Soft Power Ranking: છઠા ગ્લોબલ સોફટ પાવર ઇન્ડેકસમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજુ સ્થાન ધરાવે છે. ઇન્ડેક્ષના તાજેતરના રિપોર્ટમાં ચીનને દુનિયાના સૌથી પ્રભાવશાળી દેશોમાંનો એક ગણાવ્યો છે.બ્રાંડ ફાયનાન્સે લિસ્ટ બહાર પાડયું છે જેમાં ચીને રેન્કિંગમાં બ્રિટનને પણ પાછળ રાખી દીધું છે.
ચીનને કુલ ૧૦૦ માંથી ૭૨.૮ અંક મળ્યા છે જે અત્યાર સુધીની સૌથી સર્વોચ્ચ રેન્કિંગ છે. ચીને સોફટ પાવરના આઠ માપદંડોમાંથી ૬ અને નકકી કરવામાં આવેલી વિશેષતાઓમાંથી બે તૃતિયાંશ જેટલી વૃધ્ધિ કરી છે. રિપોર્ટ અનુસાર ચીનની રેન્કિંગમાં આવેલો ઉછાળાનું કારણ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ, દેશમાં સ્થિરતા અને ઘરેલું બ્રાંડસની મજબૂતી જેવા ફેકટર્સ કામ કરે છે. ગ્લોબલ સોફટ પાવર ઇન્ડેકસમાં ૧૦૦ થી વધુ દેશોમાં ૧ લાખ ૭૦ હજાર લોકો વચ્ચે સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું આના આધારે જ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અમેરિકાને ૧૦૦ માંથી ૭૯.૫ અંક મળ્યા છે.
આ સાથે જ સોફટપાવરમાં અમેરિકાએ પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જો કે અમેરિકાની વૈશ્વિક પ્રતિષ્ઠામાં ઝડપથી ઘટાડો થયો છે. વૈશ્વિક પ્રતિષ્ઠા મામલે ચાર અંક ઘટવાની સાથે તે ૧૫ માં સ્થાને છે. ભારતને સોફટ પાવર ઇન્ડેકસમાં ૨૯માં સ્થાને રાખવામાં આવ્યું છે જે ૨૦૨૩માં ૨૮માં ક્રમે હતું તે જોતા ૧ અંકમાં વધારો થયો છે. ભારતની રેન્કિંગના આંકલન પરથી જણાય છે કે ભારતનો પોતાના ક્ષેત્રમાં પ્રભાવ વધતો જાય છે. જો કે રેપ્યુટેશન મુજબ તો ભારતની રેન્કિંગ જે આંકવામાં આવી છે તેના કરતા વધુ સારી હોવી જરુરી છે.
અનેક ફેકટર્સ છે જેના પર કામ કરીને ભારત ઇન્ડેકસમાં વધુ સારુ સ્થાન મેળવી શકે છે. ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇન્ક્રેડિબલ ઇન્ડિયા કેમ્પેઇનને વધારે મજબૂત બનાવવાની જરુર છે. ભારતમાં પર્યટનનો વિસ્તાર કરવા પર પણ ભાર મુકવાની જરુર છે. ગ્લોબલ સોફટ પાવરના ઇન્ડેકસમાં દુનિયા ભરના દેશોની ઇમેજનું આંકલન થાય છે. આના આધારે દુનિયાના કયા દેશનો કેટલો પ્રભાવ છે તે જાણી શકાય છે.

