રાવલપિંડી: ઈમરાન ખાન, બુશરા બીબી, અલી ગાંડાપુર સહિત 75 વિરુદ્ધ આતંકવાદનો કેસ નોંધાયો

Reena Brahmbhatt
1 Min Read

એફઆઈઆરમાં આરોપ છે કે ઈમરાન ખાને કથિત રીતે પ્રદર્શનકારીઓને માર્ચ કરવા માટે ઉશ્કેર્યા હતા

રાવલપિંડી, 28 નવેમ્બર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સંસ્થાપક ઈમરાન ખાન, તેમની પત્ની બુશરા બીબી, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગાંડાપુર અને અન્ય પક્ષના નેતાઓ વિરુદ્ધ આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો છે. રાવલપિંડીના નસીરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ઈમરાન ખાનની બહેન અલીમા ખાન, ઓમર અયુબ, શેર્યાર રિયાઝ અને અન્ય 75 લોકોના નામ આપવામાં આવ્યા છે.

- Advertisement -

ARY ન્યૂઝ ચેનલના સમાચાર અનુસાર, FIRમાં આરોપ છે કે ઈમરાન ખાને કથિત રીતે 22 નવેમ્બરે ઈસ્લામાબાદ તરફ કૂચ કરવા માટે પ્રદર્શનકારીઓને ઉશ્કેર્યા હતા. બુશરા બીબીના સોશિયલ મીડિયા નિવેદને કાર્યકરોને ઉશ્કેર્યા હતા. આ તમામ પર રસ્તાઓ રોકવા અને પોલીસ અધિકારીઓ પર લાકડીઓ, ગોફણ, પથ્થરો અને ઈંટો વડે હુમલો કરવાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. FIRમાં પાકિસ્તાન પીનલ કોડની 15 અન્ય કલમો પણ સામેલ છે.

અગાઉ, હકલા ઇન્ટરચેન્જ નજીક હિંસક મુકાબલો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુ અને અન્યોને ઇજાઓ બાદ તક્ષશિલા પોલીસ સ્ટેશનમાં ઇમરાન ખાન વિરુદ્ધ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અલી અમીન ગાંડાપુર, સાલાર ખાન કાકર અને શાહિદ ખટ્ટક અને અન્યના નામ પણ નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન લગભગ એક વર્ષથી રાવલપિંડી સેન્ટ્રલ જેલ (અદિયાલા જેલ)માં બંધ છે. પીટીઆઈ તેમની માંગણીઓ અંગે અવાજ ઉઠાવી રહી છે.

- Advertisement -
Share This Article