Tel Aviv airport missile attack: ઈઝરાયલમાં આવેલા બેન ગુરિયન એરપોર્ટ પર હુથી વિદ્રોહીઓ દ્વારા મિસાઈલ હુમલો થતાં દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને અબુધાબી ડાયવર્ટ કરવામાં આવી છે. આ મિસાઈલ હુમલો એર ઈન્ડિયા ફ્લાઈટ AI139ના તેલ અવીવમાં લેન્ડિંગના કલાક પહેલાં જ થયો હતો.
ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ અનુસાર, એરઈન્ડિયાની ફ્લાઈટ જોર્ડિયન એરસ્પેસમાં હતી, ત્યારે અચાનક હુથીઓ દ્વારા બેન ગુરિયન એરપોર્ટ પર હુમલો થયો હતો. ઈઝરાયલની સેના આ મિસાઈલ હુમલો અટકાવવા નિષ્ફળ રહી હતી. જો કે, હુમલામાં હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. છ જણ ઘાયલ થયા હતાં. હુમલા બાદ તમામ ફ્લાઈટ સેવાઓને સ્થગિત કરવામાં આવી છે.
છ મે સુધી ફ્લાઈટ સેવાઓ સ્થગિત
એર ઈન્ડિયાએ સત્તાવાર જાહેરાત કરી છે કે, મુસાફરો અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તેલ અવીવ જઈ રહેલી તમામ ફ્લાઈટ્સને 6 મે, 2025 સુધી સ્થગિત કરવામાં આવી છે. ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને સંભવિત તમામ મદદ કરી રહ્યું છે, તેમજ તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
3થી 6 મે સુધીની તમામ ફ્લાઈટ્સ બુકિંગને રિશિડ્યુલ તેમજ કેન્સલ કરવા પર સંપૂર્ણ રિફંડ આપવાની જાહેરાત પણ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એરપોર્ટ બંધ કરાયું
ઈઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે, તેલ અવીવમાં સ્થિત ઈઝરાયલનું મુખ્ય એરપોર્ટ આ હુમલા બાદ બંધ કરવામાં આવ્યું છે. યમનથી મિસાઈલ હુમલો થયા બાદ એર ટ્રાફિક અને અન્ય ગતિવિધિઓ અટકાવી દેવામાં આવી છે. અંતિમ તપાસ બાદ એરપોર્ટ ફરી શરૂ કરવામાં આવશે.
સાતગણું નુકસાન કરવાની ચીમકી
ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાટ્ઝે આ હુમલાની નિંદા કરતાં ચીમકી આપી છે કે, જેણે પણ અમને આ નુકસાન પહોંચાડ્યું છે, અમે તેને સાત ગણું નુકસાન પહોંચાડીશું. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ મામલે સાંજે સાત વાગ્યે મહત્ત્વની બેઠક બોલાવી છે. જેમાં હુથી વિદ્રોહીઓ વિરૂદ્ધ કાર્યવાહી મુદ્દે ચર્ચા કરશે.