Greenland Conflict: ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર જો અમેરિકા ગ્રીનલેન્ડ પર હુમલો કરે તો ડેનમાર્ક ત્યાંના મુખ્ય હવાઈ મથકને તબાહ કરી દેશે. ડેનમાર્કના પબ્લિક બ્રોડકાસ્ટર DR એ એક મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ડેનમાર્કને એ ડર હતો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ આર્કટિક દ્વીપ પર હુમલો કરી શકે છે. ડેનિશ સરકાર અને સેનાના સૂત્રો તેમજ યુરોપિયન સહયોગીઓને ટાંકીને DR એ જણાવ્યું છે કે યુદ્ધની સ્થિતિમાં ઘાયલ સૈનિકોની સારવાર માટે લોહીનો પુરવઠો (Blood Supply) પણ મંગાવી લેવામાં આવ્યો હતો.
ફાઇનાન્શિયલ ટાઇમ્સ અખબારે જણાવ્યું છે કે પાછળથી બે યુરોપિયન અધિકારીઓએ આ રિપોર્ટની પુષ્ટિ કરી છે. જ્યારે બીબીસીએ ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલયને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે ‘તેમની પાસે આ બાબતે કોઈ ટિપ્પણી નથી.’ ડેનમાર્કના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ‘સુરક્ષાના કારણોસર આ ઓપરેશન વિશે બહુ ઓછા લોકોને જાણકારી હતી.’
અમેરિકી હુમલાને રોકવા ડેનમાર્કે બનાવ્યો હતો ખતરનાક પ્લાન
તમને જણાવી દઈએ કે અમેરિકા અને ડેનમાર્ક બંને નાટો (NATO) ના સભ્યો છે. આ બંને દેશો વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવા માટે અભિયાન શરૂ કર્યું. ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો એક અર્ધ-સ્વાયત્ત ભાગ છે અને આ મુદ્દે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે ઊંડી તિરાડ પડી ગઈ હતી. ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેઓ ગ્રીનલેન્ડને પોતાના દેશમાં ભેળવવા માંગે છે, પરંતુ ગ્રીનલેન્ડના નેતાઓ અને ડેનમાર્કે આ માંગણીઓને વારંવાર ઠુકરાવી દીધી છે.
DR એ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે કોપનહેગને પેરિસ, બર્લિન અને નોર્ડિક દેશો પાસેથી ડોનાલ્ડ ટ્રમ્પ સામે સમર્થન માંગ્યું હતું. આ માટે તેમણે મજબૂત યુરોપિયન એકતા બતાવવા અને ગ્રીનલેન્ડમાં વધુ સંયુક્ત સૈન્ય પ્રવૃત્તિઓ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ સામે એકઠા થયા યુરોપિયન દેશો
સૂત્રોનું કહેવું છે કે 3 જાન્યુઆરી ના રોજ સ્થિતિ ત્યારે વધુ બગડી જ્યારે અમેરિકી સેનાના વિશેષ દસ્તોએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા. આના બીજા જ દિવસે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું કે તેઓ ‘લગભગ બે મહિનામાં ગ્રીનલેન્ડ વિશે વિચારશે’. તેમણે ફરી પોતાની વાત દોહરાવી કે ‘અમને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રીનલેન્ડની જરૂર છે. તે ખૂબ જ વ્યૂહાત્મક સ્થળ છે.’ તેમણે પુરાવા વગર દાવો કર્યો હતો કે ‘અત્યારે ગ્રીનલેન્ડ ચારે બાજુ રશિયન અને ચીની જહાજોથી ઘેરાયેલું છે.’
યુરોપના એક અધિકારીએ જણાવ્યું કે વેનેઝુએલાની ઘટના બાદ અમેરિકાને લાગ્યું કે તેઓ કંઈ પણ કરી શકે છે. આના તરત જ બાદ ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, નોર્વે અને સ્વીડનના સૈનિકોની એક નાની ટુકડીને ગ્રીનલેન્ડની રાજધાની નુક અને કાંગેરલુસુઆક મોકલવામાં આવી હતી. તે સમયે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે શરૂઆતની ટુકડીને વધુ મજબૂત કરવામાં આવશે.

