ભારતીય વિમાનોને પાકિસ્તાની એરસ્પેસમાં પ્રવેશ નહીં મળે, પ્રતિબંધથી બંને દેશોને અબજોનું નુકસાન
Pakistan Airspace Ban: પાકિસ્તાને ભારતીય વિમાનોના પોતાના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પરનો પ્રતિબંધ ફરી લંબાવ્યો છે. પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) દ્વારા જાહેર કરાયેલા નોટિસ ટુ એરમેન (NOTAM) મુજબ, ભારતીય નાગરિક અને સૈન્ય વિમાનો માટે પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા પરનો પ્રતિબંધ હવે 24 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. ગયા મહિને પણ આ પ્રતિબંધ વધારવામાં આવ્યો હતો, જે 24 નવેમ્બર સુધી અમલી હતો. એપ્રિલ 2025માં થયેલા પહેલગામ આતંકી હુમલા અને ત્યારબાદ મે મહિનામાં ચાર દિવસ ચાલેલા સૈન્ય સંઘર્ષ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. તેના પગલે હવાઈ ક્ષેત્ર બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે.
આ પ્રતિબંધ હેઠળ ભારતમાં નોંધાયેલા તમામ વિમાનો, ભારતીય એરલાઇન્સની માલિકીનાં વિમાનો તેમજ તેમના દ્વારા સંચાલિત અથવા લીઝ પર લેવાયેલા વિમાનોને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે. ભારતીય સૈન્ય વિમાનો પર પણ આ પ્રતિબંધ લાગુ રહેશે. પહેલગામ હુમલા બાદ બંને દેશોએ એકબીજા માટે પોતપોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું. ત્યારથી દર મહિને આ પ્રતિબંધ લંબાવવામાં આવી રહ્યો છે.
એરસ્પેસ પ્રતિબંધથી મુશ્કેલી
હવાઈ ક્ષેત્ર પરના પ્રતિબંધને કારણે બંને દેશોની એરલાઇન્સની કામગીરી પર અસર પડી છે. કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને લાંબા માર્ગે ઉડાન ભરવી પડે છે. એર ઇન્ડિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે લાંબા માર્ગને કારણે કેટલીક લાંબા અંતરની ફ્લાઇટ્સમાં ત્રણ કલાક સુધીનો વધારાનો સમય લાગી રહ્યો છે.
પ્રતિબંધને કારણે એર ઇન્ડિયાએ યુરોપ અને ઉત્તર અમેરિકા જતી પોતાની ફ્લાઇટ્સના માર્ગમાં ફેરફાર કરવો પડ્યો છે. તેના કારણે મુસાફરીનો સમય ઘણો વધી ગયો છે. નિષ્ણાતોના મતે, આ સ્થિતિને કારણે ઉડ્ડયન ક્ષેત્રને દર વર્ષે 1.5 અબજ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. મુસાફરોએ પણ અનેક વખત વધુ ભાડું ચૂકવવું પડ્યું છે.
ભારત-પાકિસ્તાનને કેટલું નુકસાન?
રોયટર્સે ગયા વર્ષે એર ઇન્ડિયાના એક પત્રને ટાંકીને દાવો કર્યો હતો કે પાકિસ્તાની એરસ્પેસ પરના પ્રતિબંધને કારણે એર ઇન્ડિયાને 600 મિલિયન ડોલરનો વધારાનો ખર્ચ થયો હતો. અહેવાલ મુજબ, કંપનીએ કેન્દ્ર સરકાર પાસે નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી હતી. કંપનીનું કહેવું હતું કે આ પ્રતિબંધને કારણે તેને દર વર્ષે રૂ. 5,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
પાકિસ્તાનને થયેલા નુકસાનનો આંકડો પણ ગયા વર્ષે સામે આવ્યો હતો. પ્રતિબંધના શરૂઆતના બે થી ત્રણ મહિનામાં જ પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટીને રૂ. 4.1 અબજનું નુકસાન થયું હતું. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પણ ભારતીય વિમાનો માટે હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ઓવરફ્લાઇંગ રેવન્યુ એટલે કે પોતાના હવાઈ ક્ષેત્ર પરથી વિમાનો પસાર થવાથી થતી આવકમાં ઘટાડો થયો હોવાનું સ્વીકાર્યું હતું.
એરસ્પેસ પ્રતિબંધને કારણે ભારત અને પાકિસ્તાન બંનેને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જોકે, આ નુકસાનનો સત્તાવાર કુલ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ તે અબજો રૂપિયામાં હોવાનું સ્પષ્ટ છે. છેલ્લા 18 મહિનાથી આ સ્થિતિ યથાવત છે અને હાલ તેમાં ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી. બંને દેશો તરફથી સંબંધો સામાન્ય કરવાની કોઈ પહેલ પણ જોવા મળી રહી નથી.

