનિકને મારી નાખે અથવા તેને પકડીને સેનાને સોંપે, તેને ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનની સેના તરફથી 30,000 ડોલર અથવા 5 અબજ તોમાન જેટલું ઈનામ મળશે. જે સાહસિક ઈરાની મહિલાઓ આવું કામ કરશે, તેમને બમણું ઈનામ મળશે.- ઈરાની આર્મી ચીફ અમીર હાતમી
અમેરિકાને પશ્ચિમ એશિયામાંથી જવું પડશે
હાતમીએ કહ્યું કે અમેરિકન સૈનિકને મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારને બમણી કિંમતે ખરીદવામાં આવશે અને તે વ્યક્તિને નવું હથિયાર આપવામાં આવશે. તે વ્યક્તિનું હથિયાર એક વિશેષ મ્યુઝિયમમાં રાખવામાં આવશે. હાતમીએ કહ્યું કે અમેરિકન સૈનિક જો તેમની જમીન પર પગ મૂકશે તો તેનું ખરાબ પરિણામ આવશે.
ઈરાની આર્મી ચીફે પોતાના નિવેદનમાં કહ્યું છે કે ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન પોતાની સૈન્ય શક્તિ અંગે અમેરિકાના દાવાઓની પોલ ખુલી ગઈ છે. તેમણે ફરી એક વખત પશ્ચિમ એશિયામાંથી અમેરિકાના હટી જવાની પોતાના દેશની માગનું પુનરાવર્તન કર્યું. ફાતમીએ કહ્યું કે અમેરિકનોને પર્શિયન ખાડી, ઓમાનની ખાડી અથવા હોર્મુઝ સ્ટ્રેટમાં પ્રવેશવાની મંજૂરી નથી.
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ યથાવત
આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે 17 જૂને હસ્તાક્ષર કરાયેલા અમેરિકા-ઈરાનના ઈસ્લામાબાદ સમજૂતીના મેમોરેન્ડમ હેઠળ 60 દિવસની સમયમર્યાદા નજીક આવી રહી છે. આ સમજૂતી હેઠળ ઈરાન અને અમેરિકા 28 ફેબ્રુઆરીથી 40 દિવસ સુધી ચાલેલા યુદ્ધ બાદ કામચલાઉ યુદ્ધવિરામ અને કાયમી ઉકેલ માટે વાતચીત ચાલુ રાખવા સંમત થયા હતા.
આ સમજૂતી છતાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની સ્થિતિ નબળી બની રહી છે અને વાતચીતમાં કોઈ પ્રગતિ થઈ નથી. બંને દેશો વચ્ચે અનેક પ્રસંગોએ ગોળીબાર પણ થયો છે. અમેરિકન હુમલા દક્ષિણ ઈરાન અને હોર્મુઝ જળમાર્ગની આસપાસ કેન્દ્રિત રહ્યા છે. જ્યારે ઈરાને ખાડી દેશોમાં આવેલા અમેરિકન ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

