Nvidia Jensen Huang Espionage Allegations: અમેરિકા અને ચીન વચ્ચે AI ટેક્નોલોજીને લઈને ચાલી રહેલી તીવ્ર સ્પર્ધા વચ્ચે વિશ્વની અગ્રણી AI ચિપ ઉત્પાદક કંપનીઓમાંની એક Nvidiaના CEO જેનસન હુઆંગ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા વિવાદમાં ઘેરાયા છે. આરોપ છે કે ચીનની ઉદ્યોગપતિ મહિલા એલિસ હુઆંગ સાથે જેનસનના કથિત પ્રેમસંબંધ હતા અને તેઓ બેઇજિંગ માટે Nvidiaની જાસૂસી કરીને સંવેદનશીલ માહિતી એકત્ર કરી રહ્યાં હતાં. કંપનીના બોર્ડે આ મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. અમેરિકાના સાંસદોએ પણ જેનસન હુઆંગ પાસે જવાબ માગ્યો છે. વિવાદ વચ્ચે Nvidiaના શેરમાં આશરે 8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે, અત્યાર સુધી જાસૂસીના આરોપોની પુષ્ટિ થઈ નથી અને જેનસન હુઆંગ કે એલિસ હુઆંગ સામે કોઈ ફોજદારી આરોપ મૂકવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી નથી.
- જેનસન હુઆંગ અને એલિસ હુઆંગ સાથે જોડાયેલો વિવાદ શું છે?
- જેનસન હુઆંગે પત્ની સાથે બેવફાઈ સ્વીકારી
- એલિસ હુઆંગ કોણ છે?
- Nvidiaએ સ્વતંત્ર તપાસ શરૂ કરી
- અમેરિકાના સાંસદોએ કોંગ્રેસ સમક્ષ હાજર થવાની માગ કરી
- ટ્રમ્પે જેનસન હુઆંગનો બચાવ કર્યો
- અમેરિકા અને ચીન વચ્ચે AI ચિપની લડાઈ?
- Nvidiaની H200 ચિપ વેચવા ટ્રમ્પે આપી હતી છૂટ
- શું અમેરિકા-ચીનના સંબંધો પર અસર પડશે?
અમેરિકાના મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને શંકા છે કે ચીનની ઉદ્યોગપતિ મહિલા એલિસ હુઆંગનો ઉપયોગ બેઇજિંગ દ્વારા Nvidiaના વડા જેનસન હુઆંગ વિશે માહિતી મેળવવા અને કંપનીના વ્યવસાયને અસર કરવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. Nvidiaના બોર્ડે આ મામલે સ્વતંત્ર તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. જોકે, કંપનીએ જણાવ્યું છે કે હાલ તેને એવું કોઈ કારણ દેખાતું નથી, જેના આધારે માની શકાય કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા કંપનીની ગુપ્ત માહિતી સાથે સમાધાન થયું છે.
જેનસન હુઆંગ અને એલિસ હુઆંગ સાથે જોડાયેલો વિવાદ શું છે?
આ વિવાદની શરૂઆત ન્યૂયોર્ક ટાઇમ્સના એક તપાસ અહેવાલથી થઈ હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાના ગુપ્તચર અધિકારીઓને શંકા છે કે ચીનની સરકારે Nvidiaના CEO જેનસન હુઆંગ વિશે માહિતી મેળવવા માટે ચીનની ઉદ્યોગપતિ મહિલા એલિસ હુઆંગની ભરતી કરી હતી. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી કે એલિસ હુઆંગ ચીનમાં Nvidiaના ચિપ વેચાણના વ્યવસાયને અસર કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. જોકે, એલિસ હુઆંગે કઈ માહિતી મેળવી હતી તે હજુ સ્પષ્ટ થયું નથી. કોઈ સંવેદનશીલ માહિતી ચીનની સરકાર સુધી પહોંચી હતી કે નહીં તે પણ જાણી શકાયું નથી. આ ઉપરાંત, જેનસન હુઆંગને કથિત જાસૂસી પ્રવૃત્તિઓની જાણ હતી કે નહીં તે પણ સ્પષ્ટ નથી.
