Queen Elizabeth Jewellery: ક્વીન એલિઝાબેથ દ્વિતીયના શાહી આભૂષણોમાં છે હૈદરાબાદના નિઝામનો અમૂલ્ય નેકલેસ, જાણો ખાસિયત

Arati Parmar
4 Min Read

Queen Elizabeth Jewellery: બર્મીઝ રૂબી ટિયારા અને દિલ્હી દરબાર નેકલેસથી લઈને નિઝામના હીરાજડિત નેકલેસ સુધી, આવો જાણીએ ક્વીનના ખાસ આભૂષણો

Queen Elizabeth Jewellery: ક્વીન એલિઝાબેથ દ્વિતીય બ્રિટિશ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી (70 વર્ષ, 214 દિવસ) શાસન કરનાર શાસક હતાં. 1952થી 2022 સુધીના તેમના 70 વર્ષના શાસનકાળની ઘણી એવી બાબતો છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમાં તેમના આભૂષણોનું કલેક્શન સૌથી વિશેષ છે. તેમના કલેક્શનના આભૂષણો ઘણા વર્ષોમાં એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં તેમના લગ્ન સમયે મળેલી ભેટો, અગાઉની પેઢીઓ પાસેથી મળેલા કિંમતી રત્નો અને અન્ય ઐતિહાસિક વસ્તુઓનો સમાવેશ થાય છે. તેમાં હૈદરાબાદના નિઝામ પાસેથી મળેલો નેકલેસ પણ છે, જે અત્યંત વિશેષ છે.

ક્વીનના આભૂષણોના કલેક્શનમાં મોટા હીરાથી લઈને કોલંબિયન પન્ના, બર્માના રૂબી અને પ્લેટિનમથી બનેલા ભવ્ય ટિયારા (માથા પર પહેરવામાં આવતો તાજ) સુધીની દરેક વસ્તુ સામેલ રહી છે. તેમાં કેટલાક આભૂષણો રાજાશાહીના પ્રતીક છે, જે સદીઓથી ચાલ્યા આવે છે, જ્યારે કેટલાક ખાસ કરીને મોટા કારીગરોએ દિવંગત મહારાણી માટે બનાવ્યા હતા.

- Advertisement -

બર્મીઝ રૂબી ટિયારા

મહારાણી એલિઝાબેથ દ્વિતીયને વારસામાં મળેલા ઘણા શાહી આભૂષણોથી વિપરીત તેમનું બર્મીઝ રૂબી ટિયારા ખાસ કરીને તેમના માટે તૈયાર કરવામાં આવ્યું હતું. શાહી આભૂષણોમાં શૈલીની દૃષ્ટિએ તે અનોખું છે. 1971માં શાહી આભૂષણો બનાવતી કંપની ગેરાર્ડે આ ટિયારા બનાવ્યું હતું.

તે બનાવવામાં બર્માના લોકો દ્વારા મહારાણી એલિઝાબેથને તેમના લગ્નના સન્માનમાં આપવામાં આવેલા 96 બર્મીઝ રૂબી (માણિક)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટિયારાની રચના ફૂલો પર આધારિત છે, જેમાં રૂબીથી સજાવેલા ટ્યુડર ગુલાબના ચાર સમૂહ છે, જે હીરાની જડાવટથી ઘેરાયેલા છે.

- Advertisement -

દિલ્હી દરબાર નેકલેસ

દિલ્હી દરબાર નેકલેસ બ્રિટિશ શાહી આભૂષણોની ભવ્યતાનું ઉત્તમ ઉદાહરણ છે. 1911માં ભારતમાં યોજાયેલા દિલ્હી દરબાર માટે મહારાણી મેરીએ તેને બનાવડાવ્યો હતો, જેમાં નવ પન્ના જડેલા છે. તેના મધ્યમાં 8.8 કેરેટનો માર્ક્વિસ-કટ હીરો ‘કુલિનન VII’ લગાવવામાં આવ્યો છે, જેને પ્રસિદ્ધ કુલિનન હીરામાંથી કાપવામાં આવ્યો હતો.

વર્ષ 1953માં પોતાની દાદી પાસેથી વારસામાં મળ્યા બાદ આ નેકલેસ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના કલેક્શનનો ભાગ બની ગયો. ત્યારબાદ તેમને અનેક પ્રસંગો અને તસવીરોમાં તે પહેરેલા જોવા મળ્યા હતા. તેમાં 1956માં ફોટોગ્રાફર ડોરોથી વાઇલ્ડિંગ સાથે થયેલું છેલ્લું સિટિંગ પણ સામેલ છે.

- Advertisement -

ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડની ગર્લ્સ ટિયારા

ગ્રેટ બ્રિટન એન્ડ આયર્લેન્ડની ગર્લ્સ ટિયારા એવા કેટલાક શાહી ટિયારામાંનું એક છે, જે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના વારસા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે. 1893માં ગેરાર્ડ દ્વારા બનાવવામાં આવેલું આ ટિયારા પ્રિન્સેસ વિક્ટોરિયા મેરી ઑફ ટેકને લગ્નની ભેટ તરીકે આપવામાં આવ્યું હતું.

મહારાણી મેરીએ તેને પોતાની પૌત્રી યુકેની પ્રિન્સેસ એલિઝાબેથને 1947માં પ્રિન્સ ફિલિપ સાથે તેમના લગ્નની ભેટ તરીકે આપ્યું હતું. આ ટિયારામાં હીરાથી બનેલા સ્ક્રોલ અને ભૌમિતિક આકારો છે અને શરૂઆતમાં તેમાં મોતી લગાવવામાં આવ્યા હતા. તેને અનેક રીતે પહેરી શકાય તેમ હતું.

હૈદરાબાદના નિઝામ પાસેથી મળેલો નેકલેસ

નિઝામ ઑફ હૈદરાબાદ નેકલેસ એલિઝાબેથ દ્વિતીય સાથે જોડાયેલા સૌથી મહત્વપૂર્ણ આભૂષણોમાંનું એક છે. હૈદરાબાદના નિઝામે એલિઝાબેથને 1947માં પ્રિન્સ ફિલિપ સાથે તેમના લગ્ન માટે કાર્ટિયર પાસેથી કોઈ ભેટ પસંદ કરવા માટે આમંત્રિત કર્યા હતા. તેમણે પ્લેટિનમનો એક ભવ્ય નેકલેસ પસંદ કર્યો હતો, જેમાં 300 હીરા જડેલા હતા.

આ નેકલેસ કાર્ટિયરે ડિઝાઇન કર્યો હતો. આ નેકલેસમાં ફૂલો અને સ્ક્રોલ જેવું જટિલ ડિઝાઇન છે. તેમાં નેકલાઇન પર ડાયમંડના મોટિફ અને સુંદર અલગ કરી શકાય તેવું પેન્ડન્ટ લગાવવામાં આવ્યું છે. તેને ક્વીનના જ્વેલરી કલેક્શનમાં અત્યંત વિશેષ માનવામાં આવે છે.

Share This Article