Hormuz Strait Iran Mines: ઈરાનના સાયલન્ટ કિલર્સ: સમુદ્રના તળિયે છુપાયેલા બોમ્બ, જાણો કેવી રીતે જહાજો માટે કાળ બની શકે છે આ માઈન્સ

Arati Parmar
6 Min Read

Hormuz Strait Iran Mines: અમેરિકાએ દાવો કર્યો છે કે તે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન દ્વારા માઈન્સ (સમુદ્રી સુરંગો) બિછાવનારા જહાજોને નષ્ટ કરી રહ્યું છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કેટલીક નેવલ માઈન્સ બિછાવવાનું શરૂ કરી દીધું છે. આ એ સાંકડો સમુદ્રી રસ્તો છે જ્યાંથી દુનિયાનો લગભગ પાંચમો ભાગ કાચું તેલ પસાર થાય છે. અમેરિકી ગુપ્તચર સ્ત્રોતની જાણકારી ધરાવતા બે લોકોના જણાવ્યા અનુસાર, માઈનિંગની કોશિશ અત્યાર સુધી મર્યાદિત લાગે છે અને છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર થોડી ડઝન માઈન્સ જ લગાવવામાં આવી છે.

ઈરાને ઘણા નાના જહાજો માત્ર માઈન્સ લગાવવા માટે બનાવી રાખ્યા છે. જેનો અર્થ છે કે ઈરાન ગણતરીના દિવસોમાં જ સેંકડો માઈન્સ લગાવીને હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી શકે છે. આનાથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પસાર થવું સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. માઈન્સ લાગવાથી ફારસની ખાડીમાં કોમર્શિયલ શિપિંગમાં અવરોધ આવી શકે છે.

- Advertisement -

હોર્મુઝ સ્ટ્રેટમાં માઈન્સ બિછાવવાથી શું અસર થશે?

ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ, જે ઈરાન સરકારની નૌસેના સાથે મળીને કામ કરે છે, તે આ સ્ટ્રેટના મોટાભાગના હિસ્સાને કંટ્રોલ કરે છે. મિલિટરી એનાલિસ્ટનું માનવું છે કે માઈન બિછાવનારા ક્રાફ્ટ, વિસ્ફોટક નૌકાઓ અને કોસ્ટલ મિસાઈલ સિસ્ટમનું ફેલાયેલું નેટવર્ક ખૂબ જ સરળતાથી માઈન્સ બિછાવવાની ક્ષમતા ધરાવે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે ઈરાનની સ્ટ્રેટમાં માઈનિંગની કોઈ પણ કોશિશનું ગંભીર પરિણામ આવશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, ‘જો ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ માઈન લગાવી છે અને અમારી પાસે તેમના આવું કરવાના કોઈ રિપોર્ટ નથી, તો અમે ઈચ્છીએ છીએ કે તેમને તરત જ હટાવી દેવામાં આવે!’ તેમણે કહ્યું કે, ‘જો કોઈ કારણસર માઈન્સ લગાવવામાં આવી હતી અને તેમને તરત જ હટાવવામાં નહીં આવે, તો ઈરાન માટે લશ્કરી પરિણામો અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા સ્તરના હશે.’ તેમણે વધુમાં લખ્યું છે કે, ‘બીજી તરફ જો તેઓ જે લગાવવામાં આવ્યું છે તેને હટાવી દે છે તો તે સાચી દિશામાં એક મોટું પગલું હશે!’

- Advertisement -

પાણીની અંદર કેટલા પ્રકારની માઈન્સ લગાવવામાં આવે છે?

  • નેવલ માઈન્સ શું છે?: પાણીની નીચે માઈન્સ બિછાવવી. આ વિસ્ફોટક ઉપકરણો હોય છે અને જો કોઈ જહાજ આની સાથે પાણીમાં ટકરાય છે તો ભયાનક ધડાકા સાથે તે જહાજના ફુરચા ઊડી જશે. તેને સામાન્ય રીતે સાંકડા પાણીના રસ્તાઓ અને શિપિંગ લેનમાં લગાવવામાં આવે છે જેથી આર્થિક રસ્તાઓમાં અવરોધ આવે.

