Russia Ukraine War: પુતિન સાથેની બેઠક પછી ટ્રમ્પે સીઝફાયરની માગણી છોડી દીધી છે. તેમનું માનવું છે કે તાત્કાલિક શાંતિ સમજૂતી હેઠળ યુદ્ધવિરામ કરતાં પણ સારા નિર્ણયો લઈ શકાય છે.
યુક્રેનને થશે ભારે નુકસાન
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથેની વાતચીત પછી યુરોપિયન નેતાઓને ફોન કરીને સમજાવ્યું કે યુક્રેનમાં તાત્કાલિક શાંતિ કેવી રીતે લાવી શકાય. ટ્રમ્પે યુરોપિયન નેતાઓને સ્પષ્ટપણે કહ્યું કે, ‘જો ઝેલેન્સકી રશિયાને આખો ડોનબાસ વિસ્તાર એટલે કે જે રશિયન સૈનિકોના કબજામાં ન હોય તેવા વિસ્તારો પણ સોંપી દે, તો પ્રદેશમાં તરત જ શાંતિ આવી શકે છે. હું આ યોજનાને સમર્થન આપું છું.’
યુરોપિયન નેતાઓ અને ઝેલેન્સકી સાથે વાત કરશે ટ્રમ્પ
મીડિયા રિપોર્ટ મુજબ, યુરોપિયન અધિકારીએ કહ્યું કે, ‘ટ્રમ્પ સોમવારે (18 ઓગસ્ટ, 2025) આ જ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે ચર્ચા કરશે. આ બેઠક માટે યુરોપિયન નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. પુતિન સાથેની બેઠક પછી ટ્રમ્પે યુદ્ધવિરામની માંગ છોડી દીધી છે. તેમનું માનવું છે કે તાત્કાલિક શાંતિ સમજૂતી હેઠળ યુદ્ધવિરામ કરતાં પણ સારા નિર્ણયો લઈ શકાય છે.
રશિયાને જમીન આપવાનો ઝેલેન્સકીએ કર્યો વિરોધ
રિપોર્ટ અનુસાર, ઝેલેન્સકી અને યુરોપિયન નેતાઓએ રશિયાને જમીન આપવાનો સખત વિરોધ કર્યો છે. યુક્રેનિયન અધિકારીઓએ કહ્યું કે, ‘અમે રશિયાને જમીન આપવાના કોઈપણ કરાર પર સહમત થઈ શકતા નથી. આ યુક્રેનના બંધારણનું ઉલ્લંઘન છે.’ રશિયાને જમીન આપવાના સોદાના બદલામાં પુતિને યુક્રેનના બાકીના ભાગોમાં યુદ્ધવિરામની ઓફર કરી છે. પુતિને યુક્રેન કે કોઈપણ યુરોપિયન દેશ પર ફરીથી હુમલો ન કરવાનું લેખિત વચન પણ આપ્યું છે.
યુરોપિયન દેશો રશિયા પર પ્રતિબંધો ચાલુ રાખશે
અધિકારીઓએ કહ્યું કે, ‘પોતાના ક્ષેત્ર પર નિર્ણય લેવાનો અધિકાર યુક્રેનનો છે. આંતરરાષ્ટ્રીય સીમાઓને બળજબરીથી બદલવી ન જોઈએ. ટ્રમ્પે વાતચીત દરમિયાન રશિયા પર કોઈ વધુ પ્રતિબંધો કે આર્થિક દબાણ લાવવાનો ઉલ્લેખ કર્યો નથી.’
જોકે, અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, ‘યુરોપિયન નેતાઓએ આ વાત પર ભાર મૂક્યો કે જ્યાં સુધી હત્યાઓ બંધ નહીં થાય, તેઓ રશિયા પર પ્રતિબંધો અને આર્થિક દબાણ ચાલુ રાખશે.’