Israel-Hamas War: ગાઝામાં ઈઝરાયલના હિંસક હુમલાઓ યથાવત્, મૃત્યુઆંક 54,000ના આરે

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Israel-Hamas War: ગાઝામાં ઈઝરાયલ હમાસને મૂળમાંથી ખતમ કરવામાં માટે અભિયાન ચલાવી રહ્યું છે અને તેના માટે ઈઝરાયલે ગાઝામાં હુમલા તેજ કરી દીધા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાઝામાં ઈઝરાયલી નરસંહારના પરિણામસ્વરૂપ છેલ્લા 24 કલાકમાં ગાઝા પટ્ટીમાં કામ કરતા ઓછામાં ઓછા 79 પેલેસ્ટાઇનના નાગરિકોના મોત થયા છે અને 211થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. ઓક્ટોબર 2023થી ઈઝરાયલ હુમલામાં પેલેસ્ટાઇનના લોકોના મોતની સંખ્યા વધીને 53,901થી વધી ગઈ છે. જોકે, હજુ સુઘી 1,22,593 લોકો ઈજાગ્રસ્ત છે. પીડિતોમાં સૌથી વધુ મહિલાઓની અને બાળકો છે.

બે મહિનાના યુદ્ધવિરામ બાદ ફરી શરૂ થઈ લડાઈ

- Advertisement -

યુએનના સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, બે મહિનાના યુદ્ધવિરામ બાદ 18 માર્ચથી ઈઝરાયલે ફરી નરસંહાર શરૂ કર્યા બાદ મૃતકોની સંખ્યા પણ 3747 થઈ ગઈ છે આ સિવાય 10552 અન્ય ઈજાગ્રસ્ત છે.

ગાઝામાં ડૉક્ટરના નવ બાળકોની હત્યા

ગાઝામાં ઈઝરાયલી સેનાના હુમલા શરૂ છે. શનિવારે થયેલા હુમલામાં 79 લોકો મોતને ભેટ્યા હતાં. મૃતકોમાં ખાન યુનિસ શહેરમાં થયેલા હવાઈ હુમલામાં એક ડૉક્ટરના 9 બાળકોના મોત નિપજ્યા છે. જોકે, એક બાળક ઈજાગ્રસ્ત થયું હતું. મૃતક બાળકો 7 મહિનાથી 12 વર્ષ સુધીના છે. અલ્લા નઝર નામની આ મહિલા ડૉક્ટર નાસેર હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં કામ કરે છે. હુમલાની સૂચના મળતા જ્યારે તે ઘરે પહોંચી તો ઘર સળગી રહ્યું હતું. આગ ઓલવાઈ ત્યારે સાત બાળકોના મૃતદેહ મળ્યા અને બે બાળકોના મૃતદેહ કાટમાળમાં દબાયેલા હતાં, જે નીકળી શકે તેમ નહતાં.

નોંધનીય છે કે, ઈઝરાયલની સેના પર પણ હુમલા થઈ રહ્યા છે. આ સિવાય અમેરિકામાં ઈઝરાયલના દૂતાવાસના બે કર્મચારીની હત્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. આ કર્મચારીઓની હત્યા કરનાર ઇલિયાસ રોડ્રેગેઝ ચીનના એજન્ડાને આગળ વધારવા અને હમાસનું સમર્થન કરનારરા કટ્ટરપંથી ડાબેરી અમેરિકન સંગઠનનો સભ્ય રહી ચુક્યો છે, જેણે એક સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની યાત્રાનો વિરોધ કર્યો હતો. આ સંગઠન ઈઝરાયલનું કટ્ટર વિરોધી છે. રોડ્રિગેઝનું નામ સામે આવતા જ પાર્ટી ફોર સોશિયલિઝ્મ એન્ડ લિબરેશન (PSL) નામનું સંગઠન લોકોના નિશાને આવી ગયું. જોકે, તેણે તુરંત સ્પષ્ટા કરી કે, રોડ્રિગેઝ એક સમયે તેમની સાથે જોડાયેલો હતો પરંતુ, બાદમાં તેણે છોડી દીધું હતું. ઈઝરાયલ કર્મચારીની હત્યામાં તેણે પોતાની ભૂમિકાનો સ્પષ્ટપણે ઈનકાર કરી દીધો હતો.

Share This Article