Israel Election Arab Parties: ઇઝરાયેલમાં ચૂંટણી બાદ કોઈ પક્ષને બહુમતી ન મળતાં ગઠબંધન રચવાના પ્રયાસો તેજ બન્યા છે. 27 ઑક્ટોબરે યોજાયેલી ચૂંટણીમાં નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 53 બેઠકો મળી છે અને તે સૌથી આગળ છે. બીજી તરફ, વિપક્ષી યહૂદી ગઠબંધનને 48 બેઠકો મળી છે. આનો અર્થ એ છે કે કોઈપણ પક્ષ 61 બેઠકોના બહુમતીના આંકડા સુધી પહોંચી શક્યો નથી. આ દરમિયાન અરબ પક્ષોનું કહેવું છે કે તેઓ નેતન્યાહૂને હટાવવા માટે વિપક્ષને સાથ આપવા તૈયાર છે.
અરબ પક્ષોને 19 બેઠકો મળી છે, જે ઇઝરાયેલના અત્યાર સુધીના ચૂંટણી ઇતિહાસમાં સૌથી વધુ છે. આ રીતે તેઓ કિંગમેકરની સ્થિતિમાં છે. તેઓ જે પણ ગઠબંધન સાથે જોડાશે, તેની સરકાર બની શકે છે. હાલ અરબ પક્ષોએ વિપક્ષી યહૂદી ગઠબંધનને સમર્થન આપવાની વાત કહી છે. ઇઝરાયેલી-અરબ લૉબિસ્ટ જાફર ફરાહે ધ ટેલિગ્રાફ સાથેની વાતચીતમાં કહ્યું કે બંને અરબ પક્ષો, જોઇન્ટ લિસ્ટ અને રામ (Ra’am), રાષ્ટ્રપતિ ઇસહાક હર્ઝોગ સમક્ષ આઇઝેનકોટના નેતૃત્વ હેઠળના વિપક્ષને પોતાનું સમર્થન આપશે.
જોઇન્ટ લિસ્ટનું વિપક્ષને સમર્થન
જોઇન્ટ લિસ્ટમાં બીજા ક્રમે રહેલા સાંસદ અહમદ તિબીએ કહ્યું છે કે તેમની પાર્ટી નવી સરકાર રચવા માટે નેતન્યાહૂ વિરોધી યહૂદી પક્ષોને સમર્થન આપવા તૈયાર છે.
જોકે, તેમણે કહ્યું કે પાર્ટી ગઠબંધનમાં સામેલ નહીં થાય. શનિવારે મીટ ધ પ્રેસ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “અમે સરકારનો ભાગ નહીં બનીએ.”
તિબીએ કહ્યું કે તેમની પાર્ટી ગઠબંધનની પ્રક્રિયાને સરળ બનાવવા માગે છે, મુશ્કેલ નહીં.
તિબીએ એમ પણ કહ્યું કે જોઇન્ટ લિસ્ટ નેસેટના અધ્યક્ષ અમીર ઓહાનાને પદ પરથી હટાવવાનું સમર્થન કરે છે.
તિબીએ કહ્યું કે તેઓ નેસેટ (ઇઝરાયેલની સંસદ)ને ભંગ કરવા માટે કોઈ ખરડો રજૂ કરશે નહીં. કેટલાક સમજૂતીઓના બદલામાં સરકારને બહારથી સમર્થન આપશે.
જોઇન્ટ લિસ્ટની વિપક્ષી જૂથ સાથે વાતચીત
આ દરમિયાન જોઇન્ટ લિસ્ટ પાર્ટીના અધ્યક્ષ યુસુફ જબરીને એક અલગ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે નેતન્યાહૂ વિરોધી જૂથના મોટા ભાગના નેતાઓ સાથે પ્રારંભિક વાતચીત થઈ ચૂકી છે. પરંતુ તેમણે હમાસને આતંકવાદી સંગઠન માનવાનો ઇનકાર કર્યો હતો. તેના કારણે ગઠબંધન અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે, કારણ કે વિપક્ષી નેતા અને પૂર્વ આર્મી ચીફ ગાદી આઇઝેનકોટે સમર્થન માટે હમાસને આતંકવાદી સંગઠન માનવાની શરતને મુખ્ય શરત ગણાવી છે.
આઇઝેનકોટની 4 શરતો
શનિવારે યશાર પાર્ટીના અધ્યક્ષ ગાદી આઇઝેનકોટે ગઠબંધનમાં સામેલ થવા માટે ચાર શરતો મૂકી છે. તેમણે કહ્યું કે જે પણ સાંસદ આ શરતો સ્વીકારવા તૈયાર હશે, તે આગામી સરકારમાં ભાગીદાર બની શકે છે. આઇઝેનકોટની શરતો નીચે મુજબ છે.
ઇઝરાયેલને યહૂદી, લોકશાહી, ઉદાર અને સમાન અધિકારો ધરાવતા દેશ તરીકે માન્યતા આપવી.
સ્વતંત્રતાની ઘોષણાનાં મૂળ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવી.
તમામ ઇઝરાયેલી નાગરિકો માટે લશ્કરી, રાષ્ટ્રીય અથવા નાગરિક સેવા ફરજિયાત બનાવવી.
હમાસને આતંકવાદી સંગઠન તરીકે માન્યતા આપવી અને ગાઝા પટ્ટીમાં તેની લશ્કરી તથા શાસન શક્તિનો નાશ કરવાની જવાબદારી સ્વીકારવી.
આઇઝેનકોટ લેપિડને મળ્યા
શનિવારે સાંજે આઇઝેનકોટે પોતાના સહયોગી યાયર લેપિડ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ચૂંટણીનાં પરિણામો અને આગળનાં પગલાં અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગાદી આઇઝેનકોટની યશાર પાર્ટીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે તેના અનેક સભ્યોને નેતન્યાહૂની લિકુડ પાર્ટીના સાંસદો અને મંત્રીઓએ ફોન કર્યા છે.

