UNSC India Pakistan Afghanistan Tension: ભારત અને અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં પોલ ખોલી તો પાકિસ્તાની દૂત અકળાયા, આરોપોની ઝડી લગાવી, તણાવ

Arati Parmar
2 Min Read

UNSC India Pakistan Afghanistan Tension: અફઘાનિસ્તાનના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ચર્ચા દરમિયાન પાકિસ્તાન અને ભારત વચ્ચે આકરા આક્ષેપ-પ્રતિઆક્ષેપ જોવા મળ્યા હતા. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે અફઘાનિસ્તાન પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. અફઘાનિસ્તાન તરફથી પણ પાકિસ્તાનને બરાબરનું ઘેરવામાં આવ્યું હતું. ભારતીય પ્રતિનિધિના સખત નિવેદન બાદ પાકિસ્તાને બચાવમાં વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સોમવારે સુરક્ષા પરિષદમાં ત્રણેય પડોશી દેશો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.

યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં સોમવારે પાકિસ્તાનના તાજેતરના અફઘાનિસ્તાન પરના હુમલાઓને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભારતના પ્રતિનિધિએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ‘બેવડું વલણ’ ધરાવતો દેશ ગણાવીને ઘેર્યો છે. આના જવાબમાં ઇસ્લામાબાદના પ્રતિનિધિએ અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની આર્મીના એક્શનનો બચાવ કર્યો હતો અને ભારત પર અફઘાનિસ્તાનમાં આતંકી જૂથોને સમર્થન આપવાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો.

- Advertisement -

ભારત અને અફઘાનિસ્તાને શું કહ્યું?

પી. હરીશે યુએનમાં પાકિસ્તાન તરફ ઈશારો કરતા કહ્યું કે, “અફઘાનિસ્તાનમાં તાજેતરના હુમલાઓમાં 185 નિર્દોષ નાગરિકો માર્યા ગયા છે, જેમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા મોટી છે. આ હવાઈ હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. અફઘાનિસ્તાનની ધરતી પર હવાઈ હુમલાની ભારત સખત નિંદા કરે છે.”

યુનાઈટેડ નેશન્સમાં અફઘાનિસ્તાનના પરમેનન્ટ મિશનના વચગાળાના ચાર્જ ડી’અફેર્સ તરીકે કામ કરતા નસીર અહેમદ ફૈકે પણ પોતાના નિવેદનમાં પાકિસ્તાનને ઘેર્યું હતું. ફૈકે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હુમલામાં સામાન્ય લોકોના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સામાન્ય નાગરિકો પરના હુમલા તાત્કાલિક રોકવા જોઈએ.

- Advertisement -

જવાબ આપવા ઉભા થયા પાક પ્રતિનિધિ

ભારત અને અફઘાનિસ્તાનના નિવેદનો બાદ પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહેમદ ઉભા થયા અને કહ્યું કે તેઓ જવાબ આપવા મજબૂર છે. અહેમદે કહ્યું કે અફઘાનિસ્તાનના પ્રતિનિધિને કોઈ માન્યતા નથી અને તેમણે પોતાના પર્સનલ એજન્ડાને આગળ વધારવા માટે આ ફોરમનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના બદલે અફઘાનિસ્તાને આતંકીઓને કાબૂમાં લેવા પગલાં ભરવા જોઈએ.

ભારત પર ગુસ્સો ઠાલવતા અહેમદે દાવો કર્યો કે ભારતની અફઘાન પોલિસીનો હેતુ ઇસ્લામાબાદને અસ્થિર કરવાનો રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ભારત અફઘાનિસ્તાનથી કામ કરતા TTP અને BLA જેવા જૂથોને સપોર્ટ કરે છે. અહેમદે ત્યાં સુધી કહી દીધું કે ભારતે હંમેશા અફઘાનિસ્તાનમાં માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે.

- Advertisement -
Share This Article