જેનસન હુઆંગ અને એલિસ હુઆંગ વચ્ચેના વ્યવસાયિક સંપર્કો અને કથિત અંગત સંબંધોને લઈને મીડિયા અહેવાલો સામે આવ્યા છે. વર્ષ 2025માં તાઇપેઇમાં યોજાયેલા Computex ટેક્નોલોજી પ્રદર્શન દરમિયાન જેનસન હુઆંગ દ્વારા યોજાયેલા રાત્રિભોજન સમારંભમાં બંનેને સાથે જોવામાં આવ્યા હતા. જેનસન હુઆંગ અને એલિસ હુઆંગની અટક એકસરખી હોવા છતાં બંને એકબીજાનાં સગાં નથી.
જેનસન હુઆંગે પત્ની સાથે બેવફાઈ સ્વીકારી
જેનસન હુઆંગે રવિવારે કંપનીના કર્મચારીઓને મોકલેલા સંદેશમાં પત્ની સાથે બેવફાઈ કરી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે આ અંગત મામલે માફી પણ માગી હતી. હુઆંગે કહ્યું હતું, ‘મેં મારી પત્ની સાથે બેવફાઈ કરી. મારા આ પગલાથી મારી પત્ની અને બાળકોને દુઃખ પહોંચ્યું. મારી પાસે મારા આ કૃત્યનું કોઈ બહાનું નથી. મને ખૂબ અફસોસ છે.’ જોકે, તેમણે કથિત જાસૂસીના આરોપો અંગે જાહેરમાં કોઈ સ્વીકાર કર્યો નથી.
ઑક્ટોબરના અંતમાં બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલા નિવેદનમાં જેનસન હુઆંગે એલિસ હુઆંગ સાથેના પોતાના સંપર્કોને વ્યવસાયિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે એલિસની કંપની સાથે તેમની વાતચીત સંપૂર્ણપણે સામાન્ય હતી.
એલિસ હુઆંગ કોણ છે?
એલિસ હુઆંગને હુઆંગ લે નામથી પણ ઓળખવામાં આવે છે. તેઓ ચીનનાં નાગરિક છે અને સિંગાપોર સ્થિત ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલમાં અગાઉ વરિષ્ઠ અધિકારી રહી ચૂક્યાં છે. મેગાસ્પીડ એવી કમ્પ્યુટિંગ સુવિધાઓ પૂરી પાડે છે, જેનો ઉપયોગ AI સિસ્ટમ ચલાવવા અને તેમને તાલીમ આપવા માટે થાય છે. ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, મેગાસ્પીડ Nvidiaના સૌથી મોટા ખરીદદારોમાં સામેલ થઈ ગઈ હતી. કંપનીએ Nvidia પાસેથી આશરે 4.8 અબજ ડૉલરનાં ઉપકરણો ખરીદ્યાં હતાં.
આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી AFPના અહેવાલ અનુસાર, ચીનના રોકાણ સંબંધિત એક ડેટાબેઝમાં એલિસ હુઆંગની પ્રોફાઇલમાં HSBC અને ચીનની સરકારી ટીવી ચેનલ CCTV તથા હુનાન ટીવીમાં તેમની અગાઉની નોકરીનો ઉલ્લેખ હતો. જોકે, AFP આ માહિતીને સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નહોતું. એલિસ હુઆંગે જાસૂસીના આરોપો અંગે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.
Nvidiaએ સ્વતંત્ર તપાસ શરૂ કરી
Nvidiaના બોર્ડે જેનસન હુઆંગ સામે સામે આવેલા આરોપોની તપાસ માટે સ્વતંત્ર પ્રક્રિયા શરૂ કરી છે. આ તપાસનું નિરીક્ષણ બોર્ડના નિર્દેશકોની એક સમિતિ અને બહારના કાનૂની સલાહકારો કરશે. તપાસનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે Nvidiaના CEOને કોઈ વિદેશી ગુપ્તચર અભિયાનનું નિશાન બનાવવામાં આવ્યા હતા કે નહીં અને કંપનીની સંવેદનશીલ માહિતી પર કોઈ અસર થઈ હતી કે નહીં.
Nvidiaએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે હાલ તેને એવું કોઈ કારણ દેખાતું નથી, જેના આધારે માની શકાય કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા કંપનીની ગુપ્ત માહિતી સાથે સમાધાન થયું છે. કંપનીએ કહ્યું કે બોર્ડને જેનસન હુઆંગ અને તેમની નેતૃત્વ ટીમ પર વિશ્વાસ છે. જેનસન હુઆંગે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની અને કંપનીનું નેતૃત્વ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. Nvidiaના બોર્ડે જણાવ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
અમેરિકાના સાંસદોએ કોંગ્રેસ સમક્ષ હાજર થવાની માગ કરી
આ વિવાદને કારણે અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસમાં પણ રાજકીય હલચલ વધી છે. રિપબ્લિકન સાંસદો જૉન મોલિનાર, બ્રાયન માસ્ટ અને રિક ક્રોફર્ડે જેનસન હુઆંગને 18 નવેમ્બરે કોંગ્રેસ સમક્ષ હાજર થઈને નિવેદન આપવાની માગ કરી છે. સાંસદોનું કહેવું છે કે આ આરોપોથી ગંભીર સવાલ ઊભો થાય છે કે શું ચીનને અમેરિકાની ટેક્નોલોજી સુધી એવી પહોંચ મળી છે, જેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ થઈ શકે છે.
તેમણે કહ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને કેટલું જોખમ થયું છે તે જાણવું કોંગ્રેસ માટે જરૂરી છે. ડેમોક્રેટિક પાર્ટીનાં સેનેટર એલિઝાબેથ વૉરેન પણ Nvidia પાસેથી જવાબ માગી ચૂક્યાં છે. તેમણે અમેરિકાની ટેક્નોલોજી ચીન સુધી પહોંચતી અટકાવવા માટે કડક કાયદા બનાવવાની માગ કરી છે. વૉરેને કહ્યું કે Nvidiaના જેનસન હુઆંગ અને કંપનીના બોર્ડે કોંગ્રેસના સવાલોના જવાબ આપવા જોઈએ. તેમણે જણાવ્યું કે અમેરિકાની ટેક્નોલોજી ચીન સુધી પહોંચતી અટકાવવા માટે બંને પક્ષોના સમર્થનથી કાયદો બનાવવાની જરૂર છે.
ટ્રમ્પે જેનસન હુઆંગનો બચાવ કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદ વચ્ચે જેનસન હુઆંગનો બચાવ કર્યો છે. ટ્રમ્પે તેમને સન્માનનીય વ્યક્તિ ગણાવ્યા હતા. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે કથિત આરોપો અંગે ગુપ્તચર માહિતી મળ્યા બાદ તેમણે કોઈ કાર્યવાહી કરવી જોઈતી હતી કે નહીં, ત્યારે તેમણે કહ્યું હતું, ‘ના, મને એવું લાગતું નથી.’ AI અને ચિપના વ્યવસાયના મામલે જેનસન હુઆંગને ટ્રમ્પના નજીકના સલાહકારોમાં ગણવામાં આવે છે. તેઓ લાંબા સમયથી ચીનને Nvidiaની ચિપ વેચવા પર લાગેલા અમેરિકાના પ્રતિબંધો હળવા કરવાની તરફેણ કરતા આવ્યા છે.
બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને સોમવારે ચીન પરના જાસૂસીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે ચીનને જાસૂસ તરીકે રજૂ કરવાની આ વાતમાં કોઈ આધાર નથી અને તે ચીનને બદનામ કરવાનો પ્રયાસ છે.
અમેરિકા અને ચીન વચ્ચે AI ચિપની લડાઈ?
આ વિવાદને સમજવા માટે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી AI ટેક્નોલોજીની સ્પર્ધા સમજવી પણ જરૂરી છે. AI સિસ્ટમ વિકસાવવા અને ચલાવવા માટે અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર ચિપની જરૂર પડે છે. Nvidia આવી ચિપ બનાવતી વિશ્વની અગ્રણી કંપનીઓમાં સામેલ છે. આ ચિપનો ઉપયોગ માત્ર AI મૉડલ બનાવવા માટે જ નહીં, પરંતુ સ્માર્ટફોન, કાર, લશ્કરી સાધનો અને બીજી અનેક આધુનિક ટેક્નોલોજીમાં પણ થાય છે.
