Iran US Conflict Kharg Island: અમેરિકા-ઈઝરાયેલના ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને 11 દિવસ થઈ ગયા છે, પરંતુ મિસાઈલ-ડ્રોન હુમલાના ધડાકા બંધ નથી થઈ રહ્યા. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જંગ ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે. સવાલ એ છે કે શું અમેરિકા એવું કોઈ ચોંકાવનારું પગલું ભરી શકે છે, જેનાથી ઈરાન સરન્ડર કરવા મજબૂર થઈ જશે? અહેવાલો મુજબ, અમેરિકા ઈરાનના તેલ નિકાસના સૌથી મોટા વિસ્તાર ખાર્ગ આઈલેન્ડ (Kharg Island) પર કબજો કરી શકે છે, અહીંથી ઈરાનનું 90 ટકા તેલ બીજા દેશોમાં જાય છે. જો અમેરિકાએ 25-30 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા આ ટાપુ પર કબજો જમાવી લીધો તો ઈરાન સરન્ડર કરવા મજબૂર થઈ શકે છે.
ઈરાની અર્થતંત્રની કરોડરજ્જુ છે ખાર્ગ આઈલેન્ડ
ખાર્ગ આઈલેન્ડ ઈરાનની ઈકોનોમીની કરોડરજ્જુ છે. છેલ્લા 70 વર્ષોથી ઈરાન અને વિદેશી કંપનીઓએ અહીં ભારે રોકાણ કર્યું છે. તે ઈરાનના તેલના કુવાઓ અને વિશ્વભરના દેશોમાં નિકાસ વચ્ચેની મહત્વની કડી છે. અમેરિકા-ઈઝરાયેલના ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે આવા વ્યૂહાત્મક હથિયારને અજમાવવાનો પ્રયાસ થઈ શકે છે.
ખાર્ગ આઈલેન્ડ પર કબજો કરવાથી શું થશે?
આ ટાપુ પર હુમલો કરવાથી કે કબજો કરવાથી ઈરાનનો તેલનો ખજાનો ખાલી થઈ જશે.
અમેરિકા-ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ માટે ઈરાનની ખામેનેઈ સરકાર નાણાં એકત્ર કરી શકશે નહીં.
ઈરાન બીજા દેશોને તેલની નિકાસ નહીં કરી શકે.
કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવવાની આશંકા છે.
અત્યાર સુધી અમેરિકા પોતાના ટાર્ગેટમાં નિષ્ફળ
ઈરાનની અંદર તેહરાન, ઈસ્ફહાન, કોમ જેવા શહેરોમાં સેના અને સરકારના ઠેકાણાઓ પર અમેરિકા-ઈઝરાયેલે ભીષણ હુમલા કર્યા છે. પરંતુ ઈરાનનું મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર ખાર્ગ ટાપુ અત્યાર સુધી સુરક્ષિત રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ટાપુ પર કબજો કે નાકાબંધી જેવા સૈન્ય ઓપરેશન પર વિચાર કરી રહ્યા છે, જેથી ઈરાનને નમવા માટે મજબૂર કરી શકાય. ઈરાનમાં અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ છતાં હજુ સુધી સત્તા પરિવર્તનની ઝુંબેશ સફળ થઈ નથી.
ખાર્ગ આઈલેન્ડ શું છે?
પર્શિયન ગલ્ફ (ફારસની ખાડી) માં ઈરાનના તટથી લગભગ 25-30 કિલોમીટર દૂર ખાર્ગ એક નાનકડો ઈરાની ટાપુ છે, પરંતુ તે ઈરાનની ઈકોનોમી માટે ઓક્સિજન સમાન છે. આ ટાપુ ઈરાનનું મહત્વનું ક્રૂડ ઓઈલ નિકાસ ટર્મિનલ છે, જ્યાંથી ઈરાનના તેલ નિકાસનો લગભગ 90 ટકા કારોબાર થાય છે. અહીંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ તેલનું લોડિંગ થઈ શકે છે.
