Bahrain Kuwait Air Strike Iran: ઈરાની હુમલાઓનો જવાબ આપતાં બહેરીન અને કુવૈતે પણ ઈરાનની અંદર ઘૂસીને હુમલા કર્યા છે. વૉલ સ્ટ્રીટ જર્નલે મામલાની જાણકારી ધરાવતા લોકોના હવાલાથી આ સમાચાર આપ્યા છે. આ પહેલી વખત છે જ્યારે બહેરીન અને કુવૈત આ યુદ્ધમાં સીધા રીતે સામેલ થયા છે. જોકે બંને દેશોએ સત્તાવાર રીતે આ હુમલાની પુષ્ટિ કરી નથી. પરંતુ આ એ વાતનો સંકેત છે કે જેમ જેમ યુદ્ધ લાંબું ખેંચાઈ રહ્યું છે તેમ અરબ દેશો મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાતા જઈ રહ્યા છે.
અહેવાલ અનુસાર બહેરીન અને કુવૈતે આ હુમલા આ મહિનાની શરૂઆતમાં કર્યા હતા અને તેમણે ઈરાનના એક મહત્વપૂર્ણ ડ્રોન અને મિસાઇલ સંગ્રહ ડેપોને ધ્વસ્ત કરી દીધો હતો. જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા મુજબ સંયુક્ત આરબ અમીરાત, જેણે યુદ્ધની શરૂઆતમાં અનેક વખત ઈરાન પર હુમલા કર્યા હતા, તેણે ઈરાનનો સામનો કરવા અરબ દેશો વચ્ચે વધી રહેલા સહકારને દર્શાવતા હુમલાના લક્ષ્યો અંગે માહિતી અને સુરક્ષા માટે હવાઈ કવર પૂરું પાડ્યું હતું.
બહેરીન અને કુવૈતે ઈરાનમાં હુમલા શા માટે કર્યા?
ઈતિહાસમાં આ પહેલી વખત છે જ્યારે આ બંને નાના ખાડી દેશોએ સીધા ઈરાનની ધરતી પર બોમ્બમારો કર્યો છે. આ અત્યંત જોખમી અભિયાનમાં સંયુક્ત આરબ અમીરાતે બંને દેશોને ગુપ્તચર માહિતી અને સુરક્ષા માટે ડિફેન્સિવ એર કવર પૂરું પાડ્યું હતું. હકીકતમાં બહેરીનમાં અમેરિકી નૌકાદળનો પાંચમો કાફલો તૈનાત છે અને કુવૈતમાં પણ અમેરિકાનું મોટું સૈન્ય મથક આવેલું છે. ઈરાન સતત આ દેશોમાં આવેલા અમેરિકી મથકોને નિશાન બનાવી રહ્યું હતું.
ગયા કેટલાક અઠવાડિયામાં ઈરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓએ કુવૈતના વીજળી અને પાણીના પ્લાન્ટોને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું અને બહેરીનના રહેણાંક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જ્યો હતો. સતત થતા હુમલાઓનો જવાબ આપ્યા વિના સહન કરવાના બદલે બંને ખાડી દેશોએ નક્કી કર્યું કે તેઓ ઈરાનને તેની જ ધરતી પર જવાબ આપશે.
મામલાની જાણકારી ધરાવતા સૂત્રોએ વૉલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે ખાડીના આ બંને દેશોની વાયુસેનાઓ પ્રમાણમાં નાની છે અને તેમાં અમેરિકી તથા યુરોપીયન વિમાનો સામેલ છે, પરંતુ તેઓ તેહરાનને કોઈ જવાબી કાર્યવાહી વિના સતત તેમના પર હુમલા કરવાની છૂટ આપવા તૈયાર નહોતા.
મધ્ય પૂર્વમાં સતત વધી રહ્યો છે યુદ્ધનો વ્યાપ
અહેવાલ અનુસાર સાઉદી અરબ યુદ્ધના પ્રારંભિક તબક્કામાં ઈરાન વિરુદ્ધ હુમલાઓમાં સંયુક્ત આરબ અમીરાત સાથે જોડાયું હતું, પરંતુ હવે તે પોતાની સ્થિતિ પર ફરીથી વિચાર કરી રહ્યું છે. પરંતુ બહેરીન અને કુવૈત જેવા પ્રમાણમાં શાંત અને નાના સૈન્ય ધરાવતા દેશોનું આ યુદ્ધમાં સીધું જોડાવું એ દર્શાવે છે કે આખો ખાડી વિસ્તાર હવે ઈરાન વિરુદ્ધ એકજૂટ થઈ રહ્યો છે. આ સંઘર્ષને કારણે હોર્મુઝ જળમાર્ગમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠો પ્રભાવિત થઈ રહ્યો છે અને કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલરથી ઉપર પહોંચી ગયા છે.