અમેરિકાને ચિંતા છે કે જો ચીનને સૌથી અદ્યતન અમેરિકન ચિપ મળી જશે તો તે AI અને લશ્કરી ટેક્નોલોજીના ક્ષેત્રમાં પોતાની ક્ષમતા ઝડપથી વધારી શકે છે. આ જ કારણથી અમેરિકાની સરકારે ચીનને અદ્યતન સેમિકન્ડક્ટર વેચવા પર અનેક પ્રતિબંધો મૂક્યા છે. Nvidiaની સૌથી અદ્યતન Blackwell GPU ચિપ ચીનમાં નિકાસ કરવાની મંજૂરી નથી. અમેરિકાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે ચીનની બહાર કામ કરતી ચીની કંપનીઓ પર પણ પ્રતિબંધ લાગુ થઈ શકે છે. અમેરિકાને આશંકા છે કે વિદેશી કંપનીઓ અથવા તેમની સહાયક કંપનીઓ દ્વારા નિકાસ પ્રતિબંધોને બાજુ પર રાખીને ચિપની નિકાસ થઈ શકે છે.
Nvidiaની H200 ચિપ વેચવા ટ્રમ્પે આપી હતી છૂટ
ચીનને ચિપ વેચવાના મામલે અમેરિકાની નીતિમાં કેટલાક ફેરફાર પણ થયા છે. ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે Nvidiaને H200 ચિપ ચીનમાં વેચવાની મંજૂરી આપવાની વાત કરી હતી. આ નિર્ણયને અમેરિકાના નિકાસ પ્રતિબંધોમાં મોટી છૂટ તરીકે જોવામાં આવ્યો હતો. H200 Nvidiaની સૌથી અદ્યતન ચિપ નથી, પરંતુ અગાઉ ચીનમાં વેચાણ માટે મંજૂરી મળેલી H20 ચિપ કરતાં તે લગભગ છ ગણી વધુ શક્તિશાળી હોવાનું જણાવાયું છે.
આવા સંજોગોમાં મેગાસ્પીડ સાથે જોડાયેલા આરોપો અમેરિકામાં એવા લોકોની ચિંતા વધારી શકે છે, જેઓ ચીનને અદ્યતન ટેક્નોલોજી વેચવાના વિરોધમાં છે. જો તપાસમાં સામે આવે કે Nvidiaના ચીની ગ્રાહકો દ્વારા અમેરિકાના નિકાસ નિયમોને બાજુ પર રાખવામાં આવ્યા હતા, તો કંપનીના ચીન સાથેના વ્યવસાય પર વધુ કડક નિયંત્રણો લાગુ થઈ શકે છે.
શું અમેરિકા-ચીનના સંબંધો પર અસર પડશે?
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે AI ટેક્નોલોજીમાં વર્ચસ્વ મેળવવા માટે અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે. અમેરિકા અદ્યતન ચિપ અને AI મૉડલ વિકસાવવા માટે ખાનગી ક્ષેત્રમાં મોટું રોકાણ કરી રહ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના AI ઇન્ડેક્સ અનુસાર, વર્ષ 2025માં અમેરિકાના AI ક્ષેત્રમાં ખાનગી રોકાણ 285.9 અબજ ડૉલર સુધી પહોંચ્યું હતું, જ્યારે ચીનમાં આ રોકાણ 12.4 અબજ ડૉલર હતું. જોકે, અમેરિકાના પ્રતિબંધો છતાં ચીને AI ક્ષેત્રમાં પોતાની ક્ષમતા વધારી છે.
જાન્યુઆરીમાં ચીનના AI સ્ટાર્ટઅપ DeepSeekના મૉડલની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. કંપનીએ દાવો કર્યો હતો કે તેણે પોતાના સ્પર્ધકોની સરખામણીમાં ખૂબ ઓછા ખર્ચે AI મૉડલ વિકસાવ્યું છે. આ સમાચાર બાદ અમેરિકાની ટેક્નોલોજી કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો હતો. દુર્લભ ખનિજોના એટલે કે રેર અર્થ મિનરલ્સના ઉત્પાદનના ક્ષેત્રમાં પણ ચીન આગળ છે. આધુનિક ટેક્નોલોજી અને અદ્યતન સાધનોના નિર્માણમાં આ ખનિજો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, ચીન અમેરિકાની સરખામણીમાં બમણાથી વધુ વીજળીનું ઉત્પાદન કરે છે. AI ડેટા સેન્ટર ચલાવવા માટે મોટા પ્રમાણમાં વીજળીની જરૂર પડે છે.

