Russia vs Ukrain War Updates : ડોનાલ્ડ ટ્રમ્પે ભલે યુક્રેન મુદ્દે અલાસ્કામાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાતને સકારાત્મક ગણાવી, પરંતુ હાલમાં આ મુદ્દાનો કોઈ ઉકેલ દેખાતો નથી. અહેવાલ મુજબ, પુતિને ટ્રમ્પ સાથેની વાતચીતમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે જો યુક્રેન ડોનેત્સકનું સંપૂર્ણ નિયંત્રણ રશિયાને સોંપી દે તો અમે અમારા સૈન્યને આગળ વધતા અટકાવી દઈશું.
ઝેલેન્સ્કીએ પ્રસ્તાવ ફગાવ્યો
અહેવાલ મુજબ યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. અહેવાલ મુજબ અલાસ્કા બેઠક પછી ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ અને અન્ય યુરોપિયન દેશોના નેતાઓને ફોન કરીને પુતિનના પ્રસ્તાવ વિશે માહિતી આપી હતી. અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાત પછી મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેનને રશિયા સાથે શાંતિ કરાર માટે સંમત થવું જોઈએ.
રશિયા સામે યુક્રેન નબળું : ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા ખૂબ મોટી શક્તિ છે અને તેની સામે યુક્રેન એટલું શક્તિશાળી નથી. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2022 માં યુક્રેન પર આક્રમણ શરૂ થયા પછી અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપ્રમુખો વચ્ચેની પહેલી બેઠક અલાસ્કામાં થઈ હતી, જે લગભગ ત્રણ કલાક ચાલી હતી. અહેવાલ મુજબ, ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું કે પુતિનના પ્રસ્તાવમાં એ પણ શામેલ છે કે જો યુક્રેન ડોનેત્સકમાંથી પીછેહઠ કરી લે તો રશિયા યુક્રેનના અન્ય ભાગોમાં તેની કાર્યવાહી બંધ કરી દેશે.
ડોનેત્સકનો મોટાભાગનો હિસ્સો રશિયાના કબજામાં
2014 થી ડોનેત્સક પ્રદેશ મોટાભાગે રશિયાના નિયંત્રણ હેઠળ છે. રશિયા હાલમાં યુક્રેનિયન પ્રદેશના લગભગ 20% પર કબજો ધરાવે છે, જેમાં મોટાભાગના ડોનેત્સક પ્રાંતનો સમાવેશ થાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે હું અને પુતિન સંમત થયા હતા કે કોઈપણ શાંતિ સોદો યુદ્ધવિરામ વિના આગળ વધારવો જોઇએ વધવો જોઈએ, જે યુક્રેન અને તેના યુરોપિયન સાથીઓની લાંબા સમયથી માંગ છે.