India-Bangladesh Relation: બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) જ્યારે ૨૦૦૧ દરમિયાન સત્તામાં હતી ત્યારે તેણે ભારતને ખૂબ પરેશાન કર્યું હતું. પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૬માં બાંગ્લાદેશમાં ચૂંટણી જીત્યા બાદ તારિક રહેમાન જે નિર્ણયો લઈ રહ્યા છે તે ભારતને ખુશ કરનારા છે. આથી જ આશ્ચર્ય થઈ રહ્યું છે. એવું એટલા માટે પણ કે મોહમ્મદ યુનુસના ૧૮ મહિનાના શાસન દરમિયાન ભારત-બાંગ્લાદેશના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. સ્થિતિ ત્યાં સુધી પહોંચી ગઈ કે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ વિશ્વકપ રમવા ભારત પણ ન આવી. પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં અચાનક ઘણું બધું બદલાઈ રહ્યું છે અને એ જ આશ્ચર્યની વાત છે કે શું BNP પર ભારતે ભરોસો કરવો જોઈએ?
બાંગ્લાદેશે આજથી ભારતમાં તમામ વિઝા અને કોન્સ્યુલર સેવાઓ ફરીથી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત બાંગ્લાદેશે ભારત સાથે ક્રિકેટના સંબંધોને ફરીથી બહાલ કરવા માટે વાતચીત શરૂ કરી છે. નવી દિલ્હીએ પણ સંકેત આપ્યો છે કે તે એક નવું પાનું લખવા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેમાનને તેમની ચૂંટણી જીત પર અભિનંદન આપનારા પ્રથમ ગ્લોબલ લીડર હતા. તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકરને રહેમાનના માતા, પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે મોકલ્યા હતા. શપથ ગ્રહણમાં ખુદ લોકસભા સ્પીકર ઓમ બિરલા ઢાકા ગયા હતા.
મોહમ્મદ યુનુસના નિર્ણયોને પલટાવી રહ્યા છે તારિક રહેમાન
તારિક રહેમાને સરકારની કમાન હાથમાં લીધા બાદ પહેલા અઠવાડિયામાં જ કેટલાક મોટા નિર્ણયો લીધા છે અથવા કેટલાક મોટા સંકેતો આપી દીધા છે. આ મોહમ્મદ યુનુસ માટે બહુ મોટો ઝટકો તો છે જ, સાથે જ બાંગ્લાદેશમાં બનનારી બહુ જ રસપ્રદ રાજનીતિ તરફ ઈશારો કરે છે. જેમ કે:-
જુલાઈ ચાર્ટર અને બંધારણીય સુધારાઓને ફગાવવા: BNPના સાંસદોએ મોહમ્મદ યુનુસ દ્વારા બનાવાયેલા બંધારણ સુધારા પરિષદમાં શપથ લેવાનો સાફ ઇનકાર કરી દીધો. આ સિવાય તારિક રહેમાને સંકેત આપ્યા છે કે મોહમ્મદ યુનુસે જે ‘જુલાઈ ચાર્ટર’ તૈયાર કર્યું હતું, તેના ઘણા પોઈન્ટ્સ સામે તેમને વાંધો છે. જેમ કે સંસદમાં બે ગૃહ બનાવવા અને રાષ્ટ્રપતિને જે શક્તિઓ સોંપવામાં આવી છે, તેને માનવાનો તારિક રહેમાને ઇનકાર કરી દીધો છે.
વિદ્યાર્થી નેતા નાહિદ ઈસ્લામની ચેતવણી: શેખ હસીનાની સરકારના પતન બાદ વિદ્યાર્થી નેતાઓએ નેશનલ સિટીઝન પાર્ટી (NCP) નામે પાર્ટી બનાવી હતી. જેણે ચૂંટણીમાં માત્ર ૬ બેઠકો જીતી છે. NCP ના નેતા નાહિદ ઈસ્લામે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તારિક રહેમાનની સરકાર વિરુદ્ધ પ્રદર્શનની ચેતવણી આપી છે. પરંતુ મુશ્કેલી એ છે કે ચૂંટણીમાં વિદ્યાર્થી નેતાઓની પોલ ખુલી ગઈ છે અને તેમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે.