કેમ ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં તે મહત્વનું છે?
અમેરિકાએ ઈરાનના પરમાણુ પ્લાન્ટ્સ, મિસાઈલ લોન્ચિંગ સેન્ટર અને સૈન્ય મથકો પર ભારે બોમ્બમારો કર્યો છે. પરંતુ ખાર્ગ જેવા તેલ ભંડારો પર કોઈ હુમલો કર્યો નથી. આ દર્શાવે છે કે આ જગ્યા ઈરાનની અર્થવ્યવસ્થા અને ગ્લોબલ ઓઈલ માર્કેટ માટે કેટલી મહત્વની છે. તેના પર હુમલો કરવાથી ઈરાનની કાચા તેલના નિકાસની તાકાત ખતમ થઈ જશે. જોકે, આનાથી કાચા તેલના ભાવમાં ટૂંકા સમય માટે વધારો જોવા મળી શકે છે. જો ખાડી દેશોમાં આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો ટેન્કરોની અવરજવર ઠપ થઈ જશે.
ક્યાં છે ખાર્ગ આઈલેન્ડ?
ખાર્ગ આઈલેન્ડ હોર્મુઝ સ્ટ્રેટની ખૂબ જ નજીક છે અને સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, ઓમાનથી લઈને કતાર-બહેરીન સુધીના તમામ મધ્ય પૂર્વના દેશો જાણે છે કે આ ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયનું સૌથી મહત્વનું ‘ચોકપોઈન્ટ’ છે. જો અહીં કોઈ પણ મોટી સૈન્ય કાર્યવાહી દરમિયાન મિસાઈલ-ડ્રોન હુમલા થાય છે તો તેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. અત્યારે હોર્મુઝ સ્ટ્રેટના સપ્લાયમાં અવરોધ વિના જ કાચા તેલમાં ઉછાળો આવી રહ્યો છે. ભારત સહિત અનેક દેશોએ LPG ગેસ સિલિન્ડરના ભાવ વધારી દીધા છે.
ટ્રમ્પ શું આ ટાપુ પર કબજો કરશે?
મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકી સેના ઈરાનની યુદ્ધ ક્ષમતા ખતમ કરવા માટે ખાર્ગ ટાપુ પર સ્પેશિયલ ઓપરેશન કરી શકે છે. ‘એક્સિયોસ’ના રિપોર્ટ મુજબ, અમેરિકી અને ઈઝરાયેલી સેના, ગુપ્તચર એજન્સી અને ઉચ્ચ અધિકારીઓ ઈરાનની અંદર સ્પેશિયલ ફોર્સિસ સાથે આવું ઓપરેશન કરી શકે છે. ખાર્ગ આઈલેન્ડ પર આવું ઓપરેશન વેનેઝુએલા જેવી સ્થિતિ લાવી શકે છે, જેનાથી ઈરાન અમેરિકી શરતો માનવા મજબૂર થઈ શકે છે. ઈરાન પાસે દેશ, સેના ચલાવવા અને હથિયારો માટે પૈસા બચશે નહીં.
પરમાણુ સંકટ વધવાનો ખતરો
જો આ ટાપુ હાથમાંથી નીકળી જાય છે, તો ઈરાન પરમાણુ હથિયારો તરફ આગળ વધી શકે છે. માનવામાં આવે છે કે ઈરાન પાસે લગભગ 450 કિલોગ્રામ 60 ટકા સુધી સંવર્ધિત યુરેનિયમ છે, જેને એટમી હથિયારમાં બદલી શકાય છે. સંવર્ધિત યુરેનિયમની આવી પરમાણુ સામગ્રીને કબજે કરવા કે નિષ્ક્રિય કરવા માટે સ્પેશિયલ ઓપરેશન ચલાવવામાં આવી શકે છે. એવામાં ખાર્ગ ટાપુની આસપાસ કોઈ પણ અભિયાન નિષ્ફળ જાય તો મોટી તબાહીનો ખતરો છે.

