ગાઝાપટ્ટી પર આખરી હુમલાની ઇઝરાયલની તૈયારી
ગાઝાપટ્ટી પર આખરી હુમલાની ઇઝરાયલની તૈયારી
નવી દિલ્હી, તા. 15 : હમાસના હુમલા બાદ ગાઝાપટ્ટીને જાણે નેસ્તનાબૂદ કરવા નીકળી ગયેલા ઈઝરાયલે આજે ગાઝા ખાલી કરી દેવા આમ જનતાને આપેલી સમયમર્યાદા પૂરી થઇ હતી. ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ તાકીદની બેઠક બોલાવી વ્યૂહરચના અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે, અમે તૂટશું નહીં, હમાસને નષ્ટ કરીને જ જંપશું. ઈઝરાયલ હવે જળ, થલ અને નભ એમ ત્રણેય મોરચે ગાઝા ઉપર ત્રાટકીને આખાય વિસ્તારને ખેદાન-મેદાન કરે તેટલી જ વાર છે. ઈઝરાયલી સેનાની ત્રણેય પાંખ હવે આખરી આદેશની રાહ જોઈ રહી છે. દરમ્યાન, હિઝબુલ્લાહે ઇઝરાયલી દળો પર મિસાઇલ હુમલા કર્યા બાદ ઇઝરાયેલે પણ વળતો વાર કર્યો હતો. બીજીબાજુ ગાઝામાં ચોમેર દહેશત ફેલાઈ ગઈ હતી અને હજારોની સંખ્યામાં લોકો હિજરત કરવા લાગ્યા હતા. જો કે હમાસનાં આતંકવાદીઓએ તેમને બહાર નીકળતા અટકાવવાના પ્રયાસ કર્યા હતા. જેથી માનવઢાલ તરીકે તેમનો ઉપયોગ થઈ શકે. ગાઝામાં અનાજ-પાણીની અછતથી ગંભીર સ્થિતિ સર્જાઇ છે. ગાઝા પટ્ટીમાં હમાસના આતંકવાદીઓ સામે અભિયાન નિર્ણાયક ચરણમાં પહોંચે તે પહેલા ઈઝરાયલે આજે હમાસના વધુ એક કમાન્ડરને પણ મોતની ચાદર ઓઢાડી દીધી હતી. બિલાલ અલ કેદરા હમાસની નૌસેનામાં સ્પેશિયલ યુનિટ નુખબા ફોર્સનો કમાન્ડર હતો અને દક્ષિણી ગાઝાપટ્ટીમાં ખાન યુનિસ વિસ્તારમાં છૂપાયેલો હોવાની બાતમીના આધારે હવાઈ હુમલો કરીને તેનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો. ઈઝરાયલની સેનાએ આ કાર્યવાહીનો વીડિયો પણ જારી કર્યો હતો. ઈઝરાયલની વાયુસેનાએ ખાન યુનિસ, જેતુન અને જબાલિયા પશ્ચિમ વિસ્તારોમાં 100 જેટલાં ઠેકાણાઓ ઉપર બોમ્બમારો ચલાવી દીધો હતો. જેમાં હમાસની એન્ટી ટેન્ક મિસાઇલો અને તેનાં લોંચ પેડ પણ તબાહ કરી નાખવામાં આવેલા. ઈઝરાયલની સેનાના પ્રવક્તા રિચર્ડ હેચટે ઉત્તરી ગાઝાના નાગરિકોને વિસ્તાર ખાલી કરી દેવામાં જરાય વિલંબ નહીં કરવાની ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, હવાઈ, સમુદ્રી અને જમીન માર્ગે હુમલાની તૈયારી ચાલી રહી છે. ઉત્તર ગાઝામાં આશરે 11 લાખ જેટલી વસ્તી છે. આટલી જંગી વસ્તીને અમુક કલાકોમાં સ્થળાંતરિત કરવાનું લગભગ અસંભવ જેવું કામ હતું. હવે આ લોકો સુરક્ષિત સ્થાનો ઉપર ખસી જાય તે પહેલાં ઈઝરાયલી દળો ધાબો બોલાવે છે કે નહીં તે જોવા આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે.
