Greenland geopolitical importance: ગ્રીનલેન્ડ આજે વિશ્વની ભૌગોલિક અને રણનીતિક રાજનીતિનું કેન્દ્રબિંદુ બન્યું છે. અમેરિકા જેવા દેશોની નજર અહીંના બરફ પર નહીં, પરંતુ તેની નીચે છુપાયેલા અમૂલ્ય ‘રેર અર્થ મિનરલ્સ’ (Rare Earth Minerals) પર છે. લિથિયમ, યુરેનિયમ અને ઝિંક જેવા સંસાધનો આગામી પેઢીની ટેક્નોલોજી, ડિફેન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે અનિવાર્ય છે. ગ્રીનલેન્ડ પર પ્રભુત્વ એટલે કે આવનારા દાયકાઓની વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સુરક્ષા પર એકહથ્થુ શાસન.
આર્થિક દબાણ અને ટૅરિફનું રાજકારણ
વર્તમાન સમયમાં જ્યારે કોઈ મહાશક્તિ ટૅરિફ અને વેપાર પ્રતિબંધોને હથિયાર બનાવે છે, ત્યારે તે માત્ર આર્થિક બાબત નથી રહેતી પણ ‘રાજકીય દાદાગીરી’ બની જાય છે. સાથી દેશોને ધમકાવીને પોતાની શરતો મનાવવી એ લોકશાહીના મૂલ્યોથી વિપરીત છે. ગ્રીનલેન્ડના મૂળભૂત રહીશો (ઇન્યુઇટ લોકો) ના સ્વ-શાસનના અધિકારને કચડીને માત્ર રણનીતિક બેઝ બનાવવાની લાલચ વૈશ્વિક અસ્થિરતાને નોતરી રહી છે.
મહાશક્તિઓના બેવડા ધોરણો અને જાગૃતિનો સમય
ઇતિહાસ સાક્ષી છે કે ઈરાક, લિબિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં હસ્તક્ષેપ બાદ મળેલી અસ્થિરતાએ વિશ્વને ઘણું શીખવ્યું છે. અમેરિકાની વર્તમાન નીતિ તેની આંતરિક નિષ્ફળતાઓ છુપાવવા અને વૈશ્વિક પ્રભુત્વ ટકાવી રાખવાનો છેલ્લો પ્રયાસ જણાય છે. જો આજે યુરોપ અને એશિયાના દેશો ગ્રીનલેન્ડના સમર્થનમાં અવાજ નહીં ઉઠાવે, તો ભવિષ્યમાં કોઈપણ સાર્વભૌમ રાષ્ટ્ર સુરક્ષિત રહેશે નહીં.

