Lewis Pugh Swim: બ્રિટિશ તરવૈયા લુઇસ પ્યુએ હોર્મુઝ સ્ટ્રેટમાં વિસ્ફોટોના જોખમ અને સળગતાં ઓઇલ ટેન્કરો વચ્ચે તરણ કર્યું છે. પર્યાવરણ સંબંધિત જોખમો અંગે જાગૃતિ ફેલાવવા માટે તેઓ હોર્મુઝના પાણીમાં તર્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટ છેલ્લા નવ મહિનાથી ઈરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધનું કેન્દ્ર રહ્યું છે. આ દરિયાઈ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર હુમલાનું જોખમ યથાવત છે. આ જોખમ વચ્ચે લુઇસે અહીં તરણ કર્યું છે.
અહેવાલ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના ઓશન પેટ્રન એટલે કે મહાસાગરના સંરક્ષક એથ્લીટ પ્યુએ આ અઠવાડિયે ત્રણ દિવસ સુધી આ જોખમી દરિયાઈ માર્ગના અનેક ભાગોમાં તરણ કરીને બતાવવાનો પ્રયાસ કર્યો કે ઈરાન સાથે ચાલી રહેલું અમેરિકા-ઇઝરાયેલનું યુદ્ધ આ વિસ્તારના કુદરતી રહેઠાણ અને વન્યજીવો માટે કેટલું મોટું જોખમ ઊભું કરી રહ્યું છે.
15 કિમીનું તરણ
સ્વિમિંગ ટ્રંક્સ, ગોગલ્સ અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના લોગોવાળી ટોપી પહેરીને પ્યુએ હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ છેડે આવેલા મુસંદમ દ્વીપકલ્પથી તરણ શરૂ કર્યું હતું અને કેપ ઑફ હોર્મુઝની આસપાસ ફરીને તેને પૂર્ણ કર્યું હતું. તેમણે કુલ 15 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ઈરાન યુદ્ધ શરૂ થયા પછી આટલું લાંબું તરણ કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ છે.
તરવૈયા પ્યુએ લંડન પરત ફર્યા બાદ જણાવ્યું કે પાણીમાં ઉતર્યાની થોડી જ મિનિટોમાં તેમણે બે જોરદાર ધડાકા સાંભળ્યા હતા, જેના કારણે આખો સમુદ્ર ધ્રૂજી ઊઠ્યો હતો. મારાથી માત્ર ચાર કિલોમીટર દૂર એક ઓઇલ ટેન્કર પર હુમલો થયો હતો. ત્યારબાદ ત્યાં લડાકુ વિમાનો પણ આવી પહોંચ્યાં હતાં. એ જ ક્ષણે મને સમજાયું કે આપણે અહીંથી તાત્કાલિક નીકળી જવું જોઈએ.
પ્યુની નજર સામે થયા વિસ્ફોટ
56 વર્ષીય પ્યુએ અનેકવાર અટકીને ફરી આગળ વધવા છતાં પોતાનું આ સાહસ પૂર્ણ કર્યું હતું. આ દરમિયાન તેમણે એવા જહાજ પાસેથી પણ પસાર થવું પડ્યું હતું, જેના પર હુમલા બાદ આગના ગોળા ઊઠી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘જે રીતે જહાજોને ડુબાડવામાં આવી રહ્યાં છે, તેનાથી આખો વિસ્તાર જોખમમાં છે. આ વિસ્તારને પહેલાં જેવી સ્થિતિમાં આવતાં અનેક દાયકાઓ લાગી જશે.’
હોર્મુઝમાં ક્ષતિગ્રસ્ત ટેન્કરોમાંથી ફેલાતું તેલનું પ્રદૂષણ ડૉલ્ફિન અને મેન્ગ્રોવ માટે જોખમ બની ગયું છે. ઘણા ટેન્કરો તેહરાન દ્વારા બિછાવવામાં આવેલી દરિયાઈ સુરંગો (સી માઇન્સ) સાથે અથડાઈ ગયા છે. કેટલાક કિસ્સાઓમાં તેમાં વિસ્ફોટ થયો હતો અને તે આગની લપેટમાં આવી ગયા હતા. આના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ પર સીધી અસર પડી છે.
‘સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસમાં સફર પૂરી કરી’
સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેં ત્રણ દિવસમાં આ સફર પૂરી કરી હતી, જેમાં કુલ સાડા છ કલાક સુધી તરણ કર્યું હતું. બીજા દિવસે જ્યારે હું બંદર પર પરત ફરી રહ્યો હતો, ત્યારે એક ગેસ કેરિયર જહાજને અથડાતું જોયું હતું. – લુઇસ પ્યુ
પ્યુએ દુનિયાને ચેતવણી આપી છે કે ફેબ્રુઆરીથી અત્યાર સુધી ક્ષતિગ્રસ્ત થયેલા ડઝનબંધ ટેન્કરોમાંથી લીક થતું તેલ આ વિસ્તારનાં પ્રાણીઓની સાથે દરિયાકિનારા, કોરલ રીફ (પરવાળાની ખડક રચનાઓ) અને મેન્ગ્રોવ વનો માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. તેલ અથવા રાસાયણિક પ્રદૂષણ ફેલાય તો આ પ્રકારની ગંદકી સાફ કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે.

