Nigeria Church Attack: નાઇજીરિયામાં લોહીયાળ રવિવાર: ત્રણ ચર્ચો પર હુમલો કરી ૧૫૦થી વધુ લોકોનું સામૂહિક અપહરણ, ખ્રિસ્તીઓ પર વધતા અત્યાચારથી અમેરિકા લાલઘૂમ

Arati Parmar
2 Min Read

Nigeria Church Attack: ઉત્તર-પશ્ચિમ નાઇજીરિયામાં રવિવારે ત્રણ અલગ-અલગ ચર્ચો પર હુમલો થયો છે. ત્રણેય ચર્ચો પર એકસાથે હુમલો કરતા બંદૂકધારી હુમલાખોરોએ અહીં પ્રાર્થના માટે જમા થયેલા ૧૫૦ થી વધુ લોકોનું અપહરણ કરી લીધું છે. આ હુમલો રવિવારે કડુના રાજ્યના કજુરુ વિસ્તારના કુરમિન વાલીમાં થયો હતો. હુમલા દરમિયાન ઇવેન્જેલિકલ ચર્ચ વિનિંગ ઓલ (ECWA), ચેરુબિમ એન્ડ સેરાફિમ સંપ્રદાયના ચર્ચ અને એક કેથોલિક ચર્ચમાં પ્રાર્થના સભા અને માસ ચાલી રહ્યો હતો. અત્યાર સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી.

એસોસિએટેડ પ્રેસે સંસદમાં વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય ઉસ્માન ડાનલામી સ્ટિંગોના હવાલાથી આ હુમલાની જાણકારી આપી છે. ઉસ્માન ડાનલામી સ્ટિંગોએ જણાવ્યું કે કજુરુ ક્ષેત્રની કુરમિન વાલી નામની એક વસાહતમાં હુમલા બાદ ૧૭૭ લોકો ગુમ હતા, જેમાંથી ૧૧ પાછા આવ્યા છે. હજુ પણ ૧૫૦ થી વધુ લોકોની કોઈ જાણકારી નથી. કડુના પોલીસ તરફથી આ હુમલા પર કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

- Advertisement -

નાઇજીરિયામાં હિંસા

નાઇજીરિયામાં લાંબા સમયથી હિંસા અને ઉથલપાથલ મચેલી છે. આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા આ દેશમાં અલગ-અલગ વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે બંદૂકધારી હુમલાખોરો અવારનવાર અંતરિયાળ વિસ્તારોમાં હુમલા કરે છે. આ હુમલાઓમાં લોકોની હત્યા કરવા ઉપરાંત અપહરણ કરીને લોકોને લઈ જવાનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે.

નાઇજીરિયામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાની પણ અનેક ઘટનાઓ બની ચુકી છે. આ બાબતે ગયા વર્ષે અમેરિકી રાષ્ટ્રપતિએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નાઇજીરિયામાં ખ્રિસ્તી ધર્મ ખતરામાં છે કારણ કે હજારો ખ્રિસ્તીઓ માર્યા જઈ રહ્યા છે. નાઇજીરિયામાં ખ્રિસ્તીઓનો કત્લેઆમ થઈ રહ્યો છે. એવામાં અમેરિકા દુનિયાભરમાં પોતાની વિશાળ ખ્રિસ્તી વસ્તીને બચાવવા માટે પગલાં લેશે.

- Advertisement -

નાઇજીરિયાની આશરે ૨૨ કરોડની વસ્તીમાં મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાય સમાન સંખ્યામાં છે. દેશમાં બોકો હરામ જેવા કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનો લાંબા સમયથી હિંસા કરી રહ્યા છે. જોકે દેશના ઉત્તરી ભાગોમાં થતી હિંસાનો શિકાર ખ્રિસ્તી અને મુસ્લિમ બંને સમુદાય થતા રહ્યા છે. ખ્રિસ્તીઓ પરના હુમલાઓને લઈને અમેરિકામાં રોષ જોવા મળે છે.

Share This Article