  • લિમ્પેટ માઈન્સ શું છે?: લિમ્પેટ માઈન્સ પણ વિસ્ફોટક જ હોય છે. જેને ડાઈવર જહાજના હલ (નીચલા ભાગ) સાથે જોડે છે અને તેનું નામ શેલફિશના નામ પરથી રાખવામાં આવ્યું છે જે ખડકો સાથે મજબૂતીથી ચોંટી રહે છે. એકવાર જોડાયા પછી આ ઉપકરણમાં એક ફ્યુઝ હોય છે જે મોડેથી ધડાકો કરે છે. આ માઈન્સમાં નાના વિસ્ફોટક ચાર્જ હોય છે અને તેનો ઉપયોગ જહાજોને ડુબાડવાને બદલે તેમને રોકવા માટે કરવામાં આવે છે.

  • ઈન્ફ્લુઅન્સ માઈન્સ શું છે?: ઈન્ફ્લુઅન્સ માઈન્સ પણ એક પ્રકારના વિસ્ફોટક જ હોય છે જે સિગ્નલથી ટ્રિગર થાય છે અને પસાર થતા જહાજોને નિશાન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કેટલાંકને જહાજના પ્રોપેલરના અવાજની ખબર મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેમને અકૂસ્ટિક માઈન્સ કહેવામાં આવે છે. બીજા જહાજોના મોટા મેટલ હલને કારણે મેગ્નેટિક ફીલ્ડમાં થતા ફેરફારો પર આ પ્રતિક્રિયા આપે છે. કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવામાં આવ્યું છે કે માઈન્સ ઉપરથી પસાર થતા જહાજોથી પેદા થતા પ્રેશરમાં ફેરફાર આવવા પર ધડાકો કરે છે.

  • મૂર્ડ માઈન્સ: આ એવા વિસ્ફોટક હોય છે જે સમુદ્રના તળિયા સાથે જોડાયેલા હોય છે અને પાણીની અંદર એક નક્કી કરેલી ઊંડાઈ પર તરતા રહે છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે સાંકડા પાણીના રસ્તાઓ અને ચોકપોઈન્ટને રોકવા માટે કરવામાં આવે છે અને જ્યારે જહાજ તેમની સાથે ટકરાય છે ત્યારે તેમાં ધડાકો થાય છે.

  • બોટમ માઈન્સ: આ વિસ્ફોટકો સમુદ્રના તળિયે રાખેલા હોય છે અને પોતાની ઉપરથી પસાર થતા જહાજોની ભાળ મેળવવા માટે માત્ર સેન્સર પર નિર્ભર રહે છે. આ સેન્સર ભૂકંપના વાઈબ્રેશન, અવાજ, મેગ્નેટિક સિગ્નલ કે પ્રેશરમાં ફેરફારને માપી શકે છે. જ્યારે કોઈ જહાજ ઉપરથી પસાર થાય છે ત્યારે માઈન ફાટી જાય છે. બોટમ માઈન્સમાં અવારનવાર તરતા પ્રકારના એક્સપ્લોઝિવની તુલનામાં ખૂબ મોટા ચાર્જ હોય છે, ક્યારેક સેંકડો કિલોગ્રામ સુધી વિસ્ફોટક હોય છે, જેથી ધડાકો એટલો શક્તિશાળી હોય કે જહાજને નુકસાન પહોંચે.

ઈરાનની માઈન્સ બિછાવવાની ક્ષમતા અંગે શું અંદાજ છે?

ઈરાન અંગેના ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તે પોતે જ માઈન્સ બનાવે છે. તેણે ઘણા વર્ષોથી આ પ્રકારના યુદ્ધની તૈયારી કરી રાખી છે, તેથી અનેક પ્રકારની માઈન્સ ઈરાન પાસે મોજૂદ છે. કેટલીક માઈન્સ જે ઈરાન પાસે છે તે ઘણી એડવાન્સ છે અને માનવામાં આવે છે કે તેને ઈરાને ચીન, રશિયા કે ઉત્તર કોરિયાની મદદથી ડિઝાઇન કરી છે. કોવિડ સંકટ પહેલા સેન્ટર ફોર ઇન્ટરનેશનલ મેરીટાઇમ સિક્યુરિટીએ અંદાજ લગાવ્યો હતો કે ઈરાન પાસે 2000 થી 5000 માઈન્સ હોઈ શકે છે. 2026માં ઈરાન પાસે કેટલી માઈન્સ છે તેનો ચોક્કસ અંદાજ નથી.

Share This Article