Supreme Court Judges: ભારતમાં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધશે, જાણો અમેરિકા સહિત અન્ય દેશોમાં કેટલા જજ છે

Arati Parmar
4 Min Read

Supreme Court Judges: ભારતમાં ન્યાયની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવામાં આવી રહી છે. હાલમાં અહીં 34 જજ છે, જેને વધારીને 38 કરવામાં આવવાની તૈયારી છે. આ સંબંધમાં સંસદમાં વિધેયક પણ રજૂ કરવામાં આવી ચૂક્યું છે. વર્તમાન ચોમાસુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના હોબાળા વચ્ચે કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે બિલ રજૂ કર્યું હતું. સરકારનું કહેવું છે કે આ પહેલનો હેતુ દેશમાં વધતા બાકી રહેલા કેસોના ભારને ઘટાડવાનો અને ઝડપથી ન્યાય સુનિશ્ચિત કરવાનો છે.

ભારતની સુપ્રીમ કોર્ટમાં હવે કુલ 38 જજ છે. તેમાં એક ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ઉપરાંત 37 અન્ય જજ છે. જ્યારે દેશભરની 25 હાઈ કોર્ટમાં 1,122 જજ છે. જિલ્લા અદાલતોની વાત કરીએ તો આ સંખ્યા 22 હજાર 630 સુધી પહોંચે છે. આ સાથે જ વિશ્વના બીજા સૌથી મોટા લોકતાંત્રિક દેશ અમેરિકા માં જ્યુડિશિયલ સિસ્ટમ અને જજોની સંખ્યા વિશે પણ જાણીએ.

- Advertisement -

યુનાઇટેડ સ્ટેટ ઑફ અમેરિકા ની વાત કરીએ તો અહીં ફેડરલ સિસ્ટમ હેઠળ સુપ્રીમ કોર્ટમાં 9 જસ્ટિસ છે. તેમાં એક ચીફ જસ્ટિસ અને 8 એસોસિએટ જસ્ટિસ છે. ત્યારબાદ રીજનલ સર્કિટમાં કોર્ટ ઑફ અપીલ આવે છે, જેમાં 179 ઓથોરાઇઝ્ડ એટલે કે અધિકૃત જજ હોય છે. ત્યારબાદ જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 677 ઓથોરાઇઝ્ડ પરમેનન્ટ જજ, મેજિસ્ટ્રેટ અને બેન્કરપ્સી જજ હોય છે. જ્યારે સ્ટેટ કોર્ટમાં તમામ 50 રાજ્યોમાં મળીને અંદાજે 30 હજાર જજ છે, જે લોકલ, સિવિલ અને ક્રિમિનલ કેસોની સુનાવણી કરે છે.

બ્રિટન

- Advertisement -

સુપ્રીમ કોર્ટ ઑફ ધ યુનાઇટેડ કિંગડમમાં કુલ 12 જજ હોય છે. તેમાં એક પ્રેસિડેન્ટ, એક ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને 10 જસ્ટિસનો સમાવેશ થાય છે. આ દેશની સર્વોચ્ચ અદાલત છે. ત્યારબાદ કોર્ટ ઑફ અપીલ અને હાઈ કોર્ટ આવે છે. તેમાં કુલ 108 જજ છે. ત્યારબાદ લોઅર અને રીજનલ કોર્ટ્સ આવે છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં કુલ 3,100 જ્યુડિશિયલ ઑફિસ હોલ્ડર છે. જ્યારે સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયરલેન્ડમાં અલગ અને સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા છે.

જાપાન

- Advertisement -

એશિયાઈ દેશ જાપાનની ન્યાય વ્યવસ્થાની વાત કરીએ તો અહીંની સુપ્રીમ કોર્ટ ઑફ જસ્ટિસમાં કુલ 15 સભ્યો હોય છે. તેમાં એક ચીફ જસ્ટિસ અને 14 એસોસિએટ જસ્ટિસનો સમાવેશ થાય છે. ત્યારબાદ આશરે 2,700 કરિયર જજ છે, જે હાઈ કોર્ટથી લઈને ડિસ્ટ્રિક્ટ અને ફેમિલી કોર્ટ સુધી કાર્યરત છે.

કેનેડા

કેનેડાની સુપ્રીમ કોર્ટમાં કુલ 9 જજ હોય છે. તેમાં એક ચીફ જસ્ટિસ અને 8 જજનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેડરલ સ્તરે નિયુક્ત કરાયેલા જજોની સંખ્યા 1,100 સુધી હોઈ શકે છે. તેઓ સુપીરિયર કોર્ટથી લઈને ફેડરલ કોર્ટ, ફેડરલ કોર્ટ ઑફ અપીલ અને ટેક્સ કોર્ટ સુધી કાર્યરત હોય છે. ત્યારબાદ પ્રોવિન્શિયલ અને ટેરિટોરિયલ અદાલતો આવે છે. અહીં હજારોની સંખ્યામાં સિવિલ અને ક્રિમિનલ મામલાઓ માટે જજ કાર્યરત છે.

જર્મની

જર્મનીની વાત કરીએ તો અહીં દેશભરમાં 20 હજારથી વધુ એક્ટિવ જજ કાર્યરત છે. અહીંની સર્વોચ્ચ ફેડરલ કૉન્સ્ટિટ્યુશનલ કોર્ટમાં કુલ 16 જજ હોય છે. તેઓ 8-8ના બે જૂથમાં વહેંચાયેલા હોય છે. ત્યારબાદ સુપ્રીમ ફેડરલ કોર્ટ્સમાં અંદાજે 150થી 200 જેટલા ફેડરલ સ્તરના જજ કાર્યરત છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી અદાલત હાઈ કોર્ટ છે. તેમાં કુલ 7 જજ હોય છે, જેમાં એક ચીફ જસ્ટિસ અને 6 જસ્ટિસનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેડરલ સર્કિટ અને ફેમિલી કોર્ટ આવે છે. તેના ડિવિઝન 1માં 35 સ્પેશિયાલિસ્ટ ફેમિલી કાયદા જજ છે, જ્યારે ડિવિઝન 2માં 87 જજ કાર્યરત છે.

Share This Article