Mojtaba Khamenei Missing Update 2026: ઇઝરાયેલ અને અમેરિકાએ એક સપ્તાહ પહેલા 28 ફેબ્રુઆરી, શનિવાર ના રોજ ઈરાન વિરુદ્ધ સૈન્ય હુમલાઓની શરૂઆત કરી હતી. આ હુમલાના 24 કલાકની અંદર જ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામૈનેઈ માર્યા ગયા હોવાના સમાચાર આવ્યા હતા. ઇઝરાયેલ અને અમેરિકી હુમલામાં ખામૈનેઈ ઉપરાંત તેમના પરિવારના ઘણા સભ્યો માર્યા ગયા છે, જેમાં તેમની પત્ની, પુત્રવધૂ અને પૌત્રો પણ સામેલ હતા. ખામૈનેઈના મૃત્યુના ત્રણ દિવસ બાદ જ એવા અહેવાલો આવ્યા હતા કે તેમના પુત્ર મોજતબા ખામૈનેઈ ને ઈરાનના આગામી સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ ઈરાનના આ સંભવિત આગામી સુપ્રીમ લીડરનો અત્યાર સુધી કોઈ પતો લાગ્યો નથી.
મોજતબા ખામૈનેઈ નજરોથી ગાયબ
પિતાના મૃત્યુ બાદ મોજતબા ખામૈનેઈ હજુ સુધી સામે આવ્યા નથી કે કોઈ નિવેદન પણ જારી કર્યું નથી. ઈરાની શાસને પણ હજુ સુધી તેમના વિશે કોઈ જાણકારી આપી નથી. આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે ઇઝરાયેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ખામૈનેઈના ઉત્તરાધિકારીને પણ નિશાન બનાવશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું છે કે ઉત્તરાધિકારી તરીકે ખામૈનેઈનો પુત્ર તેમની પસંદગી નથી.
પિતા, પુત્ર, પત્ની અને માતાનું મૃત્યુ
હાલમાં મોજતબા ખામૈનેઈ વિશે સ્પષ્ટપણે કંઈ જાણી શકાયું નથી. પરંતુ અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં તેઓ બચી ગયા હતા, જેમાં તેમના પિતા અલી ખામૈનેઈ માર્યા ગયા હતા. ખામૈનેઈનો મૃતદેહ તેહરાન સ્થિત તેમની ઓફિસના કમ્પાઉન્ડના કાટમાળમાંથી મળી આવ્યો હતો. અહેવાલો સૂચવે છે કે મોજતબાની પત્ની ઝહરા આદેલ, તેમના પુત્ર અને માતાનું પણ હુમલામાં મોત થયું હતું.
શનિવારે વહેલી સવારે ઇઝરાયેલની વાયુસેનાના ફાઇટર જેટ્સે ફરી એકવાર તેહરાનમાં ખામૈનેઈની તબાહ થયેલી ઓફિસ પર બોમ્બમારો કર્યો હતો. આ વખતે 50 ફાઇટર જેટ હુમલામાં સામેલ હતા, જેમના નિશાના પર બિલ્ડિંગની નીચે બનેલું અંડરગ્રાઉન્ડ બંકર હતું. ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે ઇન્ટેલિજન્સને માહિતી મળી હતી કે ઈરાની શાસનની એક ખૂબ જ સીનિયર વ્યક્તિ હુમલા સમયે બંકરની અંદર હાજર હતી.
કોણ છે મોજતબા ખામૈનેઈ?
મોજતબા ખામૈનેઈને તેમના પિતાની જેમ જ રૂઢિચુસ્ત માનવામાં આવે છે. તેમણે ઈરાનની અંદર વિરોધીઓને દબાવવા અને બાહ્ય દુશ્મનો સામે ટકરાવની તેમના પિતાની નીતિ અપનાવવાનું સમર્થન કર્યું છે.
56 વર્ષના મોજતબા એક મીડિયમ રેન્કના મૌલવી છે. તેઓ ઈરાનના કોમ શહેરમાં એક મદ્રેસામાં શિયા થિયોલોજી ભણાવે છે.
તેમણે ક્યારેય સરકારમાં કોઈ હોદ્દો સંભાળ્યો નથી, પરંતુ તેમને તેમના પિતાના ઇનર સર્કલ (નજીકના વર્તુળ) માં ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
વર્ષ 2019 માં અમેરિકાએ તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો. વોશિંગ્ટને કહ્યું હતું કે ભલે તેમની કોઈ સત્તાવાર ભૂમિકા નથી, પરંતુ તેઓ સુપ્રીમ લીડરનું પ્રતિનિધિત્વ કરે છે.

