Iran Warns Pakistan: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફને સાઉદીનો સાથ આપવા બદલ ચેતવણી આપી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘જ્યારે પણ જરૂર પડશે ત્યારે પાકિસ્તાન સાઉદી અરેબિયાની મદદ માટે આવશે’, ત્યારબાદ ઈરાનના રાષ્ટ્રપતિએ શહેબાઝ શરીફને ચેતવણી આપી છે. પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે ગયા વર્ષે નાટો (NATO) દેશો જેવો કરાર કર્યો હતો, જેના હેઠળ એક દેશ પરનો હુમલો બંને દેશો પરનો હુમલો માનવામાં આવશે.
ઈરાનના હુમલાઓ વચ્ચે બે દિવસ પહેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે રિયાધમાં સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સાઉદી અરેબિયા તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદીએ પાકિસ્તાન સાથેના ‘સંરક્ષણ કરાર’ ને એક્ટિવેટ કરી દીધો છે. જેના પછી હવે ઈરાનના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાનને ચેતવણી આપી છે કે ‘જો યુદ્ધની જવાબદારીને નજરઅંદાજ કરવામાં આવશે તો વિશ્વની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.’
ઈરાને સાઉદીની મદદ કરવા બદલ પાકિસ્તાનને આપી ચેતવણી
ઈરાની સરકારી મીડિયા અનુસાર, રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનએ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે ટેલિફોન પર થયેલી વાતચીતમાં ચેતવણી આપી છે કે ‘જો ઇન્ટરનેશનલ કોમ્યુનિટી યુદ્ધ માટે જવાબદાર લોકોને જવાબદાર નહીં ઠેરવે તો ગ્લોબલ ઓર્ડર અને વિશ્વની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.’ પેજેશ્કિયનએ કહ્યું કે ‘લડાઈ પાછળના લોકોને નજરઅંદાજ કરવાથી ઇન્ટરનેશનલ સિસ્ટમ વધુ અસ્થિર બનશે અને તેમણે ચાલી રહેલા યુદ્ધના પરિણામો પર વિશ્વનું વધુ ધ્યાન આપવાની અપીલ કરી.’
ઈરાનના રાષ્ટ્રપતિની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે શહેબાઝ શરીફના સલાહકાર મુશર્રફ ઝૈદીએ બુધવારે કહ્યું હતું કે ‘તેમાં કોઈ શંકા નથી કે અમે સાઉદી અરેબિયાની મદદ માટે આવીશું, પછી ભલે ગમે તે હોય અને જ્યારે પણ હોય.’ તેમણે કહ્યું હતું કે ‘સંરક્ષણ કરાર પહેલા પણ બંને દેશો હંમેશા એકબીજા માટે હાજર રહેવાના સિદ્ધાંત પર કામ કરતા રહ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે ‘ખરો પ્રશ્ન એ છે કે પાકિસ્તાન એ સુનિશ્ચિત કરવા માટે શું કરી રહ્યું છે કે પરિસ્થિતિ એવી ન બને કે તેના કોઈ સૌથી નજીકના ભાગીદાર એવા કોઈ ઝઘડામાં વધુ ગૂંચવાય જેનાથી આ વિસ્તારની સ્થિરતા અને ખુશહાલીને નુકસાન થઈ શકે.’
ખાડી દેશો પર મિસાઈલ હુમલા ચાલુ
સાઉદી અરેબિયાએ શનિવારે કહ્યું કે તેણે એક મોટા તેલ ક્ષેત્ર તરફ જઈ રહેલા ઈરાની ડ્રોનને તોડી પાડ્યું છે. ઈરાને સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો પર પણ હુમલા કર્યા છે. આ અઠવાડિયે જ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાઉદી અરેબિયા ગયા હતા અને દેશના ડિફેન્સ મિનિસ્ટર ખાલિદ બિન સલમાન અલ સઉદને મળ્યા હતા. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ મુજબ, આ દરમિયાન બંનેએ સાઉદી અરેબિયા પર ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને રોકવા માટે સાથે મળીને લેવાના પગલાં પર ચર્ચા કરી હતી.

