Iranian Oil Tanker Route Change: ઈરાનથી આશરે 600,000 બેરલ કાચા તેલનો જથ્થો લઈને આવી રહેલા જહાજે અચાનક પોતાનો રસ્તો ચીન તરફ કરી લીધો છે. આ જહાજ ગઈકાલ રાત સુધી અરબ સાગરમાં ભારતના રસ્તામાં હતું પરંતુ હવે તે ચીન તરફ વળી ગયું છે. આ જહાજનું નામ ‘પિંગ શુન’ છે અને તેના ગુજરાતના વાડીનાર બંદર પહોંચવાની આશા હતી. તેલ બજાર પર નજર રાખતી એજન્સી કેપ્લરે આ કાચા તેલના જહાજના ભારતથી ચીન તરફ રસ્તો બદલવાની પુષ્ટિ કરી છે.
વૈશ્વિક વેપાર ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ Kpler માં રિફાઇનરી અને તેલ બજારોની મોડેલિંગના મેનેજર સુમિત રિતોલિયાએ શુક્રવારે ધ પ્રિન્ટના રિપોર્ટમાં જણાવ્યું છે કે ‘એક ઈરાની કાચા તેલનું જહાજ PING SHUN જે છેલ્લા ત્રણ દિવસથી ભારતના વાડીનાર તરફ જઈ રહ્યું હતું તેણે પોતાની મંજિલની નજીક પહોંચતા પહેલા જ પોતાનો રસ્તો બદલી લીધો છે અને તેણે પોતાના જાહેર કરેલા ગંતવ્ય સ્થાન ભારતથી બદલીને ચીન તરફ જવાનો સંકેત આપવાનું શરૂ કરી દીધું છે.’
ભારત આવી રહેલું ઈરાનનું તેલ ટેન્કર અચાનક ચીન તરફ વળ્યું
સુમિત રિતોલિયાએ બજારના સૂત્રોનો હવાલો આપતા કહ્યું કે ચીન તરફ જહાજના વળવા પાછળ ઈરાની તેલને લઈને પેમેન્ટની શરતોમાં આવેલો બદલાવ છે. હવે વેચનાર 30-60 દિવસની ક્રેડિટ વિન્ડો આપવાને બદલે પહેલેથી જ પેમેન્ટની માંગણી કરી રહ્યા છે. એટલે કે એડવાન્સ પેમેન્ટ બાદ જ તેલનો જથ્થો મોકલવાની વાત થઈ રહી છે. રિતોલિયાએ કહ્યું કે “આ બદલાવ પેમેન્ટ સાથે જોડાયેલો લાગે છે જેમાં વેચનાર શરતોને કડક કરી રહ્યા છે અને પહેલાની 30-60 દિવસની ક્રેડિટ વિન્ડોથી હટાવીને પહેલાથી અથવા વહેલામાં વહેલી તકે પેમેન્ટ કરવા તરફ વધી રહ્યા છે.” આવું દેખીતી રીતે ઈરાન યુદ્ધને લઈને સર્જાયેલી પરિસ્થિતિને કારણે થઈ રહ્યું છે.
તેમણે આગળ કહ્યું કે ‘જોકે ઈરાની કાચા તેલના કિસ્સામાં મુસાફરીની વચ્ચે મંજિલમાં આ પ્રકારના ફેરફાર થવા કોઈ નવી વાત નથી પરંતુ આ એ વાતને ઉજાગર કરે છે કે વેપારના પ્રવાહ માટે નાણાકીય શરતો અને કાઉન્ટરપાર્ટી જોખમો કેટલા વધારે સંવેદનશીલ બની રહ્યા છે.’ રિપોર્ટ મુજબ હજુ સુધી સ્પષ્ટ નથી કે કઈ ભારતીય રિફાઇનરીએ આ કાર્ગો ખરીદ્યો હતો કારણ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, નાયરા એનર્જી અને ભારત પેટ્રોલિયમ જેવી અનેક રિફાઇનરીઓ વાડીનાર મારફતે જ કાચું તેલ મંગાવે છે.
શું ચીનથી ફરી ભારત તરફ વળશે જહાજ?
રિતોલિયાએ સંકેત આપ્યો છે કે જો પેમેન્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે તો કાર્ગોને હજુ પણ પાછો ભારત મોકલી શકાય છે. રિતોલિયાએ કહ્યું ‘જો પેમેન્ટ સાથે જોડાયેલી સમસ્યાઓ ઉકેલાઈ જાય છે તો કાર્ગો હજુ પણ કોઈ ભારતીય રિફાઇનરી સુધી પહોંચી શકે છે.’ તેમણે આગળ કહ્યું કે ‘પરંતુ આ ઘટના એ વાત પર ભાર મૂકે છે કે ચીન સિવાયના બીજા દેશોમાં ઈરાની કાચા તેલની સપ્લાય નક્કી કરવામાં લોજિસ્ટિક્સની જેમ જ કોમર્શિયલ શરતો પણ કેટલી મહત્વની બની રહી છે.’ જો આ જહાજ ભારતમાં લંગર નાખે છે તો તે 2019 પછી દેશમાં ઈરાની કાચા તેલનો પ્રથમ જથ્થો હશે.

