H-1B Visa Rules: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામની દેખરેખ કડક બનાવતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પ પ્રશાસનનું કહેવું છે કે કેટલાક એમ્પ્લોયર્સ, થર્ડ-પાર્ટી પ્લેસમેન્ટ ગ્રુપ્સ અને આઉટસોર્સિંગ ફર્મ આ સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યા છે. તેઓ કુશળ અમેરિકી કર્મચારીઓની જગ્યાએ ઓછા પગારવાળા વિદેશી કર્મચારીઓને નોકરી આપી રહ્યા છે. આવી સ્થિતિમાં H-1B વિઝા પર એક લાખ ડોલરની ફી કડક રીતે લાગુ કરવાની અને આ પ્રોગ્રામની દેખરેખ વધારવાની જરૂર છે. આથી ભારતીય પ્રોફેશનલ્સની ચિંતા વધી શકે છે, કારણ કે અમેરિકાના H-1B વિઝાનો લાભ સૌથી વધુ ભારતના લોકોને મળતો રહ્યો છે.
વ્હાઇટ હાઉસ તરફથી શુક્રવારે જાહેર કરવામાં આવેલા આ ઓર્ડરને ‘H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામના એડમિનિસ્ટ્રેશનમાં પ્રોગ્રામની અખંડિતતા અને અલગ-અલગ એજન્સીઓ વચ્ચેના તાલમેલમાં સુધારો કરવો’ નામ આપવામાં આવ્યું છે. તેની પાછળ વેતનમાં તફાવત અને અમેરિકી નોકરીઓના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું કહે છે ઓર્ડર
ઓર્ડર અનુસાર, H-1B પ્રોગ્રામ ખાસ કૌશલ્ય અને નિષ્ણાતી ધરાવતા વિદેશી કામચલાઉ કર્મચારીઓને અમેરિકી અર્થવ્યવસ્થામાં લાવવા માટે બનાવવામાં આવ્યો હતો. વાસ્તવિક સ્થિતિ એ છે કે કુશળ અમેરિકી કર્મચારીઓને હટાવવા અને તેમની જગ્યાએ વિદેશી કર્મચારીઓને રાખવા માટે આ પ્રોગ્રામનો મોટા પાયે દુરુપયોગ કરવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે ઓછા ખર્ચવાળા H-1B કર્મચારીઓ સ્થાનિક વેતન પર દબાણ ઊભું કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સમાન વેતનના કાયદાકીય નિયમો હોવા છતાં H-1B વિઝા ધારકો H-1B પર નિર્ભર ઉદ્યોગોમાં સમાન કામ કરતા અમેરિકામાં જન્મેલા કર્મચારીઓની સરખામણીમાં 9,000થી 20,000 ડોલર ઓછું કમાય છે.
અમેરિકનોને નોકરીમાંથી કાઢવામાં આવ્યા!
ઓર્ડરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ટેક્નોલોજી સેક્ટરના એમ્પ્લોયર્સે લાખો કર્મચારીઓ માટે H-1B વિઝાની માંગ કરી, જ્યારે 2022થી 2026 દરમિયાન 800,000થી 1.3 મિલિયન અમેરિકી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. કેટલાક એમ્પ્લોયર્સે નોકરીમાંથી કાઢવામાં આવેલા અમેરિકી કર્મચારીઓ પાસેથી જ તેમની જગ્યાએ આવનારા વિદેશી કર્મચારીઓને તાલીમ અપાવી.
ઓર્ડરમાં લખવામાં આવ્યું છે કે ઓછા ખર્ચવાળા H-1B કર્મચારીઓનો દુરુપયોગ સ્થાનિક વેતન પર દબાણ ઊભું કરે છે. H-1B વિઝા ધારકો અમેરિકામાં જન્મેલા સમાન કર્મચારીઓની સરખામણીમાં ઓછું કમાય છે, જ્યારે કાયદાકીય નિયમ એ છે કે H-1B કર્મચારીઓને તેમના સ્થાનિક સહકર્મચારીઓ જેટલું જ વેતન આપવામાં આવે.
ભારતીયો પર અસર
H-1B પ્રોગ્રામ હેઠળ અમેરિકી કંપનીઓ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, શિક્ષણ અને રિસર્ચ જેવા ખાસ ક્ષેત્રોમાં વિદેશી કર્મચારીઓને નોકરી આપી શકે છે. અમેરિકા દર વર્ષે 65,000 નિયમિત H-1B વિઝા અને એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા કર્મચારીઓ માટે 20,000 વિઝા જારી કરે છે. ફીમાં વધારો અને કથિત કડક દેખરેખની સૌથી વધુ અસર ભારતીયો પર જ પડશે.
નાણાકીય વર્ષ 2025માં અમેરિકાનું H-1B વિઝા મેળવનારા 70 ટકાથી વધુ કર્મચારીઓ ભારતના હતા. ત્યારબાદ ચીનના 12 ટકા અને પછી અન્ય દેશોના લોકો હતા. સ્વાભાવિક રીતે, જો આ વિઝા સૌથી વધુ ભારતીયોને મળી રહ્યા છે તો તેની અસર પણ તેમના પર જ વધુ થશે. વધુ પડતી દેખરેખ અને દબાણને કારણે અમેરિકી કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાનું મુશ્કેલ બનશે.

