Hormuz Sea Mines Technical Crisis: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી શાંતિ વાર્તાની વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં એક મોટું ટેકનિકલ સંકટ સામે આવ્યું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈરાન જો અત્યારે ઈચ્છે તો પણ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે ખોલી શકે તેમ નથી. આ સમસ્યાનું મુખ્ય કારણ ઈરાન દ્વારા યુદ્ધ દરમિયાન દરિયામાં બિછાવવામાં આવેલી ‘સી-માઈન્સ’ એટલે કે દરિયાઈ સુરંગો છે. આ સુરંગો જહાજો માટે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેમ હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યાપી ગઈ છે.
સુરંગોનું લોકેશન ભૂલાતા સર્જાઈ ટેકનિકલ મુશ્કેલી
અહેવાલ મુજબ, ઈરાને ગત મહિને યુદ્ધની સ્થિતિમાં ઉતાવળમાં અને અસ્તવ્યસ્ત રીતે દરિયાઈ માર્ગો પર સુરંગો બિછાવી હતી. આ પ્રક્રિયા એટલી અનિયમિત હતી કે ઘણી માઈન્સનું ચોક્કસ લોકેશન ખુદ ઈરાની સેના પાસે પણ નોંધાયેલું નથી. આ ઉપરાંત, દરિયાના જોરદાર પ્રવાહોને કારણે આ સુરંગો પોતાની મૂળ જગ્યાએથી વહીને અન્યત્ર ચાલી ગઈ છે. હવે સ્થિતિ એવી છે કે જો ઈરાન જહાજો પર હુમલો ન કરવાનું નક્કી કરે, તો પણ આ અજાણી સુરંગો કોઈપણ જહાજ સાથે અથડાઈને તેને ડૂબાડી શકે છે.
ઈરાનની મર્યાદા અને આંતરરાષ્ટ્રીય મદદની જરૂરિયાત
ઈરાન અત્યારે એવા તબક્કે છે જ્યાં તેની પાસે આ સુરંગો શોધવાની કે તેને દરિયામાંથી હટાવવાની પૂરતી ટેકનિકલ ક્ષમતા નથી. આ લાચારીને કારણે જ ઈરાને હાલમાં માત્ર એક સાંકડો અને મર્યાદિત કોરિડોર જ ખુલ્લો રાખ્યો છે, જ્યાંથી જહાજોને પસાર થવાની મંજૂરી અપાય છે. જોકે, આ સમસ્યાના નિવારણ માટે બ્રિટન પાસે અત્યાધુનિક ટેકનોલોજી છે જે સુરંગો સાફ કરવામાં મદદ કરી શકે છે. ઈરાનના વિદેશ મંત્રીએ પણ કબૂલ્યું છે કે સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત થયા બાદ જ આ માર્ગને સામાન્ય બનાવવામાં આવશે.
વૈશ્વિક તેલ પુરવઠા અને અર્થતંત્ર પર માઠી અસર
હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના અર્થતંત્ર માટે અત્યંત મહત્વની છે, કારણ કે દુનિયાના કુલ તેલ અને એલએનજી (LNG) પુરવઠાનો ૨૦ ટકા હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. દરિયાઈ સુરંગોના જોખમને કારણે શિપિંગ કંપનીઓ આ માર્ગનો ઉપયોગ કરતા ડરી રહી છે, જેને પરિણામે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જો આ માર્ગ લાંબા સમય સુધી આ જ રીતે જોખમી રહેશે, તો વૈશ્વિક સ્તરે મોંઘવારી વધવાની અને સપ્લાય ચેઈન ખોરવાવાની પૂરેપૂરી શક્યતા છે.

