Nepal Flood Missing Indians: નેપાળના પૂરથી લાપતા 213 ભારતીયોને મૃત જાહેર કરવાની તૈયારી, પરિવારજનોને 2 ડિસેમ્બર સુધી વાંધા નોંધાવવાની તક

Arati Parmar
3 Min Read
Nepal Flood Missing Indians

Nepal Flood Missing Indians: નેપાળ સરકારે ઓગસ્ટમાં ત્રિશૂલી-ભોટેકોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ લાપતા થયેલા 213 ભારતીય નાગરિકોને મૃત જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)એ 26 ઓગસ્ટે વિનાશક પૂર આવ્યા બાદ લાપતા થયેલા નેપાળી અને ભારતીય નાગરિકોની યાદી પ્રસિદ્ધ કરી છે. આ પૂરમાં ઓછામાં ઓછા 1,500 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

19 દેશોના કુલ 623 વિદેશી નાગરિકો લાપતા

NDRRMA અનુસાર, 19 દેશોના કુલ 623 વિદેશી નાગરિકો લાપતા થયા હતા. આ યાદીમાં કુલ 3,915 લોકોનાં નામ છે, જેમાં 3,292 નેપાળી નાગરિકો અને 623 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. NDRRMAએ યાદીમાં નામ ઉમેરવા, દૂર કરવા અથવા નોંધાયેલી વિગતોમાં સુધારો કરવા માટે વાંધા અને સૂચનો મંગાવ્યાં છે.

- Advertisement -

પરિવારજનોને વાંધા નોંધાવવાનો સમય અપાયો

બુધવારે પ્રસિદ્ધ કરાયેલી એક પ્રેસ વિજ્ઞપ્તિમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે જો હજુ પણ લાપતા ગણાતા લોકોના પરિવારજનોને આ યાદી અંગે કોઈ વાંધો હોય અથવા તેમાં ફેરફાર કરાવવો હોય, તો તેઓ 2 ડિસેમ્બર પહેલાં દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. દૂતાવાસે જણાવ્યું કે સૂચનો અને સુધારા મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નેપાળ સરકાર યાદીને આખરી સ્વરૂપ આપશે અને આ લોકોનાં મૃત્યુની સત્તાવાર જાહેરાત કરશે.

નેપાળ મૃત્યુ પ્રમાણપત્ર આપશે

આ પછી ભારતીય દૂતાવાસ નેપાળના સ્થાનિક અધિકારીઓ પાસેથી આ લોકોનાં મૃત્યુ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે. દૂતાવાસે જણાવ્યું કે આ પ્રક્રિયા દરમિયાન લાપતા લોકોના પરિવારજનો પાસેથી વધારાની માહિતી અને દસ્તાવેજો માગવામાં આવી શકે છે.

- Advertisement -

લાપતા વિદેશીઓમાં 213 ભારતીય નાગરિકો

પૂરમાં લાપતા થયેલા વિદેશી નાગરિકોમાં 213 ભારતીયો છે. આ ઉપરાંત ચીનના 85, અમેરિકાના 69, યુક્રેન અને મલેશિયાના 54-54, ઑસ્ટ્રેલિયાના 33, બ્રિટનના 32 અને કેનેડાના 27 નાગરિકો પણ લાપતા છે. NDRRMA અનુસાર, આ જ રીતે રશિયાના 11, સિંગાપોર અને દક્ષિણ કોરિયાના નવ-નવ, જર્મનીના આઠ, દક્ષિણ આફ્રિકાના છ, ફ્રાન્સના ચાર, હંગેરી, બેલ્જિયમ અને કઝાકિસ્તાનના બે-બે તેમજ બેલારુસનો એક નાગરિક પણ લાપતા છે.

નેપાળમાં 26 ઓગસ્ટે આવ્યું હતું પૂર

સંબંધિત વહીવટીતંત્રે વિદેશી નાગરિકોને યાદી અંગે કોઈ પણ પૂછપરછ અથવા સુધારા માટે પોતાની સંબંધિત એજન્સી અથવા વાણિજ્ય દૂતાવાસની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે. નેપાળ-તિબેટ સરહદ નજીક 26 ઓગસ્ટે અચાનક આવેલા પૂરે ઉત્તર અને મધ્ય નેપાળમાં ભારે તારાજી સર્જી હતી. હિમાલયના સરહદી વિસ્તારમાંથી દક્ષિણ તરફ વહેતી ભોટેકોશી નદીમાં પૂરનું પાણી ઝડપથી નીચાણવાળા વિસ્તારો તરફ આગળ વધ્યું હતું. આ દરમિયાન પૂરના પાણીમાં મકાનો, વાહનો, રસ્તાઓ અને પુલો તણાઈ ગયાં હતાં. પૂરને કારણે જળવિદ્યુત પરિયોજનાઓને પણ નુકસાન પહોંચ્યું હતું.

- Advertisement -
Share This Article