Ind vs Pak and China Support news : આતંકવાદ સામેના ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પોતાની સૈન્ય ક્ષમતાને વધારવા લાગ્યું છે, એટલુ જ નહીં પાકિસ્તાનને પરમાણુ હથિયારો વધારવામાં ચીન મદદ કરી રહ્યું છે તેવો ખુલાસો અમેરિકાની ઇન્ટેલિજન્સ એસેસમેન્ટ રિપોર્ટમાં કરાયો છે. અમેરિકાના આ રિપોર્ટમાં વધુમાં ખુલાસો કરાયો છે કે ચીન પાસે હાલ 600 જેટલા પરમાણુ હથિયારો છે અને વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા વધીને 1000ને પાર પહોંચી શકે છે. એટલે કે ચીન ન માત્ર પાકિસ્તાનને પરમાણુ હથિયારો વધારવામાં મદદ કરી રહ્યું છે સાથે જ અત્યંત ગુપ્ત રીતે પોતાના પરમાણુ હથિયારો પણ ઝડપથી વધારી રહ્યું છે. જે ભારત માટે ખતરો ઉભો કરી શકે છે.
અમેરિકી સંરક્ષણ ગુપ્ત એજન્સી (ડીઆઇએ)એ વિશ્વવ્યાપી ખતરાનું આંકલન કરતો વર્ષ 2025નો રિપોર્ટ બહાર પાડયો છે. 11 મે 2025ની વિશ્વની સ્થિતિને ધ્યાનમાં રાખી તૈયાર થયેલા આ રિપોર્ટમાં વિશ્વભરના મોટા દેશોને આવરી લેવાયા છે. જેમાં ચીન, પાકિસ્તાન, રશિયા વિષે વિસ્તારથી જણાવાયું છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે પાકિસ્તાન હાલ પોતાના પરમાણુ હથિયારોને વધુ આધુનિક બનાવવા, સરહદે ભારત સાથે તંગદીલી વધારવા અને ચીન પાસેથી સૈન્ય મદદ લેવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 10મી મેના રોજ શસ્ત્ર વિરામ જાહેર કરાયો હતો, જે બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાની સૈન્ય આગામી વર્ષે સરહદે ઘર્ષણ, પરમાણુ હથિયારોને વધુ આધુનિક અને ટેક્નોલોજી સક્ષમ બનાવવા સક્રિય થઇ ગઇ છે. પાકિસ્તાની સૈન્ય અને સરકાર ભારતને પોતાના અસ્તિત્વ સામે મોટો ખતરો માને છે. પાકિસ્તાનમાં બલુચિસ્તાનના બળવાખોરોના હુમલાને કારણે પણ પાક. વધુ સતર્ક થઇ ગયું છે. જ્યારે ચીન અંગે પણ ખતરાની ઘંટડી સમાન રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે ચીન દિવસે ને દિવસે પોતાની પરમાણુ ક્ષમતા વધારી રહ્યું છે અને પરમાણુ હથિયારોની સંખ્યા એક હજારને પાર પહોંચી શકે છે.
ચીની સૈન્યના રોકેટ ફોર્સે પોતાની તમામ પ્રકારની રેન્જવાળી મિસાઇલોની ક્ષમતા પણ વધારી દીધી છે. જેમાં શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ 900, મીડિયમ રેન્જ મિસાઇલ 1300 , ઇમિડિયેટ રેન્જ મિસાઇલ 500, ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલની સંખ્યા ૪૦૦થી વધુ હોવાનો ખુલાસો આ રિપોર્ટમાં કરાયો છે. ચીને પોતાની ગ્રાઉન્ડ લોન્ચ્ડ ક્રૂઝ મિસાઇલોની સંખ્યા બે વર્ષમાં વધારીને 300 થી 400 કરી નાખી છે. ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન એક થઇ ગયા છે. ભારતીય સૈન્યની કાર્યવાહીથી ડરેલુ પાકિસ્તાન હવે પરમાણુ ક્ષમતા વધારવા હવાતીયા મારી રહ્યું છે. જોકે આર્થિક રીતે પાયમાલ પાકિસ્તાન આ માટે ચીન પર નિર્ભર રહેશે.