Jamie Dimon Controversy: જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકામાં રોજેરોજ કંઈ ને કંઈ ઊંબાડિયું ચંપાતું જ રહે છે. તાજેતરમાં જે.પી.મોર્ગન ચેઝના સીઈઓ દ્વારા ભારતીય મૂળના અમેરિકન અધિકારીનું કરાયેલું અપમાન ચર્ચાને ચકડોળે ચઢ્યું છે. સીઈઓ જેમી ડિમોનનો એક ઓડિયો લીક થઈ ગયો હતો, જેમાં તેઓ અત્યંત અપમાનજનક ભાષામાં ગાળ દેતા સંભળાય છે.
શું બોલ્યા જેમી ડિમોન?
અમેરિકાના ઓહાયો રાજ્યના કોલંબસ શહેરમાં જેમી ડિમોન તેમના સાથીઓ સાથે વાત કરી રહ્યા હતા જે દરમિયાન બોલાયેલા તેમના શબ્દોનો ઓડિયો લીક થઈ ગયો હતો. ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, વાણિજ્યિક બેંકિંગ, સંપત્તિ વ્યવસ્થાપન અને અન્ય સેવાઓ પ્રદાન કરતી કંપની ‘જે.પી.મોર્ગન ચેઝ’ના સીઈઓ ડિમોન ઓડિયોમાં એવું બોલતા સંભળાય છે કે, ‘કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસમાં કામ કરવું જ જોઈએ, એમાં છૂટછાટની કોઈ શક્યતા નથી.’ સાથે જ ડિમોન CFPBના ભારતીય મૂળના ડિરેક્ટર રોહિત ચોપરાની ટીકા કરતા પણ સાંભળી શકાય છે.
રોહિત ચોપરાને ગાળ દીધી
CFPB અને તેના ડિરેક્ટર બાબતે ડિમોન બોલ્યા હતા કે, ‘CFPBએ કેટલાક સારા કામ કર્યા છે, તેના ગ્રાહક સુરક્ષા નિયમો સારા છે, પરંતુ તેના ડિરેક્ટર ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ રોહિત ચોપરા વિશે કહેવા માટે કશું જ સારું નથી. તેણે સત્તાનો દુરુપયોગ કર્યો છે. એ માણસ — ચોપરા કે પછી તેનું નામ ગમે તે હોય — અહંકારી છે, કોઈપણ વ્યક્તિ એ * સુધી પહોંચી જ નહોતી શકતી. તેણે અમેરિકનોની મુસીબત વધારવાના કામો કર્યા છે.’ ડિમોને રોહિત ચોપરા વિશે અહીં લખી પણ ન શકાય એટલી ભદ્દી ગાળનો પ્રયોગ કર્યો હતો.
CFPB ને નકામી ગણાવી
જેમી ડિમોને CFPB (કન્ઝ્યુમર ફાઈનાન્સિયલ પ્રોટેક્શન બ્યુરો) ને નકામી ગણાવતા કહ્યું હતું કે, ‘CFPB કશું જ નવું નહોતી કરતી. એના જેવું કામ OCC (ઓફિસ ઓફ કરન્સી કંટ્રોલર), ફેડ (ફેડરલ રિઝર્વ) અને FHA (ફેડરલ હાઉસિંગ એડમિનિસ્ટ્રેશન) જેવી ઘણી એજન્સીઓ અગાઉથી કરતી આવી જ છે. તેથી CFPB ની જરૂર જ નથી.’
શું છે CFPB?
CFPB (કન્ઝ્યુમર ફાઈનાન્સિયલ પ્રોટેક્શન બ્યુરો) એ અમેરિકાની કન્ઝ્યુમર વોચડોગ એજન્સી છે, જે ગ્રાહકોના હિતમાં કામ કરતી આવી છે. 2011માં સ્થપાયેલી આ એજન્સીએ આજ સુધીમાં 77 લાખથી વધુ ફરિયાદો પર કામ કરીને ગ્રાહકોને લગભગ 20 અબજ અમેરિકન ડોલરનો ફાયદો કરાવ્યો છે. વર્ષ 2021માં ભારતીય-અમેરિકન ઉદ્યોગપતિ રોહિત ચોપરા CFPB ના ત્રીજા ડિરેક્ટર તરીકે નિમાયા હતા.
CFPB ને ટ્રમ્પે તાળું માર્યું
તાજેતરમાં 1 ફેબ્રુઆરી, 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે રોહિત ચોપરાની CFPB ના ડિરેક્ટર પદેથી હાકલપટ્ટી કરી હતી. એના ગણતરીના દિવસો પછી ટ્રમ્પે આ એજન્સીના કર્મચારીઓને ઘરે જ બેસવાનું કહી દઈને એજન્સીના તમામ કામ બંધ કરાવી દીધા હતા. ટ્રમ્પે CFPB ને ‘સરકારી નાણાંનો દુરુપયોગ કરતી બદમાશ એજન્સી’ કહી હતી. તેમણે CFPB ના કર્મચારીઓને ‘દુષ્ટ’ ગણાવીને તેમનો હેતુ ‘અમેરિકન નાગરિકોનું નુકશાન કરવાનો’ કહ્યો હતો.

