US South Korea THAAD Defence: ઈરાની મિસાઈલોથી બચવા માટે અમેરિકાએ દક્ષિણ કોરિયાથી ‘થાડ’ (THAAD) એર ડિફેન્સ સિસ્ટમને ધીમે-ધીમે બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. તેની તૈનાતી મિડલ ઈસ્ટમાં કરવામાં આવી રહી છે. માત્ર થાડ એર ડિફેન્સ સિસ્ટમ જ નહીં, પરંતુ અમેરિકાએ દક્ષિણ કોરિયાથી અન્ય ઘણા મિલિટરી હાર્ડવેર પણ લઈ જવાનું શરૂ કર્યું છે. અમેરિકન મીડિયાએ મામલાથી પરિચિત બે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે પેન્ટાગોન થાડ સિસ્ટમના કેટલાક ભાગોને મિડલ ઈસ્ટ લઈ જઈ રહ્યું છે.
અમેરિકાના આ નિર્ણયથી દક્ષિણ કોરિયામાં ખળભળાટ મચી ગયો છે. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ જણાવ્યું છે કે દક્ષિણ કોરિયાને ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાદાઓ પર ઊંડો શંકા પેદા થઈ છે. તેણે ચેતવણી આપી છે કે પરમાણુ હથિયારો ધરાવતું ઉત્તર કોરિયા આ તકનો ફાયદો ઉઠાવી શકે છે. બીજી તરફ દક્ષિણ કોરિયામાં રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આખરે તેણે ઉત્તર કોરિયાના આટલા ગંભીર ખતરા સામે અમેરિકા પર ભરોસો જ કેમ કર્યો હતો? જ્યારે ઈરાનની બેલેસ્ટિક મિસાઈલો મિડલ ઈસ્ટમાં અમેરિકન લશ્કરી ઠેકાણાઓ અને ઈઝરાયેલમાં તબાહી મચાવી રહી છે.
અમેરિકાએ દક્ષિણ કોરિયાને આપ્યો ‘ધોકો’
જોકે, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ લોકોને ભરોસો અપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અમેરિકન એર ડિફેન્સ સિસ્ટમ વગર પણ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા તરફથી આવતા ખતરાઓને રોકવાની ક્ષમતા ધરાવે છે. રાષ્ટ્રપતિ લીએ કેબિનેટની બેઠક દરમિયાન કહ્યું કે, ‘જો પૂછવામાં આવે કે શું આનાથી ઉત્તર કોરિયા વિરુદ્ધ અમારી અટકાયતની વ્યૂહરચનામાં કોઈ મોટી રુકાવટ આવશે, તો હું ચોક્કસપણે કહી શકું છું કે એવું નહીં થાય.’ તેમણે વધુમાં ઉમેર્યું કે દક્ષિણ કોરિયા દુનિયામાં સૌથી વધુ ડિફેન્સ બજેટ પર ખર્ચ કરનારા દેશોની યાદીમાં આવે છે અને દેશનું સંરક્ષણ બજેટ ઉત્તર કોરિયાના GDP કરતા 1.4 ગણું વધારે છે.
દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુને શુક્રવારે કહ્યું કે US અને સાઉથ કોરિયાની સેનાઓ મિડલ ઈસ્ટમાં કેટલીક અમેરિકન ‘પેટ્રિઅટ’ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ફરીથી તૈનાત કરવા પર પણ ચર્ચા કરી રહી છે. બીજી તરફ દક્ષિણ કોરિયાના ઘણા અખબારોએ દાવો કર્યો છે કે કેટલીક મિસાઈલ બેટરીને સાઉદી અરેબિયા અને યુનાઈટેડ આરબ અમીરાતમાં અમેરિકન બેઝ પર તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. દક્ષિણ કોરિયાની સેનાના એક અધિકારીએ યોનહાપ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, ‘ઓપરેશનલ સિક્યુરિટીના કારણોસર અમે ખાસ લશ્કરી ક્ષમતા કે લશ્કરી હાર્ડવેરની હિલચાલ પર પ્રતિક્રિયા આપતા નથી.’
ઉત્તર કોરિયાના કિમ જોંગ માટે મોટી તક?
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કે વિદેશ મંત્રી ભલે ગમે તે દાવા કરે, પરંતુ હકીકત એ છે કે ઉત્તર કોરિયાની ઘાતક મિસાઈલો દેશ પર ભારે પડી શકે છે. અમેરિકન ડિફેન્સ સિસ્ટમ દક્ષિણ કોરિયાથી બહાર નીકળ્યા બાદ દેશની સુરક્ષા નબળી પડી ગઈ છે. ઉત્તર કોરિયાએ પણ ઈરાનની જેમ જ હથિયારોના નિર્માણમાં જ મોટો ખર્ચ કર્યો છે.
રાજધાની સિઓલ સ્થિત સાંગજી યુનિવર્સિટીમાં મિલિટરી સ્ટડીઝના પ્રોફેસર ચોઈ ગી-ઈલે કહ્યું કે, ‘એ વાતને લઈને ચિંતા છે કે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયાથી અમેરિકન હાર્ડવેરના બહાર જવાને લઈને ખોટો અંદાજ લગાવી શકે છે. તે દક્ષિણ કોરિયાના ડિફેન્સની કસોટી કરવા માટે નાના સ્તર પર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી શકે છે.’ દક્ષિણ કોરિયાનો ડર એટલા માટે પણ વ્યાજબી છે કારણ કે અમેરિકા ઈરાન સાથે એક ખતરનાક જંગમાં ગૂંચવાયેલું છે અને તે કોઈ પણ સંજોગોમાં પોતાના સાથી દેશોને બચાવવાની સ્થિતિમાં નથી.
દક્ષિણ કોરિયામાં અમેરિકન એર ડિફેન્સની તૈનાતી ક્યારે?
આશરે 10 વર્ષ પહેલા ઉત્તર કોરિયાના ખતરાને જોતા દક્ષિણ કોરિયાના શાંત ગામ સિયોંગજુમાં રાતોરાત અમેરિકી THAAD એર ડિફેન્સ સિસ્ટમને તૈનાત કરવામાં આવી હતી. તે સમયે દેશ પર ઉત્તર કોરિયાના બેલેસ્ટિક મિસાઈલ હુમલાનો ખતરો ઘણો વધારે હતો. તે સમયે દક્ષિણ કોરિયાની કન્ઝર્વેટિવ સરકારે ભાર મૂક્યો હતો કે ઉત્તર કોરિયાની મિસાઈલો સામે લડવા માટે અમેરિકન ડિફેન્સ સિસ્ટમનું હોવું ખૂબ જ જરૂરી છે. આ તૈનાતીથી ચીન અને રશિયા પણ નારાજ થયા હતા. પરંતુ હવે દક્ષિણ કોરિયા પોતાની જાતને ઠગાયેલું અનુભવી રહ્યું છે.

