Iran Dubai Attack: અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ ઈરાને મિડલ ઈસ્ટમાં ઉપરાઉપરી હુમલા કર્યા છે. આમાં સંયુક્ત આરબ અમીરાતના શહેર દુબઈને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાને દુબઈની પ્રખ્યાત લક્ઝરી હોટલ બુર્જ અલ અરબ પર હુમલો કર્યો છે. રિપોર્ટ અનુસાર, એક એટેક ડ્રોન બિલ્ડિંગ સાથે અથડાયા બાદ આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી. દુબઈ મીડિયા ઓફિસે એક્સ (X) પર જણાવ્યું કે, અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે એક ડ્રોનને રોકવામાં આવ્યું હતું. તેનો મલબો બુર્જ અરબના બહારના હિસ્સા સાથે અથડાયો, જેનાથી સામાન્ય આગ લાગી હતી.
ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે મોતની ખબર ન હોવી એ રાહતની વાત છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે સિવિલ ડિફેન્સની ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ઘટના પર કાબૂ મેળવી લીધો. બુર્જ અલ-અરબ વહાણના સઢ (Sail) આકારની એક ઈમારત છે, જે દુબઈની ઓળખ બની ગઈ છે. તેને વિશ્વની પ્રથમ સેવન-સ્ટાર હોટલ પણ કહેવામાં આવે છે. જોકે, હોટલ પોતાના પ્રચારમાં આનો ઉપયોગ કરતી નથી.
દુબઈ એરપોર્ટ પર પણ હુમલો
આ ઉપરાંત ‘દ પામ’ હોટલ અને ઇન્ટરનેશનલ એરપોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. દુબઈના મીડિયા ઓફિસે એક્સ પર લખ્યું કે દુબઈ ઇન્ટરનેશનલના એક કોનકોર્સને એક ઘટનામાં મામૂલી નુકસાન થયું, જેને ઝડપથી કાબૂમાં લેવામાં આવ્યું હતું. જાણવા મળ્યું છે કે આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. દુબઈ મિડલ ઈસ્ટનું સૌથી મોટું ટૂરિઝમ અને ટ્રેડ હબ છે. તેનું એરપોર્ટ દુનિયાના સૌથી વ્યસ્ત ટ્રાવેલ હબમાંનું એક છે.
ઈરાને UAE પર દાગી ૧૩૭ મિસાઈલ અને ૨૦૯ ડ્રોન
સંયુક્ત આરબ અમીરાતે જણાવ્યું છે કે ઈરાને તેના વિસ્તારમાં ૧૩૭ મિસાઈલો અને ૨૦૯ ડ્રોન દાગ્યા, જેમાંથી મોટાભાગનાને ડિફેન્સ સિસ્ટમે રોકી લીધા હતા. ઈરાને અબુ ધાબી, દુબઈ અને કતારની રાજધાની દોહા પર મિસાઈલો દાગી છે. ઈરાની હુમલાના કારણે એરલાઈન્સે શનિવારે સમગ્ર મિડલ ઈસ્ટમાં ઉડાન રોકી દીધી હતી, જેમાં દુબઈ અને અબુ ધાબીથી આવતી-જતી ફ્લાઈટ પણ સામેલ હતી.
ઈરાન કેમ કરી રહ્યું છે પાડોશીઓ પર હુમલો?
શનિવારે ઈઝરાયેલ અને અમેરિકી હુમલા બાદ ઈરાને અણધારી રીતે મોટા પાયે પાડોશી દેશો પર હુમલા કર્યા છે. એક્સપર્ટનું કહેવું છે કે ઈરાન આ પાડોશીઓ પર એક વ્યૂહરચના હેઠળ હુમલા કરી રહ્યું છે. યુએઈ અને કતાર જેવા દેશો મધ્ય પૂર્વમાં અમેરિકાના મોટા સહયોગી છે. તેહરાનનું માનવું છે કે હુમલા બાદ આ દેશોની સરકારો અમેરિકા પર દબાણ બનાવશે જેથી ઈરાન પરના હુમલા અટકે. જોકે, સૂત્રોનું કહેવું છે કે અખાતી દેશોએ ઈરાની હુમલા છતાં અમેરિકા પર દબાણ ન બનાવવાની નીતિ અપનાવી છે.