યુનુસના ઘણા સલાહકારોનો દેશ છોડવાનો પ્રયાસ: આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાધિકરણ (ICT) અને ટેલિકોમ પર યુનુસના વિશેષ સહાયક ફૈઝ અહેમદ તૈયબ જર્મની જતા રહ્યા છે. નેશનલ સિટીઝન પાર્ટી (NCP) ના નેતા નાસિરુદ્દીન પટવારીએ દાવો કર્યો કે ઘણા સલાહકારો “સુરક્ષિત નિકાસ” શોધી રહ્યા છે. તેમણે માંગ કરી કે દેશ છોડતા પહેલા આ સલાહકારોએ પોતાની સંપત્તિ અને છેલ્લા ૧૮ મહિનાના કામકાજનો પૂરો હિસાબ આપવો જોઈએ. ‘ધ ડેઈલી સ્ટાર’ એ ફૈઝ અહેમદ તૈયબના દેશ છોડવાને ‘સરપ્રાઈઝ ડિપાર્ચર’ ગણાવ્યું છે.
વહીવટી અને રાજદ્વારી ફેરબદલ: તારિક રહેમાને યુનુસના નજીકના અને ભારત વિરોધી ગણાતા અધિકારીઓને હટાવવાનું શરૂ કરી દીધું છે. નવી દિલ્હીમાં તૈનાત પ્રેસ મંત્રી ફૈઝલ મહમૂદને તેમના કાર્યકાળના ૭ મહિના પહેલા જ બરતરફ કરી દેવામાં આવ્યા છે.
અલ્પસંખ્યકો પર ભારતને ભરોસો: તારિક રહેમાને હિંદુઓને લઈને ભારતને ભરોસો અપાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. પોતાના મંત્રીમંડળમાં ચાર અલ્પસંખ્યક મંત્રીઓ (એક હિંદુ અને એક બૌદ્ધ સહિત) ને સામેલ કર્યા છે અને તેમની સુરક્ષાનો વાયદો કર્યો છે.
ક્રિકેટ સંબંધો ફરીથી બહાલ કરવાની કોશિશ: બાંગ્લાદેશના નવા રમતગમત મંત્રી અમીનુલ હકે અવામી લીગના સમર્થક ક્રિકેટરો જેવા કે શાકિબ અલ હસન અને મશરફે મુર્તઝા વિરુદ્ધ નોંધાયેલા કાયદાકીય કેસો ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી છે જેથી તેઓ પાછા રમતમાં લોટી શકે. તેમણે ભારત સાથે ક્રિકેટ સંબંધોની બહાલી માટે ઢાકાના ભારતીય રાજદ્વારીઓ સાથે મુલાકાત પણ કરી છે.
તારિક રહેમાનના આ નિર્ણયો સ્વાગત યોગ્ય છે અને ભારતે પણ કહ્યું છે કે તે બાંગ્લાદેશની નવી સરકાર સાથે સંબંધો બનાવવા માટે વાતચીત શરૂ કરી ચૂકી છે. આ ઘણું મહત્વનું છે. બાંગ્લાદેશી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તારિક રહેમાનની કોશિશ લાંબી ઈનિંગ રમવાની છે અને એવું તે ભારત સાથે ઝઘડીને કરી શકે નહીં. બાંગ્લાદેશ ત્રણ બાજુથી ભારતથી ઘેરાયેલું છે અને એક બાજુ દરિયો છે. દેશના ઓછામાં ઓછા ૩૦ થી વધુ જિલ્લાઓ ભારતની સરહદ સાથે જોડાયેલા છે અને તે જિલ્લાઓમાં રહેતા લોકોને ઇલાજ માટે ઢાકા જવા કરતા કોલકાતા આવવું ઓછું ખર્ચાળ છે. સરહદી વિસ્તારોમાં વેપાર પણ થાય છે.
આ ઉપરાંત ચૂંટણીએ સ્પષ્ટ કરી દીધું છે કે શેખ હસીનાની પાર્ટી માત્ર જીવતી જ નથી, પણ શક્તિશાળી પણ છે. આજે નહીં તો કાલે અવામી લીગ ફરી મેઈનસ્ટ્રીમમાં આવશે તેથી તારિક રહેમાન વિવાદોથી હટીને દેશહિતમાં કામ કરવા માંગે છે, જેથી તેમની પાર્ટીનો જનાધાર વધે. એટલા માટે જ તેમણે શેખ હસીનાના પ્રત્યાર્પણ પર નરમ વલણ અપનાવ્યું છે અને પાકિસ્તાન, ચીનને લઈને સંતુલિત વલણ અપનાવવાની વાત કરી છે. તેથી સવાલ એ છે કે શું BNPના તાજેતરના પગલાંને જોતા ભારતે તારિક રહેમાનની દાનત પર ભરોસો કરવો જોઈએ?

