Zombie-Rabbits: અમેરિકામાં ‘ઝોમ્બી સસલાં’નો કહેર : નવો વાયરસ માણસો માટે ખતરો?

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Zombie-Rabbits: અમેરિકાના કોલોરાડોમાં એક અભૂતપૂર્વ વાયરસે દેખા દેતાં ભયનો માહોલ સર્જાયો છે. આ વાયરસે માણસોને નહીં, પણ સસલાંઓને સપાટામાં લીધાં છે. જંગલી સસલાંઓના કપાળ પર, કાન પર અને આંખના પોપચાંની આસપાસથી કાળા રંગની, શિંગડા જેવી લાગતી કઠણ ગાંઠો ઉગી નીકળેલી જોવા મળી રહી છે. ફિલ્મોમાં વાયરસને કારણે ઝોમ્બી બની જતાં માણસો બતાવાય છે, કંઈક અંશે એવો જ વિચિત્ર અને વિકૃત દેખાવ આ વાયરસને કારણે સસલાંઓનો પણ થઈ રહ્યો હોવાથી સ્થાનિક લોકો આવા રોગગ્રસ્ત સસલાંઓને ‘ઝોમ્બી બનીઝ’ અને ‘ફ્રેન્કેસ્ટાઇન બનીઝ’ (બની એટલે સસલું) જેવા નામ આપી રહ્યા છે. આ વાયરસ ધીમેધીમે પાલતુ સસલાંઓમાં પણ ફેલાઈ રહ્યો હોવાથી અમેરિકનોમાં એ બાબતે ભય ફેલાઈ ગયો છે.

શેને કારણે આ વાયરસ ફેલાયો છે?

- Advertisement -

સસલાંઓમાં ફેલાયેલા આ રોગ પાછળ ‘શોપ પેપિલોમાવાયરસ’ (SPV) જવાબદાર છે. નિષ્ણાતોના મતે, આ રોગજન્ય વાયરસને લીધે સસલાંઓના ખાસ કરીને ચહેરા પર મસા જેવી ગાંઠો પેદા થાય છે, જે ઘણા કિસ્સામાં મોટી થઈને શિંગડા જેવું રૂપ ધારણ કરી લેય છે. આ વાયરસ સસલાથી સસલામાં સીધો ફેલાતો નથી. રોગગ્રસ્ત સસલાંને મચ્છર કે અન્ય જંતુ કરડે અને પછી એ જંતુ બીજાં તંદુરસ્ત સસલાને કરડે, એને લીધે વાયરસ ફેલાય છે.

વાયરસ માણસો માટે જોખમી છે?

- Advertisement -

બોલચાલની ભાષામાં ‘કોલોરાડો વાયરસ’ નામે જાણીતો થયેલો આ વાયરસ માણસો માટે જોખમી નથી, એ રાહતની વાત છે. ફક્ત માણસો જ નહીં, અન્ય પ્રાણીઓ કે પક્ષીઓમાં પણ આ વાયરસ ફેલાતો નથી. SPV ફક્ત સસલાંઓમાં ફેલાય છે.

શું SPV જીવલેણ છે?

- Advertisement -

SPV વાયરસ જીવલેણ ખરો, પણ બધાં કિસ્સામાં નહીં. ઘણાં રોગગ્રસ્ત સસલાંમાં અમુક સમય પછી આ વાયરસ આપોઆપ ખતમ થઈ જાય છે અને એની ગાંઠો દૂર થઈ જાય છે. પણ, જો સસલાંના શરીરમાં આ વાયરસની સંખ્યા એક હદ કરતાં વધી જાય તો એ ગાંઠો જીવલેણ કેન્સરમાં પરિવર્તિત થવાની શક્યતા રહે છે. એમ થવાથી સસલાનું મોત થઈ જાય છે.

સાવચેતી રાખવું ઈચ્છનીય છે

ભલે આ પ્રજાતિ-વિશિષ્ટ વાયરસ ફક્ત સસલાંમાં ફેલાતો હોય અને માણસોને એનાથી જોખમ ન હોય, છતાં નિષ્ણાતો કહે છે કે આવા રોગગ્રસ્ત સસલાંઓને સ્પર્શ ન કરવો જોઈએ. કોલોરાડોના નાગરિકોને આવા ઝોમ્બી સસલાંઓથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

Share This